Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > લેહંગા અને સાડી સાથે કૉર્સેટ બ્લાઉઝ પેર કરવાનો ટ્રેન્ડ આપશે ક્લાસી અને બોલ્ડ લુક

લેહંગા અને સાડી સાથે કૉર્સેટ બ્લાઉઝ પેર કરવાનો ટ્રેન્ડ આપશે ક્લાસી અને બોલ્ડ લુક

Published : 17 February, 2026 11:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેવાં કૉર્સેટ બ્લાઉઝને તમારા વૉર્ડરોબમાં વસાવવાં જોઈએ જે સાડી અને લેહંગા બન્ને સાથે શાનદાર લાગશે એની સ્ટાઇલ ગાઇડ આ રહી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝનમાં અવનવા પ્રયોગો થતા આવ્યા છે, પણ હાલમાં જે ટ્રેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે એ કૉર્સેટ બ્લાઉઝનો છે. વિન્ટેજ વિક્ટોરિયન સ્ટાઇલ અને દેશી એમ્બ્રૉઇડરીનું આ ફ્યુઝન બૉલીવુડ સેલેબ્સ જ નહીં પણ હવે ફૅશન-લવર્સની પહેલી પસંદ બની રહ્યું છે. જો તમે પણ તમારા વૉર્ડરોબને અપડેટ કરવા માગો છો તો કેવાં કૉર્સેટ બ્લાઉઝને તમારા વૉર્ડરોબમાં વસાવવાં જોઈએ જે સાડી અને લેહંગા બન્ને સાથે શાનદાર લાગશે એની સ્ટાઇલ ગાઇડ આ રહી...

એમ્બ્રૉઇડરી અને મિરર-વર્કનાં કૉર્સેટ



જો કોઈ નજીકના સંબંધીનાં લગ્ન હોય કે તહેવારમાં કૉર્સેટ પહેરવાની ઇચ્છા હોય તો ગોલ્ડન અને સિલ્વર થ્રેડવાળાં કૉર્સેટ બહુ સારાં લાગશે. એને પ્લેન શિફૉનની સાડી સાથે પહેરશો તો આ બ્લાઉઝ તમારા આખા લુકને રૉયલ બનાવી દેશે. રાજવી પરિવારોમાં અગાઉના સમયમાં સાદી પણ કીમતી ફૅબ્રિકની સાડીઓ સાથે ખૂબ જ હેવી કામ કરેલાં બ્લાઉઝ પહેરવાનો રિવાજ હતો. મિરર-વર્ક લાઇટને રિફ્લેક્ટ કરે છે જે નાઇટ વેડિંગ કે રિસેપ્શનમાં સ્ટાઇલ કરશો તો તમારો લુક ગ્લૅમરસ લાગશે. આ જ બ્લાઉઝ કોઈ હેવી વર્કવાળા લેહંગા સાથે પણ એટલું જ સુંદર લાગશે કારણ કે એની એમ્બ્રૉઇડરી ટ્રેડિશનલ ટચ આપે છે. એને તમે પ્લેન પલાઝો કે ધોતી-પૅન્ટ સાથે જૅકેટની જેમ પણ સ્ટાઇલ કરી શકો છો. કૉર્સેટ બ્લાઉઝ તમારી કમરને સુંદર શેપ આપે છે. આ શેપને વધુ હાઇલાઇટ કરવા માટે તમે પાતળો મેટલિક બેલ્ટ અથવા ટ્રેડિશનલ કમરપટ્ટો પહેરી શકો છો. આ સાડીને ટક-ઇન કરવામાં પણ મદદ કરશે. હાથમાં હેવી બંગડીઓ પહેરવાને બદલે એક હાથમાં મોટી સ્ટેટમેન્ટ રિંગ અને બીજા હાથમાં ક્લાસિક વૉચ અથવા બ્રેસલેટ પહેરશો તો વધુ મૉડર્ન લુક આવશે. સાથે જ બ્લાઉઝના વર્ક સાથે મૅચ થાય એવી એક પોટલી બૅગ અથવા મેટલિક ક્લચ રાખવાથી તમારો વેડિંગ લુક કમ્પ્લીટ થશે.


લૉન્ગ લાઇન કૉર્સેટ બ્લાઉઝ

નૉર્મલ બ્લાઉઝ કરતાં લૉન્ગ લાઇન બ્લાઉઝ તમારી વેસ્ટ લાઇનથી પણ નીચે સુધી જાય છે. એમાં નીચેની તરફ પેપ્લમ જેવો ઘેર હોય છે અથવા સ્ટ્રેટ કટ હોય છે. આવાં બ્લાઉઝ તમને સ્લિમ દેખાડે છે. ઘણી યુવતીઓ ટૂંકા બ્લાઉઝમાં પેટનો ભાગ દેખાતો હોય તો કમ્ફર્ટેબલ ફીલ નથી કરતી, પણ લૉન્ગ લાઇન કૉર્સેટ મિડ સેક્શનને કવર કરે છે જે ટ્રેડિશનલ લુકમાં મૉડર્ન દેખાય છે. એને લેહંગા સાથે ટ્રાય કરવાથી લેયર્ડ લુક મળે છે. શરારા સાથે પહેરવાથી શૉર્ટ કુરતી જેવો લુક આવે છે જે અત્યારે બહુ ટ્રેન્ડી છે. આ બ્લાઉઝની લંબાઈ વધુ હોવાથી તમે કોઈ પાર્ટીમાં એને બ્લેઝર અથવા હાઈ-વેસ્ટેડ પૅન્ટ સાથે સ્ટાઇલ કરશો તો પ્યૉર વેસ્ટર્ન લુક મેળવી શકાય. 


ક્લાસિક સ્વીટહાર્ટ નેકલાઇન કૉર્સેટ

સ્વીટહાર્ટ નેકલાઇન કૉર્સેટ બ્લાઉઝ ટાઇમલેસ ફૅશનમાં ગણાય. એ ક્યારેય આઉટ ઑફ ફૅશન જતાં નથી. સ્વીટહાર્ટ નેકલાઇન ગળા અને ખભાના ભાગને બહુ સુંદર રીતે હાઇલાઇટ કરે છે જે ટ્રેડિશનલ લુકમાં એક મૉડર્ન અને રોમૅન્ટિક વાઇબ આપે છે. કૉર્સેટ બ્લાઉઝ બૉડી-હગિંગ એટલે કે શરીરને વળગી રહે એવાં હોય છે. હેવી લેહંગામાં ઘેર વધુ હોવાથી જો ઉપરનો ભાગ એટલે કે બ્લાઉઝ ફિટિંગવાળું અને ક્લીન કટ હોય તો આખો લુક શાર્પ લાગે છે. લેહંગા સાથે દુપટ્ટાને ખભા પરથી પાછળની તરફ નાખો જેથી કૉર્સેટનો આકાર છુપાય નહીં. આ ઉપરાંત આવા બ્લાઉઝને સાડી સાથે પેર કરી શકાય. સામાન્ય રીતે આપણે સાડીનો પલ્લુ ખભા પર એવી રીતે રાખતા હોઈએ છીએ કે બ્લાઉઝનો મોટો ભાગ ઢંકાઈ જાય છે, પણ કૉર્સેટની ખાસિયત એનું ફિટિંગ અને એની બોનિંગ એટલે કે એમાં આપેલી ઊભી લાઇન્સ છે. સાડીના પલ્લુની પ્લીટ્સને થોડી સાંકડી કરો અને એને ખભા પર એવી રીતે પિન કરો કે બ્લાઉઝના મધ્યનો સ્વીટહાર્ટ શેપ સ્પષ્ટ દેખાય. પલ્લુને છાતીના ભાગેથી બહુ ફેલાવવો નહીં. એને સાઇડમાંથી થોડો નીચેની તરફ સેટ કરવાથી કૉર્સેટના કારણે જે કર્વ્ઝ દેખાય છે એ હાઇલાઇટ થશે. સ્વીટહાર્ટ નેકલાઇન સાથે ચોકર અથવા શૉર્ટ નેકલેસ સૌથી સુંદર લાગે છે. લૉન્ગ હાર પહેરવાથી બ્લાઉઝનો શેપ ઢંકાઈ શકે છે. જો તમે ગળામાં કંઈ ન પહેરવા માગતા હો તો હેવી ચાંદબાલી કે સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ પહેરો.

