Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૦૦ વર્ષ જૂના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું ડિમોલિશન ૧૫ દિવસ માટે સ્થગિત

૧૦૦ વર્ષ જૂના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું ડિમોલિશન ૧૫ દિવસ માટે સ્થગિત

Published : 17 February, 2026 07:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર્થર રોડ નાકા પરના આ મંદિર સામે ગઈ કાલે કાર્યવાહી થવાની હતી: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે મંદિરના સંચાલકો અને આગેવાનો સાથે મીટિંગ કરીને લીધો નિર્ણય

શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ડિમોલિશનના મુદ્દે ચર્ચાવિચારણા કરવા ટ્રસ્ટીઓ અને શ્રદ્ધાળુઓ સાથે કિરણ દિઘાવકર અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર.

શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ડિમોલિશનના મુદ્દે ચર્ચાવિચારણા કરવા ટ્રસ્ટીઓ અને શ્રદ્ધાળુઓ સાથે કિરણ દિઘાવકર અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર.


આર્થર રોડ નાકા પર મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓની વસાહત પાસે આવેલા ૧૦૦ વર્ષ જૂના શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સમિતિને મહાનગરપાલિકા અને એક બિલ્ડરે તોડી પાડવાની ફાઇનલ નોટિસ આપતાં સ્થાનિક રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં આક્રોશ ફેલાયો છે. જોકે મહાનગરપાલિકાએ સ્થાનિક રહેવાસીઓ-શ્રદ્ધાળુઓની લાગણી ન દુભાય અને તેમની સહમતીથી નિર્ણય લેવાય એવા ઉદ્દેશ સાથે હાલપૂરતી મંદિરની તોડફોડની કાર્યવાહી જે ગઈ કાલે થવાની હતી એને શ્રદ્ધાળુઓના વિરોધ વચ્ચે ૧૫ દિવસ માટે સ્થગિત કરી છે.

ચિંચપોકલી-વેસ્ટમાં ગુજરાતી સમાજે બનાવેલું પૌરાણિક શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સ્થાનિક લોકોની ધાર્મિક આસ્થાનું પ્રતીક છે. ૧૦૦ વર્ષથી આ લોકોએ મંદિરનું જતન કરીને સમાજ અને લોકોમાં ધાર્મિક આસ્થા અકબંધ રાખી છે. સ્થાનિક લોકો કહે છે કે વિકાસકાર્યમાં આ મંદિર જરાય અડચણરૂપ છે જ નહીં. અહીં ગુજરાતી, મરાઠી અને ઇતર સમાજના લોકો તેમ જ વરિષ્ઠ સરકારી અધિકારીઓ આસ્થા રાખે છે અને પૂજા-અર્ચના કરવા આવે છે. સ્થાનિક લોકોમાં આક્રોશ છે અને વિવિધ ઝુંબેશ દ્વારા મૂક વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. 



આના સમાધાન અને વાતાવરણ ડહોળાતું અટકાવવા માટે મહાનગરપાલિકાના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DMC) કિરણ દિઘાવકરે મંદિરના ટ્રસ્ટીઓ અને શ્રદ્ધાળુઓ સાથે ગઈ કાલે મીટિંગ કરી હતી એમ જણાવતાં મંદિરના ટ્રસ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંદિરના સંચાલકો અને સ્થાનિક આગેવાનો સાથે મુંબઈ મહાનગરપાલિકાના ઉપાયુક્ત કિરણ દિઘાવકરે ચર્ચાવિચારણા કરી હતી જેમાં મહાનગરપાલિકાએ મંદિર સમિતિને સકારાત્મક પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે અને ૧૫ દિવસની મુદત માગી છે. મહાનગરપાલિકા સમિતિને પત્રવ્યવહાર કરીને એની જાણ કરશે.’


મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શું કહે છે?

શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના શ્રદ્ધાળુઓ મંદિરના ડિમોલિશનનો વિરોધ કરતા હોવાથી અમારો ૨૫૦૦ કર્મચારીઓનાં રહેઠાણના બાંધકામનો પ્રોજેક્ટ અત્યારે વિલંબિત થઈ રહ્યો છે એમ જણાવતાં કિરણ દિઘાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મુદ્દો ધાર્મિક અને સેન્સિટિવ હોવાથી અમે મંદિરના ડિમોલિશનને ટેમ્પરરી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે એટલું જ નહીં, ફરીથી પ્રોજેક્ટ બાબતની સમજણ આપવા માટે ગઈ કાલે મંદિરના ટ્રસ્ટીઓ અને શ્રદ્ધાળુઓ સાથે ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરની હાજરીમાં મીટિંગ થઈ હતી જેમાં અમે રહેવાસીઓને કહ્યું હતું કે જે જમીન પર અત્યારે મંદિર છે અને જેના પર ૩૦૦ મહાનગરપાલિકાના કર્મચારીઓનાં રહેઠાણ હતાં એ જમીન મહાનગરપાલિકાના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની છે. આ જમીન પર વર્ષો પહેલાં બનેલા અને લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલા બુદ્ધવિહાર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને સાંઈબાબા મંદિરનું નવા પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્માણ કરવામાં આવશે. અમે પ્રોજેક્ટની શરૂઆત કરી ત્યાર પછી થોડા જ સમયમાં બુદ્ધવિહાર અને સાંઈબાબા મંદિરની મૂર્તિઓને અત્યારે નવનિર્માણ ન થાય ત્યાં સુધી બાજુના શેડમાં મૂકી છે. આ જ રીતે અમે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની મૂર્તિઓને અત્યારે સ્થળાંતર કરીને પ્રોજેક્ટ તૈયાર થયા પછી મંદિરની અત્યારની જગ્યા જેટલી જ જગ્યા એના નવનિર્માણ માટે આપવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK