હનુમાન અંશની જબરદસ્ત સફળતાની ખાસ નોંધ ન લેવાઈ હોવાનું ડિરેક્ટર ડૉ. વિશાલ ચતુર્વેદીને ભારે આશ્ચર્ય થયું છે.
ડિરેક્ટર ડૉ. વિશાલ ચતુર્વેદી
ડિરેક્ટર ડૉ. વિશાલ ચતુર્વેદીની ‘હનુમાન અંશ’ ફિલ્મે ફિલ્મી દુનિયામાં અનેક મોટા રેકૉર્ડ તોડી નાખ્યા છે. દોઢથી બે કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મે દુનિયાભરમાં અંદાજે ૪૫૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે. નીમ કરોલી બાબા પર આધારિત આ સ્પિરિચ્યુઅલ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થવા માટે તૈયાર છે.
OTT પર રિલીઝ થવાના થોડા સમય પહેલાં જ ‘હનુમાન અંશ’ના ડિરેક્ટરે ઇન્ડસ્ટ્રીના મોટાં-મોટાં પ્રોડક્શન હાઉસ પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાની આ શાનદાર ફિલ્મની સફળતા છતાં મોટા પ્રોડક્શન હાઉસે દાખવેલી ચુપકીદી પર સવાલ ઉઠાવ્યા છે.
પોતાની લાગણી વ્યક્ત કરતાં ડૉ. વિશાલ ચતુર્વેદીએ કહ્યું હતું કે ‘હનુમાન અંશ’ની બૉક્સ-ઑફિસ પરની કમાણીએ એ માન્યતાને ખોટી સાબિત કરી છે કે માત્ર એક મોટો સ્ટાર, મોટું બજેટ કે મોટો સ્ટુડિયો જ કોઈ ફિલ્મને સફળ બનાવી શકે છે. ફિલ્મ લોકો સુધી પહોંચવાનું માધ્યમ છે. દર્શકો ફિલ્મ જુએ છે અને નક્કી કરે છે કે એ સારી છે કે નહીં. સામાન્ય રીતે બૉક્સ-ઑફિસ પર કોઈ મોટી ફિલ્મ સફળ થાય ત્યારે મેં અનેક સત્તાવાર નિવેદનો જોયાં છે, પણ અમારી ફિલ્મ નાની છે અને હું પહેલી વાર ડિરેક્ટર બન્યો છું ત્યારે કોઈ મોટા પ્રોડક્શન હાઉસ તરફથી એક પણ નિવેદન મેં જોયું નથી. આ ખરેખર આશ્ચર્યજનક વાત છે.’
