આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો આસ્વાદનું સ્વાદિષ્ટ મિસળ અને અન્ય મહારાષ્ટ્રીયન નાસ્તા
તસવીર: કરણ નેગાંધી
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
મુંબઈના દાદર (Sunday Snacks)માં ઘણી એવી આઇકોનિક રેસ્ટોરાં છે, જે વર્ષોથી લોકોને મીઠાઈઓ અને ઑથેન્ટિક મહારાષ્ટ્રીયન નાસ્તા પીરસે છે. આવી જ એક જૂની અને જાણીતી રેસ્ટોરાં એટલે ‘આસ્વાદ ઉપહાર અને મીઠાઈ ગૃહ’ (Aaswad Upahar and Mithai Gruh) જે મહારાષ્ટ્રીયન વ્યંજનો માટે એક આદર્શ સ્થળ છે. આ રેસ્ટોરાં ખાસ તો મિસળ પાઉં માટે પ્રખ્યાત છે, જેનો સ્વાદ એટલો લાજવાબ છે કે એક પ્લેટમાં તો કોઈ ન ધરાય. તેનો સ્વાદ લોકોની જીભે એવો ચડ્યો છે કે લોકો એકવાર અહીં આવે પછી વારંવાર આવતા થઈ જાય છે.
ADVERTISEMENT
સામાન્ય રીતે મિસળ (Sunday Snacks) વટાણાનું બનતું હોય છે, પરંતુ આસ્વાદનું મિસળ મગ અને મથથી બનેલું હોય છે. મિસળ હોવું જોઈએ એટલું તીખું તો છે જ પણ સાથેસાથે અન્ય મસાલા મિસળના સ્વાદમાં વધારો કરે છે. અહીં મિસળ સાથે જે ફરસાણ સર્વ થાય છે, તે પણ મહારાષ્ટ્રીય સ્ટાઈલનું છે, જેમાં સેવનું પ્રમાણ જરા વધારે હોય છે. લીંબુ, કાંદા અને કોથમીરથી ગાર્નિશ થયેલું મિસળ ટેબલ પહોંચે તેની પહેલાં જ તેની સુગંધ તમારા નાક સુધી પહોંચી જશે અને તમારા મોઢામાં પાણી આવી જશે.
જોકે, મિસળમાંના મસાલાના તીખા સ્વાદને મિસળમાં નાખવામાં આવેલા બટેટા સારી રીતે સંતુલિત કરે છે. મિસળમાં ઉમેરાતા મસાલા, જે મહારાષ્ટ્રીયન રસોઈમાં જરૂરી છે, તે અહીંનની દરેક વાનગીને અનોખી સુગંધ અને સ્વાદ આપે છે. મિસળ પાઉં ઉપરાંત આસ્વાદમાં પિટલે ભાખરી, કોથિમ્બીર વડી અને થાલિપીઠ જેવા અન્ય વ્યંજનો પણ ઘણા લોકપ્રિય છે. સાથે જ અહીંના દહીં વડા પણ વખાણવા લાયક છે. મહારાષ્ટ્રીયન નાસ્તામાં તમે જે નામ આપશો તે અહીં હાજર થઈ જશે.
શિવસેના ભવનની સામે આવેલી આ આઇકોનિક રેસ્ટોરાંનું એમ્બિયન્સ તો અદ્ભુત છે જ પણ સાથે જ બધી વનગીઓના ભાવ પણ એકદમ ઓછા છે.
તો હવે આ રવિવારે પરિવાર અને મિત્રો સાથે માણજો આસ્વાદનો સ્વાદિષ્ટ મહારાષ્ટ્રીયન નાસ્તો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

