Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આ બહેનોના ઘરે બનતી ટ્રેડિશનલ વાનગીઓ છે મહેમાનોની ફેવરિટ

આ બહેનોના ઘરે બનતી ટ્રેડિશનલ વાનગીઓ છે મહેમાનોની ફેવરિટ

Published : 03 November, 2026 01:28 PM | Modified : 03 November, 2026 03:08 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

દિવાળી આવે એટલે રસોડામાં જાત-જાતની મીઠાઈઓ અને ફરસાણ બનવા લાગે. ગૃહિણીઓ ભારે હરખથી એની તૈયારીમાં લાગી જાય. જોકે બદલાતા સમયમાં દૈનિક જીવનની વ્યસ્તતા વચ્ચે લોકો બહારથી ફરસાણ મગાવતા થયા છે. એમ છતાં હજી કેટલાક એવા પરિવારો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિવાળી આવે એટલે રસોડામાં જાત-જાતની મીઠાઈઓ અને ફરસાણ બનવા લાગે. ગૃહિણીઓ ભારે હરખથી એની તૈયારીમાં લાગી જાય. જોકે બદલાતા સમયમાં દૈનિક જીવનની વ્યસ્તતા વચ્ચે લોકો બહારથી ફરસાણ મગાવતા થયા છે. એમ છતાં હજી કેટલાક એવા પરિવારો છે જેમના ઘરે દિવાળીમાં અમુક એવી ચોક્કસ વાનગી તો બને જ છે જે તેમના ઘરની યુનિક ઓળખ છે, જેને ખાવા માટે ખાસ મહેમાનો આખું વર્ષ રાહ જુએ છે અને દિવાળીમાં ઘરે આવીને એનો ટેસ્ટ માણે છે. આજે આવા જ અમુક પરિવારને મળીએ

મોહનથાળ બનાવી આપવા સગાંસંબંધીઓ ઘરે બોલાવે : કંચન બદ્રકિયા




મીરા રોડમાં રહેતાં ૭૭ વર્ષનાં કંચન બદ્રકિયા આ ઉંમરે પણ દર દિવાળીએ મોહનથાળ અચૂક બનાવે છે. પોતાના મોહનથાળની રેસિપી અને એની લોકપ્રિયતા વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારા હાથનો મોહનથાળ બહુ જ સરસ બને છે. આમ તો હું મોહનથાળ બનાવતાં સાસરે આવ્યા પછી જ શીખી છું. મને હજી પણ યાદ છે કે પહેલી વાર મેં મોહનથાળ બનાવેલો ત્યારે એ સહેજ કડક થઈ ગયેલો. પણ ધીમે-ધીમે એમાં માસ્ટરી આવી ગઈ. હું ચણાના લોટને સવારથી જ દૂધમાં ધાબો દઈને રાખી મૂકું છું અને છેક સાંજે ચાસણી કરીને મોહનથાળ બનાવું છું. ઉપરથી ચારોળી અને બદામની કાતરીથી ગાર્નિશ કરું એટલે એ દેખાવમાં જેટલો સુંદર લાગે, ખાવામાં એટલો જ સુપરસૉફ્ટ બને. દિવાળી નજીક આવે એટલે સગાંસંબંધીઓ મને ખાસ આગ્રહ કરે કે હું તેમના ઘરે આવીને મોહનથાળ બનાવી આપું અને હું પણ પ્રેમથી તેમને બનાવી આપું છું.’

ઘરે શુદ્ધ ઘીથી બનેલો મારા હાથનો મોહનથાળ ખાવા મારા સસરા રાહ જોતા હોય : ઉષ્મા મહેતા


મલાડમાં રહેતાં ૫૯ વર્ષનાં ઉષ્મા મહેતાના ઘરે દિવાળીમાં ઝારાના ગાંઠિયા, ફરસી પૂરી અને મોહનથાળ આ ૩ પારંપરિક નાસ્તા તો બને જ. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ઘરે મલાઈમાંથી બનેલા શુદ્ધ ઘીમાંથી હું મોહનથાળ બનાવું છું. ફરસી પૂરી અને ગાંઠિયા પણ એટલા સૉફ્ટ બનાવું કે મારા ૯૪ વર્ષના સસરા પણ એને ચાવી શકે. મારાં મમ્મી ગૃહઉદ્યોગ ચલાવતાં એટલે મને પહેલેથી બધું મેઝરમેન્ટ કરીને જ બનાવવાની આદત છે. તેથી દર વખતે એકસરખો જ સ્વાદ આવે. થોડાં વર્ષો પહેલાં મારાં સાસુ હતાં ત્યારે અમે દિવાળીમાં નાસ્તા અને મીઠાઈઓ બનાવવા માટે મહારાજને બોલાવેલા, પણ તેમનો સ્વાદ કોઈને ભાવ્યો નહોતો. વર્ષો પહેલાં મારા સસરાને એક વાર હાર્ટ-અટૅક આવી ગયો છે એટલે ત્યારથી તે ઘી બહુ પાબંદી સાથે લે છે. અઠવાડિયામાં એક વાર જ તે ઘીની આઇટમ ખાય એટલે એ મારા હાથનો મોહનથાળ કે ગોળપાપડી ખાવાની રાહ જુએ.’

