Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > એક ચિત્ર એટલે હજારો શબ્દોથી વધુ પ્રતીતિ કરાવે છે

એક ચિત્ર એટલે હજારો શબ્દોથી વધુ પ્રતીતિ કરાવે છે

Published : 20 October, 2026 07:14 PM | IST | Mumbai
Jainacharya shree Udayvallabhasuri | feedbackgmd@mid-day.com

દુનિયામાં જેટલી કળાઓ છે એ દરેકમાં સ્પર્ધા પણ છે. ગાવું એક કળા છે તો ગીતસ્પર્ધા પણ હોય છે. નૃત્ય એક કળા છે તો નૃત્ય વિશેની હરીફાઈ પણ ખરી જ. કાળના બદલાવ સાથે નવી-નવી કળાઓનો ઉદ્ભવ અને વિકાસ થયા પણ કલાક્ષેત્રે સ્પર્ધા તો કાયમ રહી.

જૈનાચાર્ય  શ્રી ઉદયવલ્લભસૂરિ

સત્સંગ

જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ


દુનિયામાં જેટલી કળાઓ છે એ દરેકમાં સ્પર્ધા પણ છે. ગાવું એક કળા છે તો ગીતસ્પર્ધા પણ હોય છે. નૃત્ય એક કળા છે તો નૃત્ય વિશેની હરીફાઈ પણ ખરી જ. કાળના બદલાવ સાથે નવી-નવી કળાઓનો ઉદ્ભવ અને વિકાસ થયા પણ કલાક્ષેત્રે સ્પર્ધા તો કાયમ રહી.
ફોટોગ્રાફી ક્ષેત્રે એક સ્પર્ધા યોજાઈ. પાર્ટિસિપન્ટ દરેક ફોટોગ્રાફરે પોતાની પસંદગીનો કોઈ એવો ફોટો વહેતો મૂકવાનો જે માત્ર મૂંગો ફોટોગ્રાફ ન રહેતાં કોઈ સામાજિક સમસ્યાને કેન્દ્રમાં રાખીને કંઈક સંદેશ આપતો હોય. દુનિયાભરમાંથી કેટલાય ફોટોગ્રાફર્સની કોઈ ક્લિક ત્યાં મુકાઈ. કોઈએ પ્રદૂષણને લઈને તો કોઈએ ‘બેટી પઢાવો’નો સંદેશો આપતો, કોઈએ બાળમજૂરી-વિષયક તો કોઈએ જળસંકટ બાબતે, કોઈએ ‘જંગલ બચાવો’નો સંદેશો આપતો તો કોઈએ સ્વચ્છતા વિશેના વિવિધ ફોટો રજૂ કર્યા.
આ બધામાં જે ફોટોગ્રાફને પહેલું ઇનામ મળ્યું એ આમ તો એક સામાન્ય ફોટોગ્રાફ લાગતો હતો, પરંતુ હચમચાવી નાખે એવો સંદેશો એમાંથી મળતો હતો.
આફ્રિકાના અત્યંત પછાત, દુકાળગ્રસ્ત સુદાન દેશમાં પાડેલો આ ફોટોગ્રાફ હતો. ચાલવાની શક્તિ વગરના અને જેના શરીરનાં બધાં હાડકાં દેખાય એવાં ફાટેલાં કપડાં પહેરીને રસ્તા પર જાતને ઘસડતા એક ભૂખ્યા બાળકનો આ ફોટોગ્રાફ હતો. રાહતકૅમ્પ તરફ જતો બાળક હતો. રસ્તામાં થાકીને ગોઠણ પર માથું નાખીને વાંકો વળી ગયેલો આ બાળક છે. ક્યારે રાહતકૅમ્પ પહોંચું અને થોડું ખાવા મળે એ ઇચ્છા તેની આંખમાં દેખાય છે. તેની પાછળ એક ગીધ ચિત્રમાં દેખાતું હતું જે પોતાના ખોરાકની ફિરાકમાં આ બાળકને જોઈ રહ્યું છે.
આ ફોટોગ્રાફ સ્પર્ધામાં મેદાન મારી ગયો, પણ આશ્ચર્યની વાત એ હતી કે આ ફોટો પાડનારાએ થોડા વખત પહેલાં જ આત્મહત્યા કરી હતી. મરતાં પહેલાં તેની માતાને લખેલા છેલ્લા પત્ર સાથે તેણે આ ફોટો જોડેલો. પત્રમાં તેણે લખેલું, ‘દુનિયામાં ભૂખ-તરસની પીડા ભોગવનારા, દાણા-પાણી માટે ટળવળતા આવા તો કેટલાય લોકો હશે. મારા આ ફોટોને જોઈને જો થોડા પણ લોકો અનાજનો બગાડ કરતા અટકશે તો મારું મૃત્યુ સાર્થક માનીશ.’
ફોટોગ્રાફરની છેલ્લી ઇચ્છા પૂરી કરવા તેની માતાએ આ ફોટો સ્પર્ધામાં મોકલ્યો હતો. સાથે ઇમોશનલ મેસેજ પણ લખેલો હતો. ખરેખર આ ફોટો જોતાં જ ભલભલા સંવેદનશીલ બની જાય એવા આ જ ફોટોને પ્રથમ ઇનામ મળ્યું!
દરેક મનુષ્યે આમાંથી સંદેશો લેવા જેવો છે. વસ્તુનો બગાડ કે વેડફાટ ન થાય એ વિશેની સભાનતા રાખવી જોઈએ. મોટા પ્રસંગોમાં, લગ્નનાં રિસેપ્શનોમાં, પાર્ટીમાં મોંઘીદાટ ડિશો પાછળ છેવાડે ઊભેલા વિરાટકાય બગાડને આપણે સૌએ નજીકથી જોયો છે. વર્ણવી એ તસવીરનો બાળક કંઈક કહી રહ્યો છે. તેને સાંભળીને વ્યક્તિગત રીતે ક્યારેય એઠું નહીં મૂકવાનો સંકલ્પ કરીએ. જરૂર પૂરતું જ લેવાનું અને થાળી ચોખ્ખી કરવાની. પ્રસંગોમાં ઉત્તમ આતિથ્યનો નિષેધ ન હોય, પણ વરવા દેખાડાને અને વેડફાટને અટકાવીએ. એક સરસ કટાક્ષ અહીં થઈ શકે... 
કિસીને ઉસ બચ્ચે કો એક રોટી તક નહીં દી
જબ વો ભૂખા સોતા થા, 
મગર લાખો મેં બિક ગઈ વો તસવીર 
જિસ મેં વો બચ્ચા રોતા થા!


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2026 07:14 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK