આયુર્વેદની દૃષ્ટિએ આ ઋતુમાં શરીરમાં વધતા વાતદોષ અને એની સાથે સંકળાયેલા વિવિધ દુખાવાને કાબૂમાં રાખવા માટે તેલમસાજ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
જવાબ જો ના હોય તો કરવી જોઈએ. આયુર્વેદની દૃષ્ટિએ આ ઋતુમાં શરીરમાં વધતા વાતદોષ અને એની સાથે સંકળાયેલા વિવિધ દુખાવાને કાબૂમાં રાખવા માટે તેલમસાજ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન ઍક્ટર આર. માધવને પોતાની ચમકદાર સ્કિન અને હેલ્ધી હેરનું રહસ્ય અઠવાડિયામાં એક વાર નારિયેળના તેલથી થતી માલિશને ગણાવ્યું હતું. આજે જાણી લો કમસે કમ અઠવાડિયામાં એક વાર મસાજ કરવાના લાભ, એને કરવાની રીત અને વધુમાં વધુ લાભ મેળવવાની ટ્રિક્સ વિશે
દરેક ઋતુમાં બહારના વાતાવરણની જેમ શરીરની અંદરનું વાતાવરણ પણ બદલાતું હોય છે. થોડાક બદલાવ જો જીવનશૈલીમાં પણ લાવી દેવાય અને ઋતુને અનુરૂપ સુધાર કરાય તો માંદા પડવાની સંભાવનાઓ ઘટી જાય છે. પ્રિવેન્ટિવ સાયન્સ તરીકે જાણીતા આયુર્વેદમાં ઋતુ મુજબના આવા બદલાવો મોટા પ્રમાણમાં સજેસ્ટ કરવામાં આવ્યા છે. ચોમાસામાં મંદ પડતી પાચનશક્તિ, વાતપ્રકોપને કારણે સાંધાના દુખાવા, સ્નાયુઓમાં નબળાઈ આવવી જેવી સમસ્યાઓ વકરતી હોય છે. જોકે શારીરિક તકલીફો ઉપરાંત સ્કિન અને હેરને ચમકીલા બનાવવા માટે પણ મસાજ-થેરપીનું અદકેરું મહત્ત્વ છે. તાજેતરમાં ઍક્ટર આર. માધવને એક ઇન્ટરવ્યુ દરમ્યાન પોતાની ચમકદાર સ્કિન-જથ્થાબંધ વાળનું રહસ્ય કોકોનટ ઑઇલ દ્વારા દર અઠવાડિયે પોતે મસાજ કરે છે એને આપ્યું હતું. મસાજ-થેરપી નવી નથી, પરંતુ ચોમાસામાં આયુર્વેદમાં અભ્યંગ તરીકે ઓળખાતી આ મેથડ હજી વધુ ઉપયોગી નીવડતી હોય છે. કઈ રીતે એ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ.
ADVERTISEMENT
શું છે અભ્યંગ?
શરીરને શુદ્ધ અને સ્વસ્થ કરવા માટે આયુર્વેદમાં પંચકર્મની પદ્ધતિનો ઉલ્લેખ આવે છે. એ પંચકર્મ શરૂ કરતાં પહેલાં જે પૂર્વતૈયારી કરાય એ પૂર્વતૈયારી અથવા તો પૂર્વકર્મ એટલે અભ્યંગ. વરલીમાં આવેલી આયુર્વેદની અગ્રણી હૉસ્પિટલ આર. આર. એ. પોદાર સેન્ટ્રલ આયુર્વેદ રિસર્સ ઇન્સ્ટિટ્યૂટના અસિસ્ટન્ટ ડિરેક્ટર અને અગ્રણી વૈદ્ય ડૉ. આર. ગોવિંદ રેડ્ડી કહે છે, ‘શરીરની વિકૃતિ દૂર કરીને દોષના પ્રકોપને નિવારવા માટે પંચકર્મ થાય છે, જેમાં બાય ડિફૉલ્ટ પહેલાં અભ્યંગ અથવા તો મસાજ-થેરપી કરવી પડે. વ્યક્તિની ઉંમર, ઋતુ અને તેને થયેલા રોગને ધ્યાનમાં રાખીને અમુક વિશિષ્ટ પ્રકારના તેલથી મસ્તિષ્કથી લઈને આખા શરીરના તમામ સ્નાયુઓ અને વિવિધ મર્મ-પૉઇન્ટ પર વિશેષ પ્રકારના દબાણ સાથે મસાજ કરાય. એનું પરિણામ એ આવે કે શરીરમાં રહેલા એ દોષો અને વિકૃતિઓ પેટના એરિયામાં શિફ્ટ થાય. એ પછી વિરેચન એટલે કે મોશન અને વમન એટલે કે વૉમિટિંગ દ્વારા એને બહાર કાઢવામાં આવે. એ દૃષ્ટિએ જુઓ તો મસાજ એ શરીરને શુદ્ધ કરવાનું અને પછી પુષ્ટ કરવાનું માધ્યમ છે.’

