અલબત્ત, આ ખૂબ જ રૅર ઘટના છે જેને બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રૉમ કહેવાય છે. અત્યાર સુધીમાં આ પ્રકારની સમસ્યાના કુલ દસ કેસ જ મેડિકલ જર્નલમાં નોંધાયા છે
બ્યુટી પાર્લર
અલબત્ત, આ ખૂબ જ રૅર ઘટના છે જેને બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રૉમ કહેવાય છે. અત્યાર સુધીમાં આ પ્રકારની સમસ્યાના કુલ દસ કેસ જ મેડિકલ જર્નલમાં નોંધાયા છે. રોજિંદા જીવનમાં હેરવૉશ કરાવવા કે હેરકલર કરાવવા પાર્લરમાં જવાનું થાય તો ડરવાની જરૂર નથી, પણ જો ટ્રીટમેન્ટ વખતે ગરદન પાછળની તરફ રાખવાની આ પોઝિશન તમને તકલીફ આપતી હોય તો સાવધ જરૂર થવું
મસ્ત હેર સ્પા કરાવીને નીકળ્યા પછી ઘરે આવીને માથું દુખે છે? મગજ લાઇટહેડેડ લાગે છે? અચાનક જાણે ધૂંધળું દેખાતું હોય કે ડબલ વિઝન દેખાતું હોય છે? ક્યારેક ફ્રેશ સ્પા કરાવ્યા પછી અચાનક ઉબકા અને ઊલટી જેવું ફીલ થાય છે? ગરદનમાં રેડિએટિંગ પેઇન થાય છે? હાથ-પગમાં ખૂબ જ નબળાઈ આવી ગઈ હોય એવું લાગે છે? આંખ સામે અંધારા આવી જાય કે સંતુલન જાળવવામાં તકલીફ પડે એવું લાગે છે? બોલતી વખતે કેટલાક શબ્દો સ્પષ્ટ નથી બોલાતા? માથું ફાટી જશે એવો તીવ્ર દુખાવો થાય છે? ચહેરાના ચોક્કસ સ્નાયુઓ પર ખાલી ચડી ગઈ હોય એમ સેન્સેશન ફીલ નથી થતું?
ADVERTISEMENT
તો આ એક પ્રકારની ગંભીર સમસ્યા હોઈ શકે છે જેને બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રૉમ કહેવાય છે. ક્યારેક સ્પામાંથી બહાર નીકળતી વખતે તાજા ધોયેલા લહેરાતા વાળની આપણે ફક્ત નાણાકીય કિંમત જ નથી ચૂકવતા, પણ આપણી ગરદન અને અંતે આખું શરીર આની કિંમત ચૂકવે એવું શક્ય છે. સલૂનમાં શૅમ્પૂ કે કલરિંગ ટ્રીટમેન્ટ બાદ ઘણી વાર કલાકો સુધી ગરદન બહુ વિચિત્ર સ્થિતિમાં રહે છે. આને કારણે બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રૉમ (BPSS)ના નામે ઊભી થતી દુર્લભ સ્થિતિ ઘણી વાર આરોગ્ય માટે ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે. જાણો સ્પાની લક્ઝરીનો આરામદાયક અનુભવ તકલીફ ઊભી ન કરે એ માટે શું કરવું એ જાણીએ.
સલૂનમાં મુલાકાત લઈને હેરસ્પા ટ્રીટમેન્ટ લેવી આપણા માટે આરામદાયક અને જાતસંભાળનો સોનેરી અવસર હોય છે, પરંતુ થોડા લોકો એવા પણ હોય છે જે આવી નિર્દોષ પ્રવૃત્તિની સજા ભોગવે છે. સલૂનમાં હેર ટ્રીટમેન્ટ દરમિયાન ક્યારેક શૅમ્પૂ માટે તો ક્યારેક કલરિંગ ટ્રીટમેન્ટ દરમિયાન એક જ સ્થિતિમાં રહેવું પડે છે. ગરદન માટે આ એટલું ખતરનાક નીવડી શકે છે કે ક્યારેક આ દરમિયાન બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રૉમ (BPSS) નામની દુર્લભ અને જીવલેણ સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. આવો જાણીએ આ સ્થિતિ, એનાં જોખમો અને સાવચેતીપૂર્વક આ સ્થતિને ટાળવાના કેટલાક નુસખા.
બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રૉમ શું છે?
