બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના અણિક ડેપોમાં ૧૦૦ જેટલી બસ ધૂળ ખાઈ રહી છે અને એની આજુબાજુમાં ઝાડી ઊગી ગઈ છે. બસ પણ ભંગારમાં પલટાઈ ગઈ છે.
૧૦૦ મિની બસ ભંગાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું
એક બાજુ બસમાં જગ્યા ન હોવાથી અનેક મુંબઈગરાઓએ ખાસ કરીને પીક અવર્સમાં બસ છોડી દેવી પડતી હોય છે, જ્યારે બીજી બાજુ કોર્ટ-કેસમાં અટકેલી BESTની ૧૦૦ મિની બસ ભંગાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના અણિક ડેપોમાં ૧૦૦ જેટલી બસ ધૂળ ખાઈ રહી છે અને એની આજુબાજુમાં ઝાડી ઊગી ગઈ છે. બસ પણ ભંગારમાં પલટાઈ ગઈ છે.
કૉલેજના ગેટ પર જ દમ તોડ્યો ૨૦ વર્ષની વિદ્યાર્થિનીએ
ADVERTISEMENT
કાંદિવલીમાં આવેલી નિર્મલા કૉલેજની વિદ્યાર્થિની કૉલેજમાં પ્રવેશતાં જ બેભાન થઈને ફસડાઈ પડી હતી. તેને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ મૃત જાહેર કરી હતી. Bsc ITની બીજા વર્ષની વિદ્યાર્થિની હર્ષિતા પાલને લો બ્લડ-પ્રેશરનો ઇશ્યુ હતો અને તે થોડા દિવસથી બીમાર હતી. સમતાનગર પોલીસે વિદ્યાર્થિનીનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો છે જેના રિપોર્ટ બાદ તેના મૃત્યુનું કારણ જાણી શકાશે.
શું વાત કરો છો? પશ્ચિમ બંગાળમાં ડૂબી જવાથી દરરોજ પચીસ લોકો જીવ ગુમાવે છે
વૈશ્વિક સંશોધનસંસ્થા જ્યૉર્જ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ગ્લોબલ હેલ્થના ભારત યુનિટ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે પશ્ચિમ બંગાળમાં દરરોજ પચીસ જણ ડૂબીને જીવ ગુમાવે છે, જેમાં ૧૩ બાળકોનો સમાવેશ થાય છે.
આ સર્વે ભારતમાં કરવામાં આવેલો એના પ્રકારનો સૌથી મોટો છે, જેમાં ૧.૮ કરોડ લોકોની વસ્તી ધરાવતા પશ્ચિમ બંગાળના તમામ ૨૩ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે પશ્ચિમ બંગાળમાં દર વર્ષે ૯૧૯૧ લોકો ડૂબવાથી મૃત્યુ પામે છે, જે ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝના અંદાજ કરતાં લગભગ ત્રણગણા છે.
આ સંસ્થા એક સ્વતંત્ર તબીબી સંશોધનસંસ્થા છે જેનું હેડક્વૉર્ટર ઑસ્ટ્રેલિયામાં છે અને ભારત, ચીન અને યુનાઇટેડ કિંગડમમાં ઑફિસો છે.
દેશનાં પ્રથમ મહિલા વડાં પ્રધાનના નામની યુનિવર્સિટીને ચાર દાયકા પછી મળ્યાં પ્રથમ મહિલા વાઇસ-ચાન્સેલર
ઓપન ઍન્ડ ડિસ્ટન્સ લર્નિંગ માટે ભારતની સૌથી પ્રચલિત ગણાતી ઇન્દિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટીનાં નવાં વાઇસ-ચાન્સેલરની ગઈ કાલે વરણી થઈ છે. અત્યાર સુધી આ જ યુનિવર્સિટીનાં ઍક્ટિંગ વાઇસ-ચાન્સેલર તરીકે કામ કરી રહેલાં ઉમા કાંજીલાલની નવાં વાઇસ-ચાન્સેલર તરીકે વરણી થઈ છે.