વૈદ્ય ડૉ. આર. ગોવિંદ રેડ્ડી
ચોમાસામાં શું કામ જરૂરી?
આયુર્વેદમાં છ ઋતુઓનું વર્ણન છે, જેમાં સામાન્ય રીતે જુલાઈ અને સપ્ટેમ્બર મહિનો વર્ષાઋતુનો મનાય છે એમ જણાવીને ડૉ. ગોવિંદ કહે છે, ‘વર્ષાઋતુમાં આયુર્વેદના સિદ્ધાંત મુજબ એવું માનવામાં આવે છે કે જ્યારે શરીરમાં વાતદોષ જમા થાય છે જેને કારણે સાંધાનો દુખાવો, શરીરમાં સ્ટિફનેસ, બ્લોટિંગ, ઇનડાયજેશન, સ્ટ્રેસ, ભૂખ ન લાગવી, થાક લાગવો વગેરે થઈ શકે છે. આ લક્ષણો અને વાતાવરણ વચ્ચે જો અભ્યંગ એટલે કે ઔષધીય ગુણ ધરાવતા તેલની મદદથી વિશિષ્ટ રીતે શરીરનાં વિવિધ અંગોની માલિશ કરવામાં આવે તો તેલના ગુણો પ્રકોપિત વાયુને સંતુલિત કરવામાં મદદ કરે છે. ગરમ હૂંફાળા તેલથી થતી માલિશ વાયુની શુષ્કતા અને ઠંડકને ઘટાડે છે, સાંધાને લુબ્રિકેટ કરીને દુખાવો, ઘર્ષણની સંભાવના અને સ્ટિફનેસને દૂર કરે છે. માલિશથી બ્લડ-સર્ક્યુલેશન સુધરવાથી આયુર્વેદની દૃષ્ટિએ શરીરમાં અપચાને કારણે જન્મેલો આમ (વિષયુક્ત પદાર્થ) દૂર થાય છે, શુષ્ક થયેલી ત્વચાને પોષણ મળે છે, ચેતાતંત્રને શાંત કરે છે, વાયુના અસંતુલનને કારણે જન્મેલી માનસિક ચિંતા-બેચેની દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. એટલે જ વર્ષાઋતુમાં તેલમાલિશ કરવાના વિશેષ લાભ છે.’
ઘરે કરવી છે તેલમાલિશ?
સામાન્ય રીતે કોઈકની સલાહ લઈને અને આયુર્વેદના સિદ્ધાંત મુજબ શરીરનાં વિવિધ મર્મકેન્દ્રો અને સ્નાયુઓના બંધારણને ધ્યાનમાં રાખીને થતી માલિશ વધુ ઇફેક્ટિવ મનાય છે, પરંતુ તમે તમારી અનુકૂળતા મુજબ ઘરે પણ તેલમાલિશ દ્વારા થોડાક લાભ તો મેળવી જ શકો છો. સૌથી પહેલાં તો તમારી અવસ્થા (પ્રકૃતિ, રોગ અને ઋતુ) મુજબ તેલની પસંદગી મહત્ત્વની છે. અત્યારની ઋતુમાં સ્ટાન્ડર્ડ તેલ તરીકે તમે તલના તેલની પસંદગી કરી શકો છો. તેલ થોડુંક ગરમ હોય એ જરૂરી છે, કારણ કે હૂંફાળા તેલથી થતી માલિશ વધુ પરિણામદાયી નીવડે છે. તેલને સીધું ગૅસ પર ગરમ કરવાને બદલે ગરમ પાણીમાં તેલની બાટલી અથવા તો વાટકી મૂકવી ઉચિત રસ્તો છે. મસાજની શરૂઆત માથાથી કરો. સૌથી પહેલાં તમારા માથાના ઉપલા ભાગમાં તેલ રેડીને આંગળીનાં ટેરવાંની મદદથી ગોળાકાર મૂવમેન્ટ સાથે મસાજ કરો. એ પછી તમારી આંગળીમાં તેલ લઈને કાનમાં તેલ અંદર ન જાય એની ચોકસાઈ રાખીને હળવાશ સાથે કાનની માલિશ કરો. એ પછી તમારા ચહેરા, કપાળ અને ગાલ પર નીચેથી ઉપર જતા હો એ દિશામાં ગોળાકાર માલિશ કરો. એ પછી ગરદન, ખભા, હાથ, આંગળીઓ, છાતીના ભાગમાં ગોળાકાર અને નીચેથી ઉપરની ગતિ દ્વારા માલિશ કરો. પેટ પર ઘડિયાળના કાંટાની દિશામાં માલિશ કરતા મોટા આંતરડાના માર્ગને અનુસરો. એ પછી પગ, પગના પંજા, પગની આંગળીઓને એક પછી એક કવર કરતા જાઓ. લાંબા સ્ટ્રોક સાથે નીચેથી ઉપર તરફ તમારા હાથ ફરવા જોઈએ. માલિશ પછી પંદરથી વીસ મિનિટ ઓછામાં ઓછો આરામ કરવો જોઈએ અને તેલને શરીરમાં શોષાવા દેવું જોઈએ. આ દરમ્યાન તમે હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકો છો. વીસેક મિનિટ પછી ગરમ પાણીથી સ્નાન કરો અને સ્નાન વખતે પણ શક્ય હોય તો ચણાના લોટ, ઉબટન અથવા હર્બલ સાબુનો તેલ કાઢવા પ્રયોગ કરવો જોઈએ. સાબુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
કયા તેલથી કેટલી વાર?
આયુર્વેદના મહત્ત્વના ગ્રંથોમાં દરરોજ માલિશ કરવાની ભલામણ કરવામાં આવી છે. ડૉ. ગોવિંદ કહે છે, ‘અષ્ટાંગ હૃદયમના બીજા અધ્યાયના આઠ અને નવ નંબરના શ્લોકમાં કહેવાયું છે કે દરરોજ જો અભ્યંગ કરો તો વૃદ્ધાવસ્થા, શ્રમ એટલે કે થાક અને વાયુનો પ્રકોપ દૂર થાય છે. ચરકસંહિતામાં પણ કહેવાયું છે કે જે વ્યક્તિ દરરોજ માલિશ કરે છે તેનો સ્પર્શ કોમળ તથા શરીર સુંદર, શક્તિશાળી અને આકર્ષક બને છે અને વૃદ્ધાવસ્થાની અસરથી ઓછામાં ઓછી પ્રભાવિત થાય છે. આ દર્શાવે છે કે માલિશ વ્યક્તિ માટે ઍન્ટિ-એજિંગનું કામ કરી શકે છે. શરીરમાં રોગ ન હોય તો પણ દરરોજ માલિશ કરવાનું આયુર્વેદના ગ્રંથોમાં કહેવાયું છે. જોકે જો દરરોજ સમય ન હોય તો અઠવાડિયામાં ચારથી પાંચ દિવસ તો માલિશ કરવી જ જોઈએ. ખાસ કરીને વાત પ્રકૃતિના લોકો માટે એ ખૂબ જ વધુ રેકમેન્ડેડ છે. વાત પ્રકૃતિ માટે તલનું તેલ સારું છે. પિત્ત પ્રકૃતિના લોકોએ અઠવાડિયામાં ત્રણથી ચાર વાર નારિયેળ અથવા સૂર્યમુખીના તેલથી માલિશ કરવી જોઈએ અને કફ દોષ ધરાવતા લોકોએ અઠવાડિયામાં એકથી બે વાર સરસવના તેલથી અથવા તો સૂકા ઔષધીય પાઉડરથી માલિશ કરવી જોઈએ જેને આયુર્વેદમાં ઉદ્વર્તન પણ કહે છે. ધારો કે દરરોજ આખા શરીર પર માલિશ કરવાનું શક્ય ન હોય તો કમસે કમ માથું, કાન અને પગ પર તો ખાસ તેલ લગાડવું જોઈએ કારણ કે આપણા શરીરના આ ભાગો મર્મબિંદુઓથી ભરપૂર છે.’
તલનું તેલ બેસ્ટ
તલનું તેલ ગરમ, ભારે અને પોષક હોવાથી ચોમાસા દરમ્યાન વાયુને શાંત કરવા અને સામાન્ય અભ્યંગ માટેનું ઉત્તમ અને સૌથી વધુ ભલામણ કરાયેલું તેલ છે.
આટલું ધ્યાન રાખવું
પેટ ભરેલું હોય ત્યારે માલિશ ન કરો.
ઠંડું તેલ ન લગાવો. જોરજોરથી ઘસશો નહીં.
જો ખંજવાળ અથવા લાલાશનો અનુભવ થાય તો આયુર્વેદિક પ્રૅક્ટિશનરની સલાહ લો.
માલિશની વીસ મિનિટ પછી જ સ્નાન કરવું. તમારા શરીરને સાંભળો.
તાવ, ફ્લુ, તીવ્ર શરદી દરમ્યાન મસાજ ન કરવો.
માસિક સ્રાવ દરમ્યાન ખાસ કરીને પેટની માલિશ ન કરવી.
જો તમને ચેપી ત્વચારોગ, ખીલ અથવા ખુલ્લા ઘા હોય તો પણ મસાજ અવૉઇડ કરવો.
ગર્ભાવસ્થા દરમ્યાન આયુર્વેદિક પ્રૅક્ટિશનરની સલાહ સાથે જ માલિશ કરવી.


