પાર્લામાં આવેલા છાન ચવદારમાં માત્ર મહારાષ્ટ્રિયન આઇટમ જ મળે, પણ એકેક આઇટમ એવી તો અવ્વલ કે તમે સાચે જ એના આશિક થઈ જાઓ
સંજય ગરોડિયા
હું છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં હતો, કારણ કે મારી ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું જે હમણાં પૂરું કરી હું મુંબઈ આવ્યો. મિત્રો, મુંબઈ આવું એટલે મને મુંબઈના સ્ટ્રીટ-ફૂડની તલબ લાગે. એવું નથી કે ગુજરાતમાં સ્ટ્રીટ-ફૂડ સારું નથી મળતું, મળે જ છે પણ આપણું શહેર એ આપણું શહેર. હું તો સારા સ્ટ્રીટ-ફૂડની શોધમાં ભટકતો હતો. ક્યાંક ખાવામાં મજા આવે તો એ પ્રાઇસમાં બંધબેસતું ન લાગે અને ક્યાંક ખાવામાં જ દમ ન હોય એટલે પછી મને આપણા માટે કોઈ સારી ફૂડ-ડ્રાઇવ મળે નહીં. પણ મને ફૂડ-ડ્રાઇવ મળી અને એ પણ સાવ અચાનક.
બન્યું એવું કે ગુરુવારે હું પાર્લાના દીનાનાથ મંગેશકર ઑડિટોરિયમમાં એક મરાઠી નાટક જોવા જવા રવાના થયો અને હાઇવે પર મને એક નાનકડી ઝૂંપડી જેવી જગ્યા જોવા મળી, એનું નામ હતું છાન ચવદાર. નામ વાંચીને મને નવાઈ લાગી. અફકોર્સ, હું સમજી ગયો કે આ મરાઠી નામ છે એટલે એ જગ્યાએ ફૂડમાં મહારાષ્ટ્રિયન આઇટમ જ મળતી હશે. મેં તો ડ્રાઇવરને કહ્યું કે ગાડી ઊભી રાખ અને હું પહોંચ્યો સીધો છાન ચવદારમાં. ઊભા રહ્યા પછી મને યાદ આવ્યું કે વર્ષો પહેલાં મેં ત્યાં ખાધું છે પણ એ તો જૂની વાત થઈ એટલે મેં તો ત્યાં ટિંગાડેલા બોર્ડ પર આઇટમ વાંચીને સાબુદાણાની ખીચડી મગાવી અને એની ક્વૉન્ટિટી જોઈને હું હેબતાઈ ગયો. પચાસ રૂપિયામાં બે જણ ખાઈ શકે એટલી ખીચડી. મેં તો તરત મારા ડ્રાઇવરને બોલાવી લીધો ને ખાલી પ્લેટ લઈ બે ભાગ કરી મારી પ્લેટમાંથી એક ચમચી ભરી ખીચડી મોઢામાં મૂકી અને સાહેબ, સાતેય કોઠે દીવા થઈ ગયા.
ADVERTISEMENT
જલસો-જલસો.
મારા ભાગની ખીચડી પૂરી કરતાં-કરતાં મેં નક્કી કર્યું કે હવે અહીં બીજી વરાઇટી પણ ટ્રાય કરવાની આવે છે એટલે મેં તો તરત મગાવ્યું મિસળ-પાંઉ. આ જે મિસળ હતું એ મિક્સ કઠોળનું હતું. એમાં કાળા ચણા, મઠ અને ચોળા હતા તો જાતજાતના ગાંઠિયા અને સેવનું ફરસાણ પણ હતું. એકદમ તીખુંતમતમતું મિસળ અને એની પણ ક્વૉન્ટિટી જોઈને મેં બે ભાગ કરી નાખ્યા હતા. મિસળમાં પણ મજા આવી ગઈ એટલે મેં મગાવ્યું વડાપાંઉ.
આ જે વડાપાંઉ હતું એમાં તેમણે નામપૂરતી સૂકી લાલ ચટણી, લીલી ચટણી અને મીઠી ચટણી નાખી એટલે મેં તેને કહ્યું કે વધારે ચટણી નાખ, પણ સાહેબ તેણે મને ના પાડી દીધી! મને કહે કે તમે પહેલાં એક વાર આ ટ્રાય કરો, પછી કહેશો તો હું ચટણી નાખી દઈશ પણ અમને ખાતરી છે કે તમને વધારે ચટણીની જરૂર નહીં પડે. અને તે સાવ સાચો હતો. મારે ચટણી નાખવાનું કહેવું જ ન પડ્યું. એનું કારણ હતું એનું બટાટાવડું. એવું અદ્ભુત બટાટાવડું કે આખેઆખા પાંઉના સૂકાપણાને દબાવી દે અને એકદમ સડસડાટ ગળે ઊતરી જાય. બેચાર બાઇટ પછી તેણે મને સામેથી પૂછ્યું કે ચટણી નાખી દઉં? એટલે મેં જ ના પાડી.
વાત કરતાં-કરતાં તેની પાસેથી ખબર પડી કે જ્યાં બટાટાવડામાં ખાસ દમ નથી હોતો એ જગ્યાએ ચટણી વધારે નાખીને વડાના ટેસ્ટને ઓવરપાવર કરી દે અને ખાનારાને એવું લાગે કે મજા આવી ગઈ. આવું ગુજરાતમાં મોટા ભાગે બનતું હોય છે. મુંબઈમાં તો મોટા ભાગે મરાઠીઓ જ વડાપાંઉ વેચતા હોય છે અને મરાઠીઓનાં વડાં ખાવામાં ખરેખર સરસ હોય છે. વડાનો સ્વાદ અદ્ભુત હતો અને એ ચટણી પણ એકદમ ઑથેન્ટિક હતી.
આટલું ખાધા પછી મારું તો પેટ ભરાઈ ગયું હતું અને મારા ડ્રાઇવરની પણ ખાવાની કોઈ કૅપેસિટી રહી નહોતી એટલે પછી મેં નક્કી કર્યું કે તીખું ખાધા પછી ચાલો કોકમ શરબત પી લઈએ. મને ડાયાબિટીઝ છે એટલે મારે શરબત ન પીવું જોઈએ પણ મિત્રો, તમને તો ખબર છે હું ક્યાં મારા માટે ખાઉં છું, હું તો તમારા માટે ખાતો હોઉં છું એટલે મેં તો મગાવ્યું એક કોકમ શરબત અને બે ગ્લાસ.
કોકમ શરબતનો ટેસ્ટ કર્યો અને મનમાં એનો સ્વાદ પ્રસરી ગયો. થયું કે સાલ્લું સિંગલ સિપ જેટલું જ શરબત લઈને ભૂલ કરી. માત્ર ત્રીસ રૂપિયા અને એકદમ ઓરિજિનલ સ્વાદ. કોકમ શરબતનો સ્વાદ મમળાવતાં-મમળાવતાં અમે દીનાનાથ રવાના થયા અને મને મારી જ વાત વધુ એક વાર સાચી પડતી લાગી.
ખાવા માટે પૈસા જોઈએ પણ સારું ખાવા માટે નસીબ જોઈએ.