૧૯૮૫માં સ્થપાયેલી આ નૅશનલ ઓપન યુનિવર્સિટીનું નામ દેશનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના નામ પરથી આપવામાં આવ્યું હતું. જોકે ચાર દાયકામાં યુનિવર્સિટીને મળેલા ૯ વાઇસ-ચાન્સેલરમાંથી એક પણ મહિલા વાઇસ-ચાન્સેલર નહોતાં. છેક હવે આ યુનિવર્સિટીને એનાં પ્રથમ મહિલા વાઇસ-ચાન્સેલર મળ્યાં છે.
ઉમા કાંજીલાલ ૨૦૦૩થી ઇન્ફર્મેશન ઍન્ડ લાઇબ્રેરી સાયન્સનાં પ્રોફેસર છે અને ઓપન લર્નિંગ તથા શિક્ષણક્ષેત્રે ૩૬ વર્ષનો વ્યાપક અનુભવ ધરાવે છે. જુલાઈ ૨૦૨૪થી આ યુનિવર્સિટીનાં ઍક્ટિંગ વાઇસ-ચાન્સેલર તરીકે કાર્યરત રહેવા ઉપરાંત તેમણે પ્રો-વાઇસ-ચાન્સેલર તરીકે પણ સેવા આપી છે.
પગારવધારાના મુદ્દે ઇંગ્લૅન્ડમાં ડૉક્ટરો પાંચ દિવસની હડતાળ પર
ઇંગ્લૅન્ડમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી આરોગ્ય સિસ્ટમના હજારો ડૉક્ટરો પગારવધારાની માગણી સાથે ગઈ કાલથી પાંચ દિવસની હડતાળ પર ઊતરી ગયા છે. આના પગલે દેશભરમાં દરદીઓની સંભાળમાં વિક્ષેપ પડવાની સંભાવના છે. રેસિડન્ટ ડૉક્ટરો તેમની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં હૉસ્પિટલ અને ક્લિનિકોમાં દરદીઓને સારવાર આપતા હોય છે. તેમની માગણીના સંદર્ભમાં સરકાર સાથેની વાટાઘાટો તૂટી ગયા પછી તેઓ હૉસ્પિટલોની બહાર આવી ગયા હતા અને ધરણાં પર ઊતરી ગયા હતા. બીજી તરફ નૅશનલ હેલ્થ સર્વિસ (NHS)એ જણાવ્યું હતું કે ઇમર્જન્સી વિભાગો ખુલ્લા રહેશે અને હૉસ્પિટલો અને ક્લિનિક્સ શક્ય એટલી વધુ સુનિશ્ચિત અપૉઇન્ટમેન્ટ્સ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માતા અને પિતાની સંભાળ રાખવા માટે ૩૦ દિવસની રજા લઈ શકે છે
રાજ્યસભાનાં સંસદસભ્ય સુમિત્રા બાલ્મીકે પૂછેલા સવાલના લેખિત જવાબમાં કેન્દ્રીય કર્મચારી રાજ્યપ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમનાં વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા માટે ૩૦ દિવસની રજા લઈ શકે છે.
વાસ્તવમાં કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહને ગૃહમાં પૂછવામાં આવ્યું હતું કે શું વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કોઈ ખાસ રજાની જોગવાઈ છે? આના જવાબમાં તેમણે ઉપરોક્ત માહિતી આપી હતી અને કહ્યું કે કર્મચારીઓ તેમનાં માતા-પિતાની સંભાળ રાખવા માટે ૩૦ દિવસની રજા લઈ શકે છે.
આ સંદર્ભમાં ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના કર્મચારીને દર વર્ષે ૩૦ દિવસની પગાર સાથે રજા, ૨૦ દિવસની અડધા પગારની રજા, ૮ દિવસની કૅઝ્યુઅલ રજા અને બે દિવસની પ્રતિબંધિત રજા મળે છે. આ બધી રજાઓ વૃદ્ધ માતા-પિતાની સંભાળ સહિત વ્યક્તિગત કારણોસર લઈ શકાય છે. સરકારનો ઉદ્દેશ ફક્ત વર્કલાઇફ બૅલૅન્સને પ્રોત્સાહન આપવાનો નથી, કર્મચારીઓને કૌટુંબિક અને વ્યક્તિગત જવાબદારીઓ પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો પણ છે.’