આ સમસ્યા સૌપ્રથમ ૧૯૯૩માં અમેરિકન ન્યુરોલૉજિસ્ટ માઇકલ વેઇન્ટ્રોબ દ્વારા ઓળખવામાં આવેલી. હેરવૉશિંગ માટે સલૂનના બૅક વૉશબેસિનમાં ગરદનને પાછળની તરફ લાંબો સમય સુધી સ્ટ્રેચ કરી રાખવાને કારણે આ વિચિત્ર સ્થિતિ પેદા થાય છે. એટલે જ આને બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રૉમ જેવું નામ અપાયું છે. જ્યારે શૅમ્પૂ પ્રક્રિયા દરમિયાન ગળાનો ભાગ સલૂનની સિન્કની મજબૂત રિમમાં પાછળની તરફ વધુ ઝુકાવવામાં કે ખેંચવામાં કે ઝટકા સાથે ફેરવવામાં આવે ત્યારે BPSS થાય છે. આમાં માથાના રક્તનું વહન કરતી મુખ્ય કૅરોટિડ નામની નસો દબાય છે અને ક્યારેક ઈજા પણ પામે છે. આવી વિચિત્ર સ્થિતિમાં મગજ તરફ રક્તસંચાર કરતી રક્તવાહિનીઓ સંકોચાતાં લોહીનો પ્રવાહ ઘટે છે અથવા ક્યારેક સ્પાઇન પરના નાના હાડકાનું પ્રેશર થોડો લાંબો સમય સુધી આવતાં એ જગ્યાની નસોને ફાડી પણ શકે છે, જેને લીધે સ્ટ્રોક પણ થઈ શકે છે. એનું મુખ્ય કારણ મગજમાં રક્તસંચાર અવરોધાવા કે ફાટવાથી થાય છે. જોકે આ એટલુંબધું સામાન્ય નથી એટલે અત્યંત દુર્લભ કેસમાં આવું થાય છે. આમ જુઓ તો BPSS સ્ટ્રોક જેવાં જ લક્ષણો પ્રદર્શિત કરે છે, પણ જો એની સારવાર ન કરવામાં આવે તો ગંભીર પરિણામો આવી શકે છે.
BPSS સૌથી વધુ ૫૦ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ પર વધુ અસર કરે છે. ખાસ કરીને જેમને આર્થ્રાઇટિસ અથવા રક્તની નસોના પાતળા હોવાની કે એના સંકોચન જેવી પૂર્વવર્તી સ્થિતિઓ રહી હોય. જોકે આ ફક્ત આ વયજૂથ પૂરતું જ મર્યાદિત નથી એટલે ધ્યાન તો સૌએ રાખવું જોઈએ. જો થોડીક કાળજી રાખવામાં આવે તો આ લક્ષણોથી બચી શકાય એમ છે.
લક્ષણોની શરૂઆતમાં જ સાવધ
BPSSને કારણે શરીરના એક ભાગમાં લકવો પડી જવો કે બેભાન થઈ જવું જેવાં લક્ષણો પણ દેખાઈ શકે છે. જોકે ઘણી વાર આટલાં ગંભીર નહીં, બહુ જ હળવાં અને સાવ નજીવાં લક્ષણો પણ હોઈ શકે છે. ક્યારેક એ સલૂન વિઝિટના કલાકો બાદ વર્તાય અથવા ક્યારેક તો દિવસો બાદ દેખા દે છે, જેનાથી ચોક્કસ નિદાન કરવું મુશ્કેલ બને છે. આ માટે સાવચેતી જ પ્રમુખ પગલું છે. આવી સ્થિતિમાં અમુક ધ્યાનમાં લેવા યોગ્ય મુખ્ય લક્ષણોમાં માથાનો દુખાવો, માથું હલકું લાગવું અથવા ચક્કર આવવાં, આંખોમાં ઝાંખપ લાગવી, ઊલટી થવી અથવા ઓકવા જેવું લાગ્યા કરવું, ગળામાં દુખાવો થવો, શરીરની એક જ બાજુ પર નબળાઈ વર્તાવી અથવા લકવો આવી જવો અથવા ક્યારેક લગભગ બેહોશ થવા જેવી સ્થિતિ ઊભી થવી. જો તમને આમાંથી કોઈ પણ લક્ષણો અનુભવાય તો તાત્કાલિક તબીબી સંપર્ક કરવો જોઈએ.
રૅર છે, પણ...
