બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાયો ન હોવાથી ચોમાસું બેસવામાં કોઈ વિલંબ નહીં થાય
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગરમીથી કંટાળેલા મુંબઈગરાઓ માટે આખરે રાહતનો સંદેશ આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ મૉન્સૂન કેરલમમાં સામાન્ય કરતાં વહેલું આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ મૉન્સૂન ૨૬ મેએ કેરલમના કિનારે પહોંચી શકે છે. સામાન્ય રીતે કેરલમમાં મૉન્સૂનની એન્ટ્રી થયા બાદ ૧૫ દિવસ પછી એ મુંબઈ પહોંચે છે. એથી ૧૦-૧૧ જૂને મુંબઈમાં મૉન્સૂન એન્ટ્રી લઈ શકે છે.
હવામાન ખાતાની આગાહી મુજબ મૉન્સૂન પાંચમી જૂન સુધીમાં ગોવામાં પહોંચવાની ધારણા છે અને ૬ જૂન સુધીમાં કોકણ ક્ષેત્રમાં પહોંચી શકે છે. મૉન્સૂન ૭ જૂન સુધીમાં પુણેમાં અને ૧૦-૧૧ જૂને મુંબઈ પહોંચવાનો અંદાજ છે. નોંધનીય છે કે આ વર્ષના મૉન્સૂનના પ્રારંભિક તબક્કા દરમ્યાન બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈ ચક્રવાત સર્જાયો નથી. પરિણામે હવામાન નિષ્ણાતો માને છે કે મૉન્સૂનની પ્રગતિમાં કોઈ મોટો અવરોધ આવવાની શક્યતા ઓછી છે.
ADVERTISEMENT
વહેલો રે આવશે વરસાદ: આ વર્ષે ૨૬ મે સુધીમાં કેરલમમાં બેસશે ચોમાસું
ભારતીય મોસમ વિભાગે ગઈ કાલે જાહેર કરેલા બુલેટિનમાં આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ભારતમાં ચોમાસું ક્યારે બેસશે એની તારીખો જાહેર કરી હતી. મોસમ વિભાગે કેરલમમાં ચોમાસું બેસવાની તારીખ ૨૬ મેની આસપાસની આપી છે. એમાં ૩ દિવસ આગળ-પાછળ થઈ શકે છે. સામાન્ય રીતે કેરલમમાં ચોમાસું પહેલી જૂનની આસપાસ પહોંચે છે. આ વર્ષે અનુમાન નિર્ધારિત સમય કરતાં પાંચ દિવસ વહેલું ચોમાસું પહોંચે એવી સંભાના છે. ગયા વર્ષે ચોમાસું ૨૪ મેએ આવ્યું હતું. હાલમાં વરસાદ પહેલાંની ગરમી ચરમસીમાએ છે. આંદામાન સાગર અને દક્ષિણ બંગાળની ખાડીમાં આગામી ૨૪ કલાકમાં મૉન્સૂન આગળ વધે એવી સંભાવના છે.
આગામી ૪૮ કલાક આંદામાનમાં મૉન્સૂન માટે અનુકૂળ પરિસ્થિતિ
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી ૪૮ કલાકમાં દક્ષિણ આંદામાનના સમુદ્ર, બંગાળની ખાડી અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર મૉન્સૂનના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓ વિકસી રહી છે. ૧૬ મેની આસપાસ મૉન્સૂન આંદામાન ક્ષેત્રમાં પહોંચવાની ધારણા છે. દરમ્યાન, ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે મૉન્સૂન ૨૬ મેના રોજ કેરલમમાં પ્રવેશશે.
