પોલીસે સોમવારે હત્યાના આરોપી પુત્રની ધરપકડ કરી હોવાની માહિતી આપી હતી.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના પાલઘર શહેરમાં નાણાકીય વિવાદને લઈને ૨૮ વર્ષના દીકરાએ પથ્થર અને ટાઇલ્સ કાપવાના ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર વડે પંચાવન વર્ષના પિતાનું ગળું કાપીને ઘાતકી હત્યા કરી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોલીસે સોમવારે હત્યાના આરોપી પુત્રની ધરપકડ કરી હોવાની માહિતી આપી હતી.
પ્રાથમિક તપાસ અનુસાર મુંબઈમાં આવેલી એક પ્રૉપર્ટીના વેચાણમાંથી મળેલી રકમ બાબતે મોહનલાલ પરમાર અને તેમના પુત્ર મુકેશ પરમાર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આરોપી પુત્ર પોતાનું દેવું ચૂકવવા અને નવી કાર ખરીદવા માટે પિતા પાસે સતત પૈસાની માગણી કરી રહ્યો હતો. મોહનલાલ મુંબઈના દાદર વિસ્તારમાં વાસણની દુકાન ચલાવતા હતા.
રવિવારે બપોરે પિતા સાથે ઉગ્ર બોલાચાલી થયા બાદ મુકેશ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ‘મુકેશ નજીકની હાર્ડવેર શૉપ પર ગયો હતો અને ત્યાંથી ટાઇલ્સ તથા પથ્થર કાપવા માટે વપરાતું નવું ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર ખરીદ્યું હતું. ઘરે પાછા ફર્યા બાદ તેણે આ પાવર ટૂલ વડે પિતાના ગળા પર જીવલેણ હુમલો કરી ગળું કાપી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે નાના પુત્રએ પિતાને વારંવાર ફોન કર્યા છતાં કોઈ જવાબ મળ્યો નહોતો. નાના પુત્રએ એક પરિચિત મિત્રને ફ્લૅટ પર જઈને તપાસ કરવા કહ્યું હતું. તે વ્યક્તિ જ્યારે ઘરે પહોંચી ત્યારે મોહનલાલ પરમાર લોહીનાં ખાબોચિયાંમાં ગળાના ગંભીર ઘા સાથે મૃત હાલતમાં પડ્યા હતા.’
પોલીસે ગણતરીના કલાકોમાં તપાસ હાથ ધરીને મુકેશ પરમારનું પગેરું મેળવી લીધું હતું અને પાડોશી રાજ્ય ગુજરાતના ભરૂચ ખાતેથી તેની ધરપકડ કરી હતી. કોર્ટે સોમવારે આરોપીને પાંચ દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.