આમ તો આ સિન્ડ્રૉમ ઘણો રેર કહેવાય છે. ૨૦૧૬ના એક સ્વિસ અભ્યાસ મુજબ ૧૧ વર્ષના સમયગાળા (૨૦૦૨-૨૦૧૩) દરમિયાન BPSSના ફક્ત દસ જ કેસો મળ્યા છે, એટલું દુર્લભ છે આ. છતાંય આ પરિસ્થિતિની સંભાવનાને અને ગંભીરતાને નકાર્યા વગર આપણે સુરક્ષિત રહેવા શું કરવું જોઈએ એ જાણવું જોઈએ. યાદ રહે, સલૂન વિઝિટ માત્ર એક ગ્રૂમિંગ રૂટીન નથી, એ સ્વસંભાળનો ભાગ છે. એનાથી આત્મવિશ્વાસ સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. BPSS દુર્લભ હોવા છતાંય થોડી જાગરૂકતા અને સાવચેતી તમારા અનુભવને સુરક્ષિત અને આનંદમય બનાવી શકે છે. તો હવે જ્યારે હેરડ્રેસર પાસે વાળ વૉશ કરાવો તો પૂછતાં અચકાતા નહીં કે કેટલો સમય લાગશે. અને ગરદન જકડાયેલી લાગે તો થોડી-થોડી વારે ગરદનને નૉર્મલ પોઝિશનમાં લાવીને રિલૅક્સ કરવી જરૂરી છે.
હેડ મસાજમાં ટ્વિસ્ટ અને ટર્ન્સ વધુ ડેન્જરસ
વાત માત્ર વાળને શૅમ્પુ કે સ્પા કરવા સુધીની જ નથી, જો હેડ મસાજ કરતી વખતે પણ યોગ્ય ધ્યાન ન રાખવામાં આવે તો એ સ્ટ્રોકનું કારણ બની શકે છે. થોડા મહિના પહેલાં કર્ણાટકના બલ્લારીમાં ૩૦ વર્ષનો એક યુવાન હેરડ્રેસર પાસે વાળ કપાવવા ગયો અને તેણે ફ્રી હેડ મસાજ આપવાની ઑફર કરી. જોકે એ હેડ મસાજ દરમ્યાન તેની ગરદન પાસેની નસો પર એટલું દબાણ આવ્યું કે તેને મગજમાં સ્ટ્રોક આવ્યો. ગરદન પાસેની રક્તવાહિનીઓમાં દબાણ વધી જતાં મગજના ચોક્કસ ભાગ સુધી થોડાક સમય સુધી લોહી પહોંચ્યું જ નહીં. આ પરિસ્થિતિમાંથી રિકવર થતાં તેને બે મહિનાનો સમય લાગ્યો હતો. હેડ મસાજમાં ગરદનને ટ્વિસ્ટ અને ટર્ન કરવાનું ડેન્જરસ નીવડી શકે છે.
કેટલીક ચાવીરૂપ સાવચેતી
તમારું સ્થાન બદલો: જો સિન્ક પર પાછળની તરફ ઝૂકવું અસુવિધાજનક લાગતું હોય તો એના બદલે આગળ ઝૂકવાની વિનંતી કરો. આમાં તમે ગળાના ભાગે સપોર્ટ માટે આધાર માગો, જેમાં મોટા ભાગે રોલ કરેલો ટુવાલ હોય છે. એનાથી તાણ ઓછી થાય. ઘણી વખત આવી સ્થિતિમાં કોઈનું બ્લડપ્રેશર પણ વધે છે એવું લાગે તો ઘડીક વાર થોભીને આરામદાયક સ્થિતિમાં જ ગરદન રાખો.
જેન્ટલ વૉશની માગણી : કોઈ પણ સ્થિતિમાં શૅમ્પૂ દરમ્યાન તમારા માથાના ભાગનું કે ગળાના ભાગનું અચાનક હલનચલન ટાળો અને જેન્ટલ વૉશને પ્રાથમિકતા આપો. એવું ન બને કે માથાને અચાનકનું હલનચલન ઝટકો આપે.
સમય મર્યાદિત કરો : બૅકવૉશ પોઝિશનમાં જરૂર કરતાં વધુ સમય સુધી ન રહેવું. પહેલાં જ પૂછી લેવું, કેટલો સમય લાગશે. જો ધોવામાં અથવા પોઝિશનમાં કોઈ પણ અસુવિધા અનુભવો તો તાત્કાલિક તમારા હેરડ્રેસરને જાણ કરો.

