Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો સનસેટ મેકઅપનો ટ્રેન્ડ ટ્રાય કર્યો?

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો સનસેટ મેકઅપનો ટ્રેન્ડ ટ્રાય કર્યો?

Published : 20 October, 2026 06:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંધ્યાકાળના રંગો જેમ કે ગોલ્ડન, ઑરેન્જ, પિન્ક અને પર્પલનો ઉપયોગ કરીને થતા મેકઅપનો આ ટ્રેન્ડ ફૉલો કરવા જેવો છે

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો સનસેટ મેકઅપનો ટ્રેન્ડ ટ્રાય કર્યો?

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો સનસેટ મેકઅપનો ટ્રેન્ડ ટ્રાય કર્યો?


દર થોડા સમયે મેકઅપનો કોઈ ને કોઈ ટ્રેન્ડ આવે છે અને જતો રહે છે, પણ આ વખતે સોશ્યલ મીડિયા પર જે ટ્રેન્ડ છવાયેલો છે એ કંઈક ખાસ છે. વાત થઈ રહી છે સનસેટ મેકઅપની. આ માત્ર એક સાદો આઇ-શૅડો લુક નથી; ચહેરાના કૉન્ટૉર, બ્લશ અને હાઇલાઇટરનું એવું પર્ફેક્ટ બ્લેન્ડિંગ છે જે સ્કિન પર આકર્ષક ‘સન-કિસ્ડ’ ગ્લો આપે છે. ખાસ કરીને વૉર્મ અન્ડરટોન ધરાવતી ઇન્ડિયન સ્કિન માટે આ ટ્રેન્ડ ખૂબ જ પર્ફેક્ટ માનવામાં આવે છે.

સનસેટ મેકઅપ એટલે?
સનસેટ મેકઅપની ખાસિયત એ છે કે એમાં નૅચરલ સૂર્યાસ્તના ૩ કે ૪ કલર્સ યલો, ગોલ્ડન, ઑરેન્જ, વાઇબ્રન્ટ પિન્ક અને પર્પલને એકસાથે ગ્રેડિયન્ટ શેડમાં બ્લેન્ડ કરવામાં આવે છે. આ ટ્રેન્ડની શરૂઆત ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ટિકટૉક પર બ્યુટી-ઇન્ફ્લુઅન્સર્સ દ્વારા થઈ હતી. જોતજોતાંમાં મૉડલ્સ, કન્ટેન્ટ ક્રીએટર્સ અને સેલેબ્સ પણ આ વાઇબ્રન્ટ અને ફોટોજેનિક લુક પસંદ કરવા લાગ્યા અને આ ગ્લોબલ ટ્રેન્ડ બન્યો.



ધ્યાનમાં રાખવાની બાબતો
 ભારતીય ત્વચાનો અન્ડરટોન સામાન્ય રીતે વૉર્મ હોય છે એટલે સનસેટ કલર્સ ઇન્ડિયન સ્કિન પર સારા લાગે છે. પેસ્ટલ કલર્સનો ઓછો ઉપયોગ થાય એટલું વધુ સારું, કારણ કે વૉર્મ અન્ડરટોન પર આવા કલર્સ ડલ દેખાઈ શકે છે. એને બદલે બર્ન્ટ ઑરેન્જ, રિચ મજેન્ટા, કોરલ અને પ્લમ પર્પલ જેવા ઘેરા શેડ્સ પસંદ કરો.
 આંખો અને ગાલ પર બ્રાઇટ કલર્સ હોવાથી ફાઉન્ડેશન અને કન્સીલરનો બેઝ ત્વચાના કુદરતી રંગ સાથે બરાબર મૅચ થાય એવો જ રાખવો.
 બ્રાઇટ ઑરેન્જ અને યલો કલર ત્વચા પર બરાબર ઊભરીને આવે એ માટે આંખો પર કન્સીલરનું પાતળું લેયર લગાવીને સેટ કરવું જરૂરી છે.


કયા ઓકેઝન પર સનસેટ મેકઅપ પર્ફેક્ટ લાગશે?
ડેસ્ટિનેશન વેડિંગ્સમાં, મેંદી અને હલ્દી જેવાં ફંકશન્સમાં બ્રાઇટ અને વાઇબ્રન્ટ આઉટફિટ્સ સાથે આ મેકઅપ સુંદર દેખાય છે. આ ઉપરાંત બીચ-પાર્ટીઝ કે વેકેશનમાં રિસૉર્ટવેઅર લુક સાથે આ મેકઅપ પર્ફેક્ટ મૅચ થાય છે.  નવરાત્રિની રાત કે ફેસ્ટિવ ફંક્શન્સમાં બોલ્ડ અને ગ્લૅમરસ લુક માટે પણ આવો મેકઅપ સારો લાગશે. મૉડલિંગ અને ફોટોશૂટ માટે સનસેટ મેકઅપનું રિઝલ્ટ આકર્ષક આવે છે.

સ્ટેપ-બાય-સ્ટેપ અપ્લાય કરવાની રીત
આ લુક મેળવવા માટે સૌથી મહત્ત્વની બાબત બ્લેન્ડિંગ છે. જો કલર્સ યોગ્ય રીતે મિક્સ ન થાય તો લાઇન્સ અલગ દેખાઈ શકે છે.


સ્કિન પ્રેપ અને પ્રાઇમર : સૌથી પહેલાં ચહેરાને સારી રીતે મૉઇશ્ચરાઇઝ કરીને પ્રાઇમર લગાવો, જેથી કલર્સ એકદમ બ્રાઇટ દેખાય.

આંખો પર સનસેટ ગ્રેડિયન્ટ : આંખની અંદરના ખૂણે ગોલ્ડન અથવા શિમરી યલો શેડ લગાવો. પછી પાંપણના મધ્ય ભાગમાં વાઇબ્રન્ટ ઑરેન્જ કે કોરલ શેડ બ્લેન્ડ કરો અને આંખના બહારના ખૂણા તરફ ડીપ પિન્ક, મજેન્ટા કે પર્પલ શેડ અપ્લાય કરો. ત્રણેય રંગોની કિનારીઓને ફ્લફી બ્રશથી બ્લેન્ડ કરો.

ડ્રેપિંગ બ્લશ ટેક્નિક : ચીકબોન્સથી શરૂ કરીને કપાળની બાજુઓ સુધી પીચ અને ક્રેનબેરી પિન્ક શેડનું બ્લશ ઉપરની તરફ બ્લેન્ડ કરો.

સોનેરી હાઇલાઇટર: ચીકબોન્સ, નાકની અણી અને આઇબ્રો બોન પર ગોલ્ડન કે શૅમ્પેન શેડનું હાઇલાઇટર લગાવો.

લિપસ્ટિક : ન્યુડ પિન્ક, પીચ કે ગ્લૉસી ઑરેન્જ ટિન્ટવાળી લિપસ્ટિક પસંદ કરો જેથી ધ્યાન આંખો અને ચહેરાના ગ્લો પર રહે.

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2026 06:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK