ચહેરાની સાથે હોઠની ત્વચા પણ સારી રહે એ માટે ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો હોઠ કાળા થઈ શકે છે જે તમારા ચહેરાના લુકને પ્રભાવિત કરશે
પ્રતીકાત્મક તસવીર
હોઠની કાળાશ એટલે કે ડાર્ક લિપ્સ થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. ઘણી વાર ઋતુ બદલાય અથવા શરીરની અંદર હૉર્મોનલ ચેન્જ થાય ત્યારે ચા-કૉફીનું અતિ સેવન, સસ્તી અને ઍલર્જિક લિપસ્ટિક, ડીહાઇડ્રેશન અને દવાની સાઇડ-ઇફેક્ટ્સ જેવાં પરિબળોને લીધે ગુલાબી હોઠ પર કાળાશ આવી શકે છે. જોકે એના પર થોડું ધ્યાન આપીને ઘરગથ્થુ નુસખાને અપનાવવામાં આવે તો ફરીથી એ પહેલાં જેવા થઈ શકે છે.
નારિયેળનું તેલ અને મધ
ADVERTISEMENT
એક વાટકીમાં એક ચમચી નારિયેળનું તેલ અને એક ચમચી મધને મિક્સ કરીને આંગળી વડે હોઠ પર ૧૦થી ૧૫ મિનિટ સુધી ઘસવું અને પછી કૉટનના પૅડ્સ અથવા રૂથી એને બરાબર સાફ કરી લેવું. આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણ વખત કરવાથી એક-બે મહિનામાં ફરક દેખાશે.
દૂધની મલાઈ
દરરોજ રાત્રે સૂતા પહેલાં દૂધની મલાઈને હોઠ પર ઘસો અને આખી રાત એને રહેવા દો. સવારે એને સાફ કરી નાખો. આ પ્રયોગ પણ તમારા હોઠની કાળાશને દૂર કરશે.
કાકડીનો રસ
કાકડીના રસને પાંચથી દસ મિનિટ સુધી હોઠ પર ઘસવાથી સ્કિન-ટોનને સુધારે છે અને હોઠને પહેલાં જેવા કરવામાં મદદ કરે છે.
સાકર અને મધ
સાકરમાં થોડું મધ મિક્સ કરો. જો મધ પસંદ ન હોય તો ઘી અને સાકરને પણ મિક્સ કરીને હોઠ પર લગાવવામાં આવે તો એ સ્ક્રબનું કામ કરે છે અને ડેડ સ્કિનને કાઢવામાં મદદ કરે છે. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરવાથી પરિણામ દેખાશે.
અલોવેરા જેલ
સ્કિન માટે અલોવેરા બહુ જ ફાયદો આપે છે. ડ્રાયનેસને કારણે હોઠ ડાર્ક થયા હોય તો દરરોજ અલોવેરા જેલ લગાવવી. એ સ્કિનને હાઇડ્રેટ કરવાની સાથે પિગ્મેન્ટેશનને ઘટાડવાનું કામ પણ કરીને હોઠને પહેલાં જેવા મુલાયમ અને ગુલાબી બનાવે છે.
હોઠની સંભાળ કઈ રીતે રાખશો?
ધૂમ્રપાનની આદત હોય તો એ બંધ કરો. એને લીધે હોઠ કાળા પડવાની સમસ્યા થાય છે.
દિવસમાં ૮થી ૧૦ ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ જેથી ડીહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય.
તડકામાં બહાર જવાનું હોય તો સનસ્ક્રીન અથવા લિપ-બામ લગાવ્યા બાદ જાઓ.
સસ્તી અને લોકલ બ્રૅન્ડ્સની કેમિકલયુક્ત લિપસ્ટિક વાપરવાને બદલે બ્રૅન્ડેડ લિપસ્ટિક વાપરો.
રાત્રે સૂતાં પહેલાં શિયા બટર, વિટામિન E અથવા બદામનું તેલ હોય એવા ઑર્ગેનિક લિપ-બામનો ઉપયોગ કરવો. એ લિપ્સની હેલ્થને સુધારશે.

