કૅન્સરનું નિદાન જલદી થાય તો સ્ત્રીને બચાવી શકાય છે પરંતુ જલદી નિદાન માટે પૅપ સ્મીઅર ટેસ્ટ કરાવવી જરૂરી છે. જેમ અમુક રૂટીન ટેસ્ટ કરાવતા રહેવાથી મોટી બીમારી જલદી પકડમાં આવે છે
પ્રતીકાત્મક તસવીર
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ અનુસાર દર ૮ મિનિટે ભારતમાં એક સ્ત્રી સર્વાઇકલ કૅન્સરને કારણે મરી રહી છે. ભારતમાં દર વર્ષે ૧,૩૦,૦૦૦ નવા કેસ સર્વાઇકલ કૅન્સરના હોય છે અને દર વર્ષે લગભગ ૭૪,૦૦૦ સ્ત્રીઓ ભારતમાં સર્વાઇકલ કૅન્સરને કારણે મરી રહી છે. વજાઇનામાંથી ગર્ભાશયમાં અંદર જવા માટે ગર્ભાશયના એક સાંકડા ભાગમાંથી પસાર થવું પડે એ ભાગને સર્વિક્સ કહે છે અને આ ભાગમાં જો કૅન્સર થાય તો એને સર્વાઇકલ કૅન્સર કહે છે. આ રોગ એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે એટલે કે સેક્સ કરતી વખતે એના વાઇરસ સ્ત્રીના શરીરમાં પ્રવેશે છે અને જો આ વાઇરસ શરીરમાં વધુ સમય માટે રહી જાય તો એને કારણે સ્ત્રીને આ રોગ થઈ શકે છે. આ રોગ મોટા ભાગે ૨૫થી ૪૦ વર્ષની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. સર્વાઇકલ કૅન્સર વાઇરસને કારણે થતો રોગ છે. આ રોગ પાછળ જવાબદાર વાઇરસ છે હ્યુમન પેપિલોમા વાઇરસ (HPV). હ્યુમન પેપિલોમા વાઇરસ શરીરમાં પ્રવેશવો અને એનું ઇન્ફેક્શન થવું ખૂબ જ કૉમન પ્રૉબ્લેમ છે. જો આ કૅન્સરનું નિદાન જલદી થાય તો સ્ત્રીને બચાવી શકાય છે પરંતુ જલદી નિદાન માટે પૅપ સ્મીઅર ટેસ્ટ કરાવવી જરૂરી છે. જેમ અમુક રૂટીન ટેસ્ટ કરાવતા રહેવાથી મોટી બીમારી જલદી પકડમાં આવે છે એવું સર્વાઇકલ કૅન્સર માટે આ ટેસ્ટનું સમજવું.
પૅપ સ્મીઅર નામની એક ટેસ્ટ છે જેનાથી ગર્ભાશયના મુખ પાસે જે કોષો રહેલા છે એ કોષોમાં કોઈ ખામી આવેલી હોય તો એ જાણી શકાય છે. આ ટેસ્ટમાં ગાયનેકોલૉજિસ્ટ સ્ત્રીના ગર્ભાશયના મુખ પાસેથી થોડા કોષો લઈને લૅબોરેટરીમાં ચકાસવા મોકલે છે. મુંબઈમાં ઘણી લૅબોરેટરીમાં આ ટેસ્ટ ડાયરેક્ટ થઈ શકે છે. એના માટે કોઈ પ્રિસ્ક્રિપ્શનની જરૂર હોતી નથી. આ ટેસ્ટ દ્વારા કોષોની રચના ખ્યાલ પડે છે અને કોઈ પ્રૉબ્લેમ હોય તો સામે આવે છે. જ્યારે કોઈ પણ સ્ત્રીને HPVનું ઇન્ફેક્શન થાય અને તેના કોષોમાં ખરાબી શરૂ થાય ત્યારથી લઈને કૅન્સર સુધી પહોંચવામાં ૧૦ વર્ષ લાગે છે. આ ૧૦ વર્ષ દરમિયાન જ્યારે સ્ત્રી પૅપ સ્મીઅર નામની ટેસ્ટ કરાવે છે ત્યારે તેના કોષોમાં થઈ રહેલી ઊથલપાથલને ઓળખી શકાય છે અને એનો ઇલાજ કરી શકાય છે. દરેક પતિએ આ જવાબદારી ઉપાડી લેવી જોઈએ કે તેની પત્નીને તે લગ્ન પછી દર વર્ષે નહીં તો દર ત્રણ વર્ષે પૅપ સ્મીઅર માટે લઈ જાય. એક નાનકડી અને સરળ ટેસ્ટ સ્ત્રીને કૅન્સરથી બચાવી શકે છે, જે ખૂબ મહત્ત્વની વાત છે. લગ્ન પછી ૪૦ વર્ષની ઉંમર સુધી સ્ત્રીએ દર ૫ વર્ષે અને ૪૦ વર્ષની ઉંમર પછી દર ૩ વર્ષે આ ટેસ્ટ કરવી જરૂરી છે.
ADVERTISEMENT
-ડૉ. જેહાન ધાભર


