ડાયરામાં કલાકારો પર લોકો પૈસા ઉછાળે એ નવી વાત નથી, પરંતુ રૂપિયાના ઢગલામાં કલાકાર ઢંકાઈ જાય એવું ભાગ્યે જ જોવા મળે છે : મંચ પર ગોપાલ સાધુ અને માયાભાઈ આહીર પર વરસતા રૂપિયાનો વિડિયો જગતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો : અંદાજે ત્રણથી ૪ કરોડની રકમની છોળો ઊડી
ગોપાલ સાધુ (ડાબે અને વચ્ચે), માયાભાઈ આહીર (જમણે - ઉપર અને નીચે)
સૌરાષ્ટ્રમાં લોકડાયરામાં જમાવટ કરતા કલાકારો પર શ્રોતાઓ દિલ અને ખિસ્સાં ખોલીને રૂપિયાની છોળો ઉડાડતા હોય એ નવી વાત નથી, પરંતુ ખંભાળિયા ગામે ગુરુવારે રાતે યોજાયેલા લોકડાયરામાં શ્રોતાઓએ મંચ પર કલાકાર માયાભાઈ આહીર અને ગોપાલ સાધુ પર કોથળા ભરીને રોકડા રૂપિયાનો વરસાદ કરતાં તેઓ રૂપિયાના ઢગલામાં ઢંકાઈ ગયા હતા. રૂપિયાના ઢગલામાં રહેલા કલાકારોના વિડિયો દેશવિદેશના સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયા છે અને લોકો આશ્ચર્ય પામી ગયા છે. કથાના આયોજકના દાવા મુજબ અંદાજે ત્રણથી ૪ કરોડ રૂપિયાની રકમ એકઠી થઈ હતી જે આહીર સમાજની કન્યાઓ માટે અમદાવાદમાં બની રહેલા છાત્રાલય માટે વપરાશે.
ડાયરામાં રૂપિયાની છોળો ઊડે એ નવી વાત નથી, પરંતુ વર્ષો પછી એવું જોવા મળ્યું કે કલાકારો પર કોથળા ભરીને ચલણી નોટો ઠાલવતા કલાકારો રીતસર ઢંકાઈ ગયા હોય. આવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે. લોકડાયરામાં આવું થતાં દેશવિદેશમાં આ વિડિયો ખૂબ વાઇરલ થયો હતો અને લોકોને અચરજ થયું હતું કે ઓહોહોહો, આટલા બધા રૂપિયાનો વરસાદ થાય!
ADVERTISEMENT
જે કલાકાર પર શ્રોતાઓએ પ્રેમથી રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો તે કલાકાર માયાભાઈ આહીરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આહીર સમાજ દ્વારા માંગરોળ પાસે ખંભાળિયા ગામે કથાનું આયોજન થયું હતું. એમાં ૧૪ મેએ ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં લોકોને મોજ થવાથી તેઓ કલાકારો પર હેત વરસાવતા હોય છે. આ ડાયરામાં મારા પર લોકોએ પૈસા ઠાલવ્યા એ પછી મેં પણ ગોપાલભાઈ સાધુ પર પૈસા નાખ્યા હતા. આ કાર્યક્રમ માટે મેં મારું પેમેન્ટ નથી લીધું અને આહીર સમાજની કન્યાઓ માટે છાત્રાલય બનવાનું હોવાથી ૧,૫૧,૦૦૦ રૂપિયાનું દાન કર્યું છે. આ જે કંઈ પૈસા એકઠા થયા એમાંથી ખર્ચ બાદ કરીને બધા જ પૈસા આહીર સમાજના કન્યા છાત્રાલય માટે આપવામાં આવશે.’
ખંભાળિયા ગામે કથાના આયોજકોમાંના એક અને ગામના સરપંચ જગદીશ કાંબલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગામમાં કથાનું આયોજન કર્યું હતું. ગઈ કાલે આ કથાનો છેલ્લો દિવસ હતો. કથામાં છેલ્લા ૩ દિવસ દરમ્યાન લોકડાયરાના કાર્યક્રમો યોજાયા હતા. એમાં માયાભાઈ આહીર અને ગોપાલભાઈ સાધુના કાર્યક્રમમાં લોકોએ કલાકારો પર ઉત્સાહભેર રૂપિયા વરસાવ્યા હતા. આ કાર્યક્રમમાં અંદાજે ત્રણથી ૪ કરોડ રૂપિયા એકઠા થયા છે. એટલું જ નહીં, ૩ દિવસ દરમ્યાન લોકડાયરાના કાર્યક્રમ થયા એમાં પણ કલાકારો પર રૂપિયા વરસાવ્યા હતા. એ સાથે બધું મળીને અંદાજે પાંચથી ૭ કરોડ રૂપિયાની રકમ એકઠી થઈ છે. બધો ખર્ચ બાદ કર્યા પછી જે રકમ બાકી રહેશે એ બધી જ રકમ અમદાવાદમાં આહીર સમાજની કન્યાઓ માટે છાત્રાલય બની રહ્યું છે એ માટે આપવામાં આવશે.’
