બૅન્ગલોરમાં રહેતો ૧૯ વર્ષનો પ્રણવ BTech કરે છે અને સમિટમાં એક ડિજિટલ માર્કેટિંગ કંપનીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે
AI ઇમ્પૅક્ટ સમિટ 2026માં પ્રજ્ઞાચક્ષુ માટે તૈયાર કરવામાં આવેલાં AI-સંચાલિત ચશ્માંની માહિતી નરેન્દ્ર મોદીને આપી રહેલો પ્રણવ સાવલા.
જોઈ ન શકતા પ્રણવ સાવલાએ ગઈ કાલે દિલ્હીમાં AI ઇમ્પૅક્ટ સમિટમાં વડા પ્રધાનને એવાં AI-સંચાલિત ગૉગલ્સ વિશે માહિતી આપી જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે ખૂબ જ ઉપયોગી છે ઃ બૅન્ગલોરમાં રહેતો ૧૯ વર્ષનો પ્રણવ BTech કરે છે અને સમિટમાં એક ડિજિટલ માર્કેટિંગ કંપનીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે
દિલ્હીમાં ગઈ કાલથી શરૂ થયેલી AI ઇમ્પૅક્ટ સમિટ 2026માં બૅન્ગલોરના ૧૯ વર્ષના પ્રજ્ઞાચક્ષુ પ્રણવ સાવલાએ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે તૈયાર કરેલા એક વિશેષ પ્રકારનાં ગૉગલ્સની માહિતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપી હતી. પ્રણવ AI ઇમ્પૅક્ટ સમિટ 2026માં ભારતની પ્રખ્યાત ડિજિટલ માર્કેટિંગ કંપની મહેતા ઍન્ડ મહેતા તરફથી માર્કેટિંગ કરી રહ્યો હતો. પ્રણવે કહ્યું હતું કે ‘મારા માટે નરેન્દ્ર મોદી સાથેની ૮ મિનિટની મુલાકાત રોમાંચભરી રહી હતી. જાણે મારા જીવનનું સપનું સાકાર થયું હતું.’
ADVERTISEMENT
BTech ભણી રહેલો પ્રણવ જોઈ ન શકતો હોવા છતાં ડિજિટલ માર્કેટિંગમાં તેણે હરણફાળ ભરી છે.
પ્રણવ સાવલાની કંપનીએ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ માટેનાં ગૉગલ્સ લૉન્ચ કર્યાં છે. AI-સંચાલિત આ સ્માર્ટ ચશ્માં પ્રજ્ઞાચક્ષુઓ માટે ખૂબ ઉપયોગી અને અફૉર્ડેબલ છે. એમાં ૧૨ મૅગાપિક્સેલ કૅમેરા, ઓપન-ઇઅર ઑડિયો અને સ્પીકર છે. એ મેટા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને આસપાસના વાતાવરણનું મૌખિક રીતે વર્ણન કરી શકે છે, દસ્તાવેજો વાંચવા કે ઑબ્જેક્ટ્સને ઓળખવાં અને નેવિગેટ કરવામાં મદદ માટે કરે છે. એમાં સતત ‘લાઇવ AI’ની સુવિધા પણ છે. આ ચશ્માં બધા પ્રજ્ઞાચક્ષુઓ માટે ઘણાં રાહતરૂપ છે.
પ્રણવ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બધી માહિતી મેં ગઈ કાલે AI ઇમ્પૅક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કરવા આવેલા નરેન્દ્ર મોદીને આપી હતી, જેની સામે તેમણે પણ મને અમારાં ચશ્માં કેટલાં ઉપયોગી છે અને કેટલાં સફળ છે એ જાણ્યું હતું. અમારાં ચશ્માં નાનીમોટી બધી જ વસ્તુઓનું આઇડેન્ટિફિકેશન કરી શકે છે. આ ચશ્માંનો ઉપયોગ હું આજે મારા જીવનમાં બનતી દરેક ઘટનાને નિહાળવા માટે અને એને સમજવા માટે કરી રહ્યો છું. હું ભણવા માટે પણ એનો ઉપયોગ કરું છું. આ બધી માહિતી નરેન્દ્ર મોદીએ શાંતિથી સાંભળી હતી.’
કચ્છી વીસા ઓસવાલ જૈન જ્ઞાતિનો પ્રણવ સાવલા મૂળ વાંકી ગામનો છે. તેના નાના ધીરજ દેઢિયા મુંબઈમાં શ્રી મઝગામ બજાર ક.વી.ઓ. જૈન સંઘના વરિષ્ઠ સલાહકાર છે.