દિવાળીમાં મારા હાથના ઘૂઘરા ખાવા સગાંસંબંધીઓ અચૂક આવે : ઉષા ઠાકર

દહિસરમાં રહેતાં બાવન વર્ષનાં ઉષા ઠાકરના હાથના ઘૂઘરા સગાંસંબંધીઓમાં ખૂબ વખણાય છે. પોતાના આ સ્વાદિષ્ટ ઘૂઘરા વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું માવો, રવો અને ડ્રાયફ્રૂટ્સ નાખીને ઘૂઘરા બનાવું છું એટલે એ એકદમ સ્વાદિષ્ટ બને છે. ઘૂઘરાની કાંગરી પણ હું જાતે હાથેથી જ વાળું છું. માર્કેટમાં મળતા રેડીમેડ મૉલ્ડ વાપરવાં મને જરાય નથી ગમતાં. હું ઘૂઘરા બનાવતાં મારી મમ્મી પાસેથી શીખી હતી. તે બનાવતી અને હું જોતી જતી. એમ કરતાં-કરતાં શીખી ગઈ. એ પછી તો હું તેમના કરતાં પણ સરસ ઘૂઘરા બનાવવા લાગી. દિવાળી પર ઘૂઘરા બનાવું એટલે બે જ દિવસમાં ડબ્બો સફાચટ થઈ જાય અને મારે બીજી વાર બનાવવા જ પડે. અમારાં સગાંસંબંધીઓમાં મારા હાથના ઘૂઘરા બહુ ફેમસ છે અને લોકો એ ખાવા ખાસ ઘરે આવે છે. દેશમાં રહેતા અમુક રિલેટિવ્સ તો ફોન કરીને બોલાવે કે આ વખતે દિવાળી દેશમાં કરો અને અહીં આવીને ઘૂઘરા બનાવો. હું મુંબઈમાં જ દિવાળી કરવાની છું એટલે તેમણે મને પહેલેથી કહી રાખ્યું છે કે ઘૂઘરા બનાવીને રાખજો, અમે ત્યાં ખાવા આવીશું.’

સગાંસંબંધીઓ ઘરે આવીને તો ખાય, સાથે ડબ્બો ભરીને લઈ પણ જાય : ઇલા અનુવાડિયા

કાંદિવલીમાં રહેતાં ૬૮ વર્ષનાં ઇલા અનુવાડિયા પૌંઆનો ચેવડો બનાવવામાં માહેર છે. પોતાના આ સ્વાદિષ્ટ ચેવડા અને એની સાથે જોડાયેલી યાદો વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અમારા ઘરમાં તો બારેમાસ પૌંઆનો ચેવડો બને જ છે. એ અમે સવારના બ્રેકફાસ્ટમાં ખાતા હોઈએ છીએ. જોકે અમારાં સગાંસંબંધીઓને તો ખાસ દિવાળીમાં જ એ ખાવાનો મોકો મળે. એટલે એ લોકો જ્યારે ઘરે આવે ત્યારે તો પેટ ભરીને ચેવડો ખાય જ, જતી વખતે અલગથી ડબ્બો ભરીને પૅક પણ કરાવી જાય. મારી વહુના પિયરવાળાઓને પણ મારા હાથનો બનેલો ચેવડો એટલો ભાવે કે દિવાળીમાં ઘરે પગ મૂકે એટલે સૌથી પહેલાં નાસ્તામાં ચેવડો જ માગે. મારો દીકરો બૅન્ગલોરમાં નોકરી કરતો હતો. તે આજે આ દુનિયામાં હયાત નથી, પણ એ દિવસોમાં તે એક-દોઢ મહિને ઘરે આવતો ત્યારે હું તેને પૂરી, ગાંઠિયા અને ચેવડો બધું પ્રેમથી બનાવીને પૅક કરીને આપતી. બૅન્ગલોરમાં તેની ઑફિસના કલીગ્સ પણ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે મારો દીકરો પાછો આવે અને ક્યારે તેમના માટે આ ઘરનો ચેવડો લઈને આવે. અમારા ઘરમાં બહારનો નાસ્તો લાવવાનો કોઈ રિવાજ જ નથી. હું આજે પણ બધાં જ ફરસાણ જાતે હાથેથી ઘેર જ બનાવું છું.’

દિવાળીમાં ૭ પ્રકારના નાસ્તા બનાવું : ભારતી શાહ

વિલે પાર્લેમાં રહેતાં ૭૩ વર્ષનાં ભારતી શાહ દિવાળી વખતે ૭ વાનગીઓ બનાવે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મેં દિવાળી માટે ચોળાફળી, ફાફડા, મઠિયાં, ઘૂઘરા, સાતપડી, દહીંથરાં, ચેવડો આ ૭ વસ્તુઓ બનાવી છે. એમાં પણ ચોળાફળી અને ઘૂઘરા તો એવી વસ્તુઓ છે જે મારે ત્યાં બધાને બહુ ભાવે છે. ઘૂઘરામાં હું માવો નથી નાખતી, ફક્ત ડ્રાયફ્રૂટ્સના ઘૂઘરા બનાવું છું અને એમાં કિસમિસ ભરપૂર નાખું છું એટલે સાકરની મીઠાશની વધારે જરૂર નથી પડતી. ચોળાફળી બનાવતી વખતે પણ લોટને કડક બાંધીને તમે જેટલો વધારે ખાંડો એટલી વધારે તમારી ચોળાફળી ફૂલે છે. ઘણા લોકો એમાં ખાવાનો સોડા નાખે છે, પણ હું નથી નાખતી. મેં હોમ સાયન્સ કરેલું છે એટલે રસોઈકળા આવડે જ. આમ તો હું સ્કૂલમાં ભણતી ત્યારથી જ મમ્મીએ દિવાળીના નાસ્તા બનાવતાં શીખવવાનું શરૂ કરી દીધું હતું. પહેલાં વણતાં શીખવ્યું, પછી તળતાં
અને પછી લોટ બાંધતાં. એ સિવાય પણ આડોશ-પાડોશમાં બધા ભેગા મળીને નાસ્તા બનાવતા ત્યારે રોજ કોઈ ને કોઈના ઘરે મદદ કરાવવા જવાનું હોય. એ લોકો પણ તમારા ઘરે મદદ કરાવવા આવે. હવે તો એવું રહ્યું નથી, પણ મને હજી દિવાળીમાં પારંપરિક નાસ્તા બનાવવાનું ગમે છે.’

જાત-જાતની મીઠાઈઓ અને ફરસાણ બનાવવામાં મને જરાય આળસ નથી આવતી : ભાવના રાજાવાઢા

મુલુંડમાં રહેતાં પચાસ વર્ષનાં ભાવના રાજાવાઢાના હાથના સક્કરપારા ખૂબ સરસ બને છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘દિવાળીમાં હું મેંદા અને સાકરના મીઠા તેમ જ ચોખા, ઘઉં અને મેંદાના મિક્સ લોટના આદું-મરચાંની પેસ્ટવાળા તીખા બન્ને સક્કરપારા બનાવું છું. એ અમારા ઘરે આવતા મહેમાનોને ચા સાથે ખૂબ ભાવે છે. સક્કરપારા સાથે મોહનથાળ, મૈસૂરપાક, ચેવડો પણ હું બનાવું. મને આ બધી વરાઇટીઓ બનાવવામાં જરાય આળસ ન આવે. દિવાળીના આઠ-દસ દિવસ પહેલાં જ રોજેરોજ એક-એક વરાઇટી બનાવવાનું શરૂ કરી દઉં. આમ પણ અમારા ઘરે બધાને મીઠું બહુ ભાવે છે એટલે મોહનથાળ, મૈસૂરપાક, સિંગપાક, ચૂરમાના લાડુ, ગોળપાપડી હું બારેમાસ બનાવતી જ હોઉં છું. હું જાતે જ બધું શીખી છું. બનાવતી ગઈ એમ શીખતી ગઈ. મને એક્સપરિમેન્ટ કરવા પણ ગમે. જેમ કે હું કોપરા-ટમેટાનો મૈસૂરપાક બનાવું છું. વર્ષો પહેલાં હું ઘરે કૂકિંગ ક્લાસ ચલાવતી અને બહેનોને ફ્રીમાં આ બધી વસ્તુઓ બનાવતાં શીખવતી.’

 

 

 

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 03:08 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK