પનવેલમાં માય બાગાન નામનું એક નર્સરી-કમ-કૅફે શરૂ કરવામાં આવ્યું છે જ્યાં અસંખ્ય પ્લાન્ટની વચ્ચે બેસીને કૉફી અને પીત્ઝાનો લુત્ફ માણી શકાશે
માય બાગાન, પનવેલ-માથેરાન રોડ, પનવેલ.
જો તમે એક નેચરપ્રેમી હો અને સાથે-સાથે ફૂડલવર પણ છો તો તમારે આ જગ્યાએ ચોક્કસ આવવું જોઈએ. વિદેશોમાં તો કદાચ ઘણી જગ્યાઓ હશે પણ મુંબઈ અને એની આસપાસના વિસ્તારમાં કદાચ માત્ર આ એક જ એવું સ્થળ હશે જ્યાં રંગબેરંગી અને વિવિધ કદકાઠીના છોડની વચ્ચે કૅફે બનાવવામાં આવ્યું છે.
આમ તો આ કૅફેનું નામ જ ઘણું કહી જાય છે અને સાથે મનમાં સવાલ પણ ઊભો કરે છે કે નર્સરી કૅફે વળી શું હશે? તો વાત જાણે એમ છે કે ‘માય બાગાન’ નામની નર્સરી-કમ-કૅફે પનવેલમાં થોડા સમય પહેલાં જ શરૂ કરવામાં આવ્યું છે જ્યાં વિવિધ પ્રકારના પ્લાન્ટ વેચવા અર્થે મૂકવામાં આવેલા છે. અલગ-અલગ સાઇઝ અને વરાઇટીના છોડવાઓ ઉપરાંત અહીં ગાર્ડનિંગ સંબંધિત વસ્તુઓ પણ છે જેની વચ્ચોવચ કૅફે ઊભું કરવામાં આવ્યું છે. એટલે નેચરની મજા લેતાં-લેતાં અહીં મળતા પીત્ઝા, પાસ્તા, સ્મૂધી, કૉફી વગેરેની મજા માણી શકાય છે. આ આઇડિયા જેને પણ આવ્યો હશે તે ખરેખર વખાણને લાયક છે. માય બાગાન કૅફેના એન્ટ્રન્સ પર પહોંચતાંની સાથે તમને જરાસરખો પણ અંદાજ નહીં આવે કે અંદર સુંદર રીતે સુશોભિત કરવામાં આવેલું કૅફે હશે. યલો કલરનાં ખુરસી-ટેબલ અને કૉર્નરમાં લગાવેલા ઝૂલા એકદમ આકર્ષક લાગે છે. એટલે ટૂંકમાં અહીં પ્લાન્ટની ખરીદી કરવાની સાથે પેટપૂજા પણ કરી શકાય છે. ફૂડની વાત કરીએ તો કુલ્હડ ચા અહીંની સૌથી પ્રિય વસ્તુ છે. આ સિવાય અહીં પનીર પીત્ઝા, સેવપૂરી, પનિની પણ સરસ મળે છે.
ADVERTISEMENT
ક્યાં આવેલું છે? : માય બાગાન, પનવેલ-માથેરાન રોડ, પનવેલ.