આ‍ૅફ-શોલ્ડર કૉર્સેટ બ્લાઉઝ

કૉર્સેટ મૂળભૂત રીતે કમરને સ્લિમ દેખાડવા માટે જાણીતું છે. જ્યારે એમાં ઑફ-શોલ્ડર ડિઝાઇન ઉમેરાય છે ત્યારે એ તમારા કૉલર-બોન અને ખભાને સુંદર રીતે હાઇલાઇટ કરે છે. આનાથી તમારું ફિગર લાંબું અને આકર્ષક લાગે છે. આ સ્ટાઇલમાં ખભા અને ગળાનો ભાગ ખાલી રહેતો હોવાથી હેવી જ્વેલરી પહેરવાની પૂરેપૂરી સ્વતંત્રતા મળે છે. જો તમે કુંદન કે પોલ્કી વર્કનું ચોકર પહેરો તો આખો લુક એલિવેટ થઈ જાય છે. મોતીની અનેક સેરવાળો હાર આ બ્લાઉઝ પર વધુ ક્લાસી લાગે છે. નેટ અને ઑર્ગેન્ઝા સાડીઓ પારદર્શક હોય છે. જ્યારે તમે સાડીનો પાલવ ખભા પર લો છો ત્યારે નીચેથી કૉર્સેટનું સ્ટ્રક્ચર અને એનું ફિનિશિંગ દેખાય છે, જે અત્યંત પ્રીમિયમ લુક આપે છે. આ બન્ને કાપડ વજનમાં હલકાં અને થોડાં ફ્લફી હોય છે. કૉર્સેટ ફિટિંગવાળું હોય છે જ્યારે સાડી થોડી ફૂલેલી રહે છે. આ ફિટ અને ફ્લેરનું કૉમ્બિનેશન વેસ્ટર્ન ગાઉન જેવો લુક ક્રીએટ કરે છે. ભારે સિલ્ક સાડીમાં આવાં બ્લાઉઝ સૂટ નહીં થાય તેથી ઑર્ગન્ઝા કે નેટવાળી સાડીની પસંદગી કરવી હિતાવહ છે. લેહંગા સાથે કૉર્સેટ બ્લાઉઝનું સ્ટાઇલિંગ સાડી કરતાં થોડું અલગ અને વધુ ગ્લૅમરસ દેખાય છે. લેહંગામાં નીચે ઘેરાવો હોવાને કારણે કૉર્સેટ સાથે એ એક પર્ફેક્ટ પ્રિન્સેસ કટ લુક આપે છે. દુપટ્ટાને ખભા પર પિન કરવાને બદલે એને એક હાથ પર પાછળથી લટકતો રાખો અથવા કાંડા પર વીંટાળી દો. આનાથી તમારા બ્લાઉઝની ઑફ-શોલ્ડર ડિઝાઇન અને ગળું સ્પષ્ટ દેખાશે. કૉર્સેટ બ્લાઉઝ હંમેશાં હાઈ-વેસ્ટ લેહંગા સાથે સારા લાગે છે. આ કૉમ્બિનેશન બૉલ ગાઉન જેવો લુક આપે છે. લેહંગામાં જો બ્લાઉઝ ઑફ-શોલ્ડર હોય તો વાળને આગળ રાખવાને બદલે પાછળ રાખો. એક સાઇડ વાળ સેટ રહે એવી હેરસ્ટાઇલ કરો. એમાં તમે સૉફ્ટ કર્લ્સ કરી શકો. એનાથી ખભાની ડિઝાઇન હાઇલાઇટ થશે. અત્યારે લેહંગા પર કમરપટ્ટો કે મૅચિંગ ફૅબ્રિક બેલ્ટ લગાવવાનો ખૂબ ટ્રેન્ડ છે. ત્યારે એક પાતળો એમ્બ્રૉઇડરીવાળો બેલ્ટ લગાવો. એ તમારા લુકને વધુ શાર્પ અને સ્ટ્રક્ચર્ડ બનાવશે. જો તમારો લેહંગા ખૂબ જ હેવી વર્કવાળો હોય તો કૉર્સેટ બ્લાઉઝને થોડું સિમ્પલ અથવા મોનોક્રોમ રાખો. એનાથી લુક ઓવર નહીં લાગે.

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK