કેટલાક લોકોને ખાવાની ક્રન્ચી વસ્તુઓ વધુ પસંદ હોય છે. એનું એક કારણ એનો સ્વાદ તો હોય જ છે, પણ સાથે-સાથે એક સીક્રેટ સાઇકોલૉજી પણ હોય છે જેના વિશે ખૂબ ઓછા લોકોને ખબર હશે
પ્રતીકાત્મક તસવીર
ક્રન્ચી સ્નૅક્સ એટલે કે ચિપ્સ, ખાખરા, પાપડ, ચકલી, ગાંઠિયા, ભૂંગળાં, સક્કરપારા, ચેવડો, પૂરી, બિસ્કિટ જેવી વસ્તુઓ ખાવાની એક અલગ મજા હોય છે. એ ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે, અને સાથે અનેક લેવલ પર દિમાગ અને ઇન્દ્રિયોને આનંદનો અનુભવ આપે છે. એક તો આપણે જ્યારે ક્રન્ચી ખાવાનું ખાઈએ ત્યારે એનો જે અવાજ હોય એ સુખદ હોય છે. આપણે જેવી વસ્તુ ખાઈએ ત્યારે એનો તૂટવાનો અવાજ મગજને સિગ્નલ આપે છે કે કંઈક મજેદાર થઈ રહ્યું છે. આ અવાજથી સેન્સરી સૅટિસ્ફૅકશન મળે છે જે ખાવાના અનુભવને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. કેટલાંક વૈજ્ઞાનિક રિસર્ચમાં પણ એવું કહેવાયું છે કે અવાજ ન સંભળાય એમ ક્રન્ચી વસ્તુઓ તમે ખાતા હો તો સ્વાદ ફિક્કો લાગવા લાગે છે.
કેટલાક લોકો ફક્ત સ્વાદ નહીં, ટેક્સ્ચર એટલે કે વસ્તુની બનાવટ જોઈને પણ એનો આનંદ લેતા હોય છે. ક્રન્ચી ખાવાનો અનુભવ તેમના દિમાગને સ્ટિમ્યુલેશન આપે છે જેથી તેમને એ ખાતી વખતે વધુ સંતોષનો અનુભવ થાય છે. ક્રન્ચી વસ્તુઓ આપણે ખાતા હોઈએ ત્યારે એને તોડવામાં થોડી મહેનત કરવી પડે છે. એટલે ક્રન્ચી વસ્તુને ચાવવાની પ્રોસેસ દિમાગને રિવૉર્ડ મળ્યા જેવી ફીલ કરાવે છે.
ADVERTISEMENT
ઘણી વાર લોકો તનાવમાં હોય કે બોર થઈ રહ્યા હોય ત્યારે ક્રન્ચી સ્નૅક્સ તરફ આકર્ષિત થાય છે. આનું કારણ એ છે કે ક્રન્ચિંગ તનાવમાંથી રાહત આપતી એક પ્રવૃત્તિ બની જાય છે. આપણે જ્યારે ક્રન્ચી વસ્તુ ચાવીએ ત્યારે દિમાગમાં સારું ફીલ કરાવે એવાં કેમિકલ્સ રિલીઝ થાય છે. ક્રન્ચી વસ્તુ આપણે ખાઈએ ત્યારે જે અવાજ આવે એ દિમાગને એવો સંકેત આપે છે કે એ વસ્તુ ફ્રેશ અને તાજી છે. એટલે એ ખાવામાં વધુ પસંદ આવે છે. કેટલાક લોકો ક્રન્ચી સ્નૅક્સ જેમ કે ચિપ્સ, કુરકુરે, ચકલી સાથે બાળપણની યાદો જોડતા હોય છે એટલે આ વસ્તુઓ ખાતી વખતે તેમને ઇમોશનલ કમ્ફર્ટનો અનુભવ થાય છે.


