આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો ઇડ્લે કૅફેની સ્પેશિયલ અને ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન વાનગીઓ
તસવીર: ઇડ્લે કૅફે
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
જો તમારે મુંબઈમાં ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન નાસ્તો કરવો હોય તો માટુંગા ઈસ્ટ તો જાણે સ્વર્ગ સમાન છે. જોકે, માટુંગા સિવાય પણ મુંબઈમાં એવી ખૂબ જ ઓછી જગ્યાઓ છે જ્યાં તમને દક્ષિણ ભારતનો ઑથેન્ટિક સ્વાદ મળે. આજે સન્ડે સ્નૅક્સ (Sunday Snacks)માં આપણે આવી જ એક જગ્યાએ જવાનું છે. હા, આ જગ્યા માટુંગામાં નહીં પણ અંધેરીમાં છે, પણ ટેસ્ટમાં ચોક્કસ માટુંગાની તમામ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાંને ટક્કર આપે એવો છે.
ADVERTISEMENT
આ વખતે અમે મુલાકાત લીધી મુંબઈના અંધેરી સ્થિત જેબી નગર ખાતે આવેલા એક અનોખા અને લોકપ્રિય કૅફે, ઇડ્લે કૅફે (Idlay Café)ની. આ કૅફે દક્ષિણ ભારતીય વાનગીઓનો સ્વાદ ચાખવા માટે એક ઉત્તમ સ્થળ છે. ઇડ્લે કૅફે તેના ખાસ દક્ષિણ ભારતીય નાસ્તા માટે જાણીતા છે. અહીંના મેનૂમાં વિવિધ પ્રકારની ઇડ્લી, વડા, ઢોસા, અને ઉપમા જેવી વાનગીઓ તમને મળી જશે. આ ઉપરાંત અહીંની ચટણી અને સાંભાર પણ એ-વન છે. જો તમે ઇડ્લી-વડા જેવા પરંપરાગત નાસ્તા પ્રેમી હોવ તો અહીંનો સ્વાદ તમને ખુશ કરી દેશે.
કૅફેનું એમ્બિયન્સ ખૂબ જ શાંત અને આકર્ષક છે. અહીં બેસવાનું સ્થાન સાદગીથી સજાવેલ છે જે દક્ષિણ ભારતીય સંસ્કૃતિની યાદ અપાવે છે. કૅફેની અંદર સાદગી અને સ્વચ્છતાનો સુખદ અનુભવ મળે છે. અહીંનો સ્ટાફ પણ બહુ જ મીતભાષી અને સૌમ્ય છે, જે તમારા અનુભવમાં વધારો કરે છે.
ઇડ્લે કૅફેમાં તમને અનેક પ્રકારની ઇડલી અને ઢોસાની વેરાયટી મળશે. ખાસ કરીને થટ્ટે ઇડ્લી, બટર ઢોસા અને રાગી ઢોસા જેવી વાનગીઓ લોકોને બહુ ભાવે છે. સાથોસાથ, અહીંના મેડુવાડા અને રવા ઉપમા પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે. સાથે જ અહીં દક્ષિણ ભારતીય મીઠાઈઓ પણ ખાસ ટ્રાય કરવા જેવી છે. ખાસ કરીને પાયસમ અને રસમલાઈ જેવી મીઠાઈઓની વિવિધતા પણ જોવા મળે છે.
તો હવે આ રવિવારે તમારા પરિવાર અને મિત્રો સાથે ઇડ્લે કેફેનો આનંદ માણજો અને અમને જણાવજો કે તમારો અનુભવ કેવો રહ્યો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

