નવસારીમાં મળતા પાંઉ-બટેકા અચાનક જ ટ્રાય કરવા મળી ગયા અને મને ફરી એક વાર થયું કે ખાવા માટે પૈસા જોઈએ પણ સારું ખાવા માટે નસીબ જ હોવું જોઈએ
પૂરી-શાક તો તમે ખાધાં હશે, પણ પાંઉ-બટેકા ક્યારેય ટ્રાય કર્યા છે?
પહેલાં તો ખુલાસો કરી દઉં કે મેં ભૂલથી બટેકા નથી લખ્યું, ઇરાદાપૂર્વક લખ્યું છે કારણ કે આજે મારે વાત કરવાની છે સાઉથ ગુજરાતની એક આઇટમની, જેમાં બટાટાનો ઉપયોગ થાય છે અને સાઉથ ગુજરાતમાં બટાટાને બટેકા કહે છે. બન્યું એમાં એવું કે મારે હમણાં સુરત જવાનું થયું. છેલ્લા થોડા સમયથી ફિલ્મોનાં શૂટિંગ સુરતમાં વધી ગયાં છે. હું પણ ફિલ્મના શૂટિંગ માટે જ ગયો હતો. શૂટિંગ દરમ્યાન સુરતના ઘણા મિત્રો મળવા આવે તો ઘણા કલાકારો પણ મળવા આવે. સુરતમાં રહેતા હોય અને મારા નાટકમાં કામ કરતા હોય એવા ઘણા કલાકારો મને ઓળખે. આવો જ એક કલાકારમિત્ર હર્ષિલ દેસાઈ મને મળવા આવ્યો. હવે તો હર્ષિલ ઑલમોસ્ટ સુરત જ સેટ થઈ ગયો છે અને ટીવી-સિરિયલો તથા ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે. હર્ષિલ સાથે મારે આત્મીયતા અને હર્ષિલનાં મમ્મી-પપ્પા પણ મારા પર ખૂબ હેત રાખે.
હર્ષિલ મને કહે, ‘સંજયભાઈ, આજે યુનિટનું જમવાને બદલે તમે મારી સાથે આવજો. તમને એક નવી આઇટમ ટ્રાય કરાવીશ.’
મેં હા પાડી એટલે હર્ષિલ મને લઈ ગયો નવસારી. સુરત અને નવસારી હવે ટ્વિન સિટી થઈ ગયાં છે. નવસારીથી સુરત વચ્ચે હજારો લોકો રોજ અપડાઉન કરે છે. હર્ષિલ તો મને લઈને ગયો નવસારીની હોટેલ રામાનંદ પર. અંદર જઈને અમે બેઠા ત્યાં જ તેણે ઇશારો કરીને આઇટમ લાવવા કહ્યું.
મેં તેને પૂછ્યું, ‘ભાઈ, તેં શું મગાવ્યું?’
તે મને કહે, ‘આઇટમ આવે એટલે તમે જોજો.’
આઇટમ આવી. નામ એનું પાંઉ-બટેકા.
પાંઉ-બટેકા નામની આ આઇટમમાં એવડો મોટો પાંઉ હતો કે આખી હથેળી ઢંકાઈ જાય. કહો કે પાંચેક ઇંચનો પાંઉ હતો એ. સાથે બટાટાનું સહેજ ગ્રીન ગ્રેવીવાળું શાક હતું. મેં સૌથી પહેલાં એ શાક જ ચાખ્યું. મિત્રો, મેં એવું શાક ક્યારેય ચાખ્યું નહોતું. આગળ વધતાં પહેલાં તમને એક વાત કહું. બટાટાનું શાક બહુ સામાન્ય લાગે, પણ મેં વાંચ્યું છે એ મુજબ આપણા આખા દેશમાં આ બટાટાનું શાક પાંચસોથી વધારે ટેસ્ટમાં બને છે.
પાંઉ-બટેકાના શાકમાં ગળપણ પણ હતું એ સહેજ તમારી જાણ માટે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના શાકમાં ગળપણ નાખવામાં આવતું નથી, પણ આ શાકમાં ગળાશ હતી. રાઈનું પ્રમાણ પણ બીજા શાક કરતાં જરા વધારે અને જે ગ્રેવી હતી એ ગળી ગયેલા બટાટાના કારણે પ્રમાણમાં થિક હતી.
પાંઉ-બટેકા ખાવાની સિસ્ટમ મેં અગાઉ ક્યાંય જોઈ નથી. પૂછપરછ કરતાં ખબર પડી કે નવસારીમાં એ ખૂબ ખવાય છે, કહો કે એની જબરદસ્ત ડિમાન્ડ છે. વાતચીત દરમ્યાન જ મને ખબર પડી કે આ મૉર્નિંગ બ્રેકફાસ્ટની આઇટમ છે. બપોર પછી મળે પણ નહીં. હર્ષિલ પાસેથી મને ખબર પડી કે તેણે સવારથી નક્કી રાખ્યું હતું કે આ આઇટમ મને ટેસ્ટ કરાવવી એટલે સવારે જ તેણે રામાનંદ હોટેલમાં ફોન કરીને મારા પૂરતી પાંઉ-બટેકાની પ્લેટ સાઇડ પર રખાવી દીધી હતી. કહેવાયું હતું એટલે મને એ ટેસ્ટ કરવા મળી. બાકી બપોર સુધીમાં તો એ ખાલી થઈ જાય. હા, એ પણ એટલું જ સાચું કે આ બટાટાનું જે શાક હતું એ હું પહોંચ્યો પછી ખાસ મારા માટે થોડું અમસ્તું બનાવીને મને આપ્યું હતું એટલે એની ફ્રેશનેસ અકબંધ હતી.
૩૫ રૂપિયાની એક પ્લેટ અને સવારે એક પ્લેટ ખાઓ એટલે તમારી બપોર આરામથી પડી જાય. એક સમય હતો કે આ પાંઉ-બટેકા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો નાનો વર્ગ બહુ ખાતો. બપોર સુધીના જમણનો તેને ટેકો થઈ જતો. જોકે પછી આ આઇટમ એના સ્વાદના કારણે એવી પૉપ્યુલર થઈ કે હવે તો એ બધા ખાતા થઈ ગયા. વાતચીત કરતાં ખબર પડી કે કેન્દ્ર સરકારના જળ વિભાગના મિનિસ્ટર સી. આર. પાટીલ પણ સુરત આવે ત્યારે અચૂક એકાદ વાર આ પાંઉ-બટેકા ખાય. નવસારીમાં રહેતો દરેક બીજો માણસ દિવસમાં એકાદ વાર તો આ આઇટમ ખાય જ ખાય. હું એક વાત ખાસ કહીશ. આ પાંઉ-બટેકાની ખાસિયત માત્ર બટાટાના શાકમાં જ નહોતી, એનો પાંઉ પણ વિશિષ્ટ હતો. સાઇઝ-વાઇઝ તો ખરું જ; ટેસ્ટ અને સૉફ્ટનેસમાં પણ એવો જ, અવ્વલ દરજ્જાનો. આ સિવાય રામાનંદની પાણીપૂરી, સેવ-બટાટાપૂરી, દહીં-બટાટાપૂરી મુંબઈના ટેસ્ટને ટક્કર મારે એવી છે.
