પાંડવકાળથી લગ્નની પરંપરા જાળવી રાખીને કોઈ એક જ સમાજમાં એક જ દિવસે લગ્ન થતાં હોય એવા કચ્છના પ્રાંથરિયા આહીર સમાજનો માંગલિક પ્રસંગ ઊજવાયોઃ ભુજ, અંજાર, નખત્રાણા, ભચાઉ તાલુકાનાં સંખ્યાબંધ ગામડાંઓમાં આહીર સમાજનાં દીકરા-દીકરીઓનાં યોજાયાં લગ્ન : આદિકાળમાં સ
ગાડામાં જાન જોડીને સાજનમાજન સાથે આવેલા વરરાજા
કી હાઇલાઇટ્સ
- આદિકાળમાં સહદેવે જે દિવસે લગ્નનું મુહૂર્ત કાઢી આપ્યું હતું એ જ દિવસે યોજાય છે લગ્ન
- પ્રાંથરિયા આહીર સમાજમાં લગ્નનો દિવસ નક્કી
- ગામમાં લગ્ન ભલે અલગ-અલગ જગ્યાએ થાય, પણ ભોજન-સમારોહ એક જ સ્થળે હોય
કચ્છમાં પાંડવકાળથી એક જ દિવસે થતાં લગ્નની પરંપરા જાળવી રાખીને ગઈ કાલે પ્રાંથરિયા આહીર સમાજનાં ૧૧૩૪ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. કોઈ એક જ સમાજમાં એક જ દિવસે લગ્ન થતાં હોય એવો પ્રાંથરિયા આહીર સમાજનો માંગલિક પ્રસંગ ઉત્સાહ અને ઉમંગભેર ઊજવાયો હતો. ભુજ, અંજાર, નખત્રાણા, ભચાઉ તાલુકાનાં સંખ્યાબંધ ગામડાંઓમાં આહીર સમાજનાં દીકરા-દીકરીઓનાં લગ્ન યોજાયાં હતાં. સમાજના ધર્મગુરુ ત્રિકમદાસજી મહારાજ સહિત સમાજના આગેવાનોએ નવદંપતીને આશીર્વાદ આપીને લગ્નજીવનની શરૂઆત કરાવી હતી.
વણજોયું મુહૂર્ત
ADVERTISEMENT

લગ્નના માંડવે આવી પહોંચેલા બે વરરાજા
આહીર સેના ગુજરાતના પ્રદેશપ્રવક્તા દીપક આહીરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૈશાખ વદ તેરસના દિવસને કચ્છનો પ્રાંથરિયા આહીર સમાજ અંધારી તેરસનું વણજોયું મુહૂર્ત માને છે. અમારા પ્રાંથરિયા આહીર સમાજમાં લગ્ન માટે આ દિવસ વણજોયું મુહૂર્ત હોય છે. ભચાઉ તાલુકામાં આવેલા મારા ગામ લૂણવા સહિત કચ્છમાં વસતા પ્રાંથરિયા આહીર સમાજનાં દીકરા-દીકરીઓનાં લગ્ન એ દિવસે કરાવવામાં આવે છે. ગઈ કાલે એક જ દિવસમાં ભુજ, અંજાર, નખત્રાણા, લોડાઈ, રતનાલ, ચોબારી, કાંઠાચોવીસી, લાખાપર સહિત કચ્છનાં જુદાં-જુદાં તાલુકામથકો અને ગામડાંઓમાં ૧૧૩૪ લગ્ન થયાં હતાં. ગામમાં જ્યાં લગ્ન યોજાયાં હતાં એમાં લગ્ન ભલે અલગ-અલગ સ્થળે થતાં હોય પણ ગામમાં ભોજન-સમારોહ એક જ સ્થળે યોજાયો હતો જેને કારણે ખર્ચ ઓછો થાય. સમાજમાં લગ્ન પરંપરા મુજબ થયાં હતાં. અમારા ગામમાં વરરાજાની જાન બળદગાડામાં નીકળી હતી. આહીરાણીઓના કંઠે ગવાતાં પરંપરાગત લગ્નગીતોએ પંથકને ગુંજતો કરી દીધો હતો. આજના સમયે પણ સમાજે પોતાની પરંપરા જાળવી રાખી છે. કચ્છની ધરા પર આહીર સમાજની આ પરંપરા ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરે છે.’
વર્ષમાં એક દિવસ લગ્ન

નવદંપતીને આશીર્વાદ આપી રહેલા ત્રિકમદાસજી મહારાજ
પ્રાંથરિયા આહીર સમાજના ધર્મગુરુ ત્રિકમદાસજી મહારાજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમાજમાં વર્ષમાં એક દિવસ લગ્ન યોજાય છે. આ લગ્ન પાંડવોના વખતથી, મહાભારતના કાળથી પરંપરાગત રીતે થઈ રહ્યાં છે. લોકવાયકા છે કે હજારો વર્ષ પહેલાં પાંચ પાંડવો પૈકીના એક ભાઈ સહદેવે લગ્ન માટે મુહૂર્ત કાઢી આપ્યું હતું એ દિવસથી દર વર્ષે વૈશાખ વદ તેરસે સમાજનાં દીકરા-દીકરીઓનાં લગ્ન થાય છે. પાંડવકાળના એ દિવસથી શરૂ થયેલી પ્રણાલી અને પરંપરા આજે પણ સમાજે જાળવી રાખી છે.’
