મુંબઈનાં વડાપાંઉને જો કોઈ ટક્કર મારી શકે એવું હોય તો એ છે સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલાં અનિલનાં વડાપાંઉ
અનિલ વડાપાંઉ
મિત્રો, હમણાં અમે સુરત શો કરવા ગયા. સુરતમાં બે અને નવસારીમાં એક શો હતો એટલે મારે ૩ દિવસ રોકાવાનું હતું. હું જ્યારે પણ સુરત જઉં ત્યારે મને ત્યાંનાં અનિલનાં વડાપાંઉની બહુ યાદ આવે. એક વખત કોઈ એ લઈ આવ્યું ત્યારથી મને એ બહુ ભાવી ગયાં એટલે આ વખતે નક્કી કર્યું કે એ વડાપાંઉનો સ્વાદ હું તમારા સુધી પહોંચાડીશ. જોકે પ્રશ્ન એ હતો કે આ અનિલનાં વડાપાંઉ આવ્યાં ક્યાં? તપાસ કરતાં ખબર પડી કે એ સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવ્યાં છે. મજાની વાત એ છે કે અનિલ વડાપાંઉને શોધતાં-શોધતાં મને કેટલીક ઇન્ટરેસ્ટિંગ વાતો જાણવા મળી. તેની લારી સવારે નવથી રાતના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહે છે. મતલબ કે સવારે નાસ્તામાં પણ લોકો વડાપાંઉ ખાય અને રાતે જમવામાં પણ વડાપાંઉ ખાય એવું. આપણે ત્યાં વડાપાંઉ સાંજનો નાસ્તો છે.
બીજી મજાની વાત એ કે વડાપાંઉ સાથે સુરતી મરચાંનાં ભજિયાં તમને ફ્રી આપે. જેટલાં ખાવાં હોય એટલાં ખાઓ. ૨પ રૂપિયાનું વડાપાંઉ. એમાં લાલ, લીલી ચટણી અને ગળી ચટણી તો નાખે જ; સાથે મરચાંનાં ભજિયાં આપે.
૧૯૯૭થી ચાલતાં અનિલનાં વડાપાંઉ ખાવા માટે પહેલાં તમારે કૂપન લેવાની અને પછી લારી પર આપવાની એટલે તમને ગરમાગરમ વડાપાંઉ મળે. ત્યાં બહુબધાં ટેબલ પડ્યાં હોય ત્યાં ઊભા રહીને ખાવાનાં. અહીં વડાપાંઉની સાથે કોલ્ડ ડ્રિન્ક્સ પણ મળે. મેં અને મારા સાથી કલાકાર નીલેશ પંડ્યાએ નક્કી કર્યું કે આપણે વડાપાંઉનું લંચ કરીશું અને અમે બે તો ઊપડ્યા અનિલમાં. કૂપનો લીધી અને વડાપાંઉ લીધાં. સુરતમાં સોસિયો ડ્રિન્ક્સ બહુ ચાલે છે એટલે અમે સોસિયો પણ લીધું. એક વાત તમને કહું. આ સોસિયો સુરતની લોકલ બ્રૅન્ડ પણ પછી ગુજરાત આખામાં ખૂબ પૉપ્યુલર થઈ અને હવે તો એ રિલાયન્સે ટેકઓવર કરીને કૅમ્પા સાથે મર્જ કરી દીધી છે.
હું અને નીલેશ બન્ને ડાયાબેટિક એટલે અમે બન્નેએ નક્કી કર્યું કે આજે ભલે થોડી ઐયાશી થઈ જાય અને સાહેબ, અમે ખાવાનું શરૂ કર્યું. વડાપાંઉનું પહેલું બાઇટ લીધું ત્યાં જ જલસો પડી ગયો. ખબર પડી ગઈ કે આ વડાપાંઉ મુંબઈને સાચે જ ટક્કર મારે એવાં છે. સાથે મરચાંનાં ભજિયાં હતાં એ ટ્રાય કર્યાં અને સુરતી મરચાંએ જીભ પર સણસણાટી બોલાવી દીધી. પહેલી વાર થયું કે જલસા કરવા લીધેલો સોસિયો કામ લાગી ગયો.
વડાનું જે બટાટાનું પૂરણ હતું એ સ્વાદિષ્ટ હતું, પણ બહુ સાત્ત્વિક હતું. સફેદ કલરનું એ પૂરણ હતું અને એ કોથમીર, લીલાં મરચાં, વટાણા અને એવુંબધું નાખીને બનાવેલું હતું અને બહુ સરસ હતું.
અનિલનાં વડાપાંઉ એટલાં ફેમસ છે કે ત્યાં સતત ઘરાકી ચાલુ જ હોય. ઘાણવા ઉપર ઘાણવા ઊતરતા જાય અને પાંચ મિનિટમાં ખાલી થઈ જાય. એનો સૌથી મોટો ફાયદો એ કે તમને વડાપાંઉ ગરમ જ મળે. ગરમ વડું, એમાં ૩ સ્વાદની ૩ ચટણી, સૉફ્ટ પાંઉ અને સાથે લીલાં મરચાંનાં ભજિયાં અને ઉપરથી સોસિયોનો ગળચટ્ટો સ્વાદ. બકાસુર તો રાજી-રાજી થઈ ગયો. જોકે આ આખી વાતમાં એક વાત મને સમજાઈ નહીં. લારીમાં વડાપાંઉ વેચતા અનિલવાળાની એક્ઝૅક્ટ પાછળના ભાગમાં કરોડોની કિંમતનો આલીશાન બંગલો છે જેનો એક ભાગ અનિલ વડાપાંઉવાળો વાપરે છે. એ બંગલાવાળો શું કામ પોતાની જગ્યા અનિલવાળાને વાપરવા આપે? શું કામ એ બંગલાની વૅલ્યુ આ રીતે ઘટાડે? જે હોય એ, એક વાત નક્કી કે મુંબઈનાં વડાપાંઉને જો કોઈ ટક્કર મારી શકે તો એ અનિલનાં વડાપાંઉ.
