સસ્તી ફરાળી પૅટીસ વેચવાની લાયમાં અમુક લોકો પૅટીસમાં મકાઈનો લોટ વાપરે છે, જે વ્રત તોડાવવાનું કામ કરે છે એટલે હંમેશાં ઑથેન્ટિક જગ્યાએથી જ ફરાળી આઇટમ ખાવી જોઈએ
પ્રહ્લાદ પૅટીસ સેન્ટર
આમ તો જે આઇટમની હું વાત કરવાનો છું એ વાંચીને તમને એમ થાય કે અત્યારે ક્યાં શ્રાવણ મહિનો છે; પણ મિત્રો, જરૂરી નથી કે શ્રાવણ મહિનામાં જ ફરાળની જરૂર પડે. લોકો રૂટીનમાં પણ કોઈ ને કોઈ વારે રહેતા હોય તો તે ફરાળ કરે અને તેને ફરાળી આઇટમની જરૂર પડે. બન્યું એમાં એવું કે હમણાં હું ટાઉનમાં આવેલી જૂની હનુમાનગલી ગયો. ત્યાં અમારા નાટકવાળાના ટેલર છે, કે. કે. ટેલર્સ. તે વર્ષોથી અમારા નાટકના કૉસ્ચ્યુમ બનાવે છે. એનું ખાસ કારણ પણ છે. તેમને ખબર છે કે નાટકમાં કપડાં ચેન્જ કરવાનું કામ કેટલું ફાસ્ટ થતું હોય એટલે ઍક્ટર ઝડપથી કપડાં બદલી શકે એ પ્રકારનાં કપડાં તે ડિઝાઇન કરે. બટનની જગ્યાએ વેલક્રો લગાડે. પૅન્ટ એવાં બનાવે કે સીધાં જ પહેરી લેવાનાં અને આવું બીજું ઘણું.



