સોશ્યલ મીડિયા પર આજકાલ છવાયેલો સુગંધિત મીણબત્તીના વૅક્સને મૉઇશ્ચરાઇઝર તરીકે વાપરવાનો ટ્રેન્ડ સ્કિન પર કેવી સારી કે માઠી અસર કરી શકે છે એ જાણીએ
પ્રતીકાત્મક તસવીર
આમ ભલે સ્કિન કૅર વિશે કંઈ જાણતા ન હોઈએ, પણ સોશ્યલ મીડિયા સ્ક્રૉલ કરશો તો અઢળક સમસ્યાનાં ટ્રેન્ડી સૉલ્યુશન અને ટિપ્સ મળતાં રહે છે. છાશવારે નવા-નવા નુસખા અને પ્રોડક્ટ ઇન્ટરનેટ પર વાઇરલ થતાં રહે છે ત્યારે કૅન્ડલ મૉઇશ્ચરાઇઝરનો કન્સેપ્ટ ટ્રેન્ડમાં છે. નામ સાંભળીને જ વિચારતા હશોને કે મીણને ઓગાળીને એનો ઉપયોગ મૉઇશ્ચરાઇઝર તરીકે થતો હશે, પણ હકીકતમાં એવું નથી. કૅન્ડલના પૅકેજિંગમાં જ લિક્વિડ બૉડી મૉઇશ્ચરાઇઝર બનાવીને રાખવામાં આવે છે અને એને ગરમ કરીને ત્વચાને મૉઇશ્ચરાઇઝ અથવા મસાજ કરવામાં આવે છે.
આ પ્રકારનો ટ્રેન્ડ કેટલી હદે અસરકારક છે એ વિશે ૨૧ વર્ષથી મુલુંડ અને ઘાટકોપરમાં કૉસ્મેટિક ડર્મેટોલૉજીની પ્રૅક્ટિસ કરતા કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ. મમતા છેડા કહે છે, ‘સોશ્યલ મીડિયા પર અવારનવાર બ્યુટી ટિપ્સ, નુસખા, DIY હૅક્સ અને અવનવી પ્રોડક્ટ્સના નવા-નવા ટ્રેન્ડ આવતા-જતા હોય છે અને હાલમાં કૅન્ડલ મૉઇશ્ચરાઇઝરનો કન્સેપ્ટ ધૂમ મચાવી રહ્યો છે. આ કન્સે઼પ્ટ નવો અને યુનિક તો છે, પણ એને વાપરતી વખતે સૌથી વધુ સાવચેતી રાખવાની જરૂર છે. સૌથી પહેલલાં તો એ જણાવી દઉં કે બધા પ્રકારની કૅન્ડલનો ઉપયોગ મૉઇશ્ચરાઇઝર તરીકે થતો નથી.’
ADVERTISEMENT
પહેલાં સમજી લો
બજારમાં મળતી નૉર્મલ કૅન્ડલમાં પૅરાફિનનું પ્રમાણ વધુ હોય છે અને એ સ્કિન-ફ્રેન્ડલી નથી એથી ઘરે આવી કૅન્ડલ લાવીને ત્વચા પર લગાવવી ન જોઈએ. ઘણી વાર લોકો સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ જુએ છે અને એને અનુસરવા માટે આંધળી દોટ મૂકે છે જે તેમને માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સૌથી પહેલાં એને સમજવાની કોશિશ કરવી જોઈએ. કેટલીક કંપનીઓ કૅન્ડલ મૉઇશ્ચરાઇઝરને માર્કેટમાં લાવી રહી છે. એને ખરીદતાં કે વાપરતાં પહેલાં એમાં હર્બલ ઇન્ગ્રેડિયન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે કે નહીં એ ખાસ જોવું જોઈએ, કારણ કે ઘણી કંપનીઓ આ પ્રોડક્ટ્સમાં કેમિકલ અને આર્ટિફિશ્યલ ફ્રૅગ્રન્સનો ઉપયોગ કરે છે અને પરિણામે સ્કિન પર એની સાઇડ-ઇફેક્ટ થાય છે.
ઇન્ગ્રેડિયન્ટ્સ મહત્ત્વનાં
મુખ્યત્વે આ પ્રકારનું મૉઇશ્ચરાઇઝર બનાવવા માટે હાઇલ્યુરોનિક ઍસિડ, બદામનું તેલ, અલોવેરા વગેરે હર્બલ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્કિનને હાઇડ્રેટ રાખે છે અને એની સાથે-સાથે લક્ઝુરિયસ ફીલિંગ પણ આપે છે. આજકાલ ઇન્ટરનેટની મદદથી બધું જ શક્ય છે ત્યારે કૅન્ડલ મૉઇશ્ચરાઇઝરને પણ ઘરે બનાવીને એનો ઉપયોગ કરી શકાય છે, પણ યોગ્ય જાણકારી મળવીને જ. અરોમા થેરપી કરાવતા લોકોને જો લૅવન્ડર અસેન્શિયલ ઑઇલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી કૅન્ડલથી મસાજ કરવામાં આવે તો એ શરીરને રિલૅક્સ કરે છે. કૅન્ડલ મૉઇશ્ચરાઇઝરને વાપરવાની પ્રક્રિયા થોડી જટિલ છે. એની હીટિંગ પ્રોસેસ ઇન્ગ્રેડિયન્ટ્સની અસરકારકતાને પ્રભાવિત કરી શકે છે.
આટલી કાળજી જરૂરી
આમ તો કૅન્ડલ મૉઇશ્ચરાઇઝર મેન્ટલ હેલ્થ માટે સારી માનવામાં આવે છે. યોગ અને મેડિટેશન દરમ્યાન શરીરને રિલૅક્સ કરતી અરોમા કૅન્ડલની થેરપીમાંથી જ કૅન્ડલ મૉઇશ્ચરાઇઝરનો કન્સેપ્ટ આવ્યો છે. ડૉ. મમતા કહે છે, ‘એને વાપરતી વખતે ઓવરહીટ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. કૅન્ડલ મૉઇશ્ચરાઇઝરનો કન્સેપ્ટ સાંભળવા અને સમજવામાં સારો લાગે છે, પણ વાપરતી વખતે કાળજી રાખવી અત્યંત જરૂરી છે. ઓવરહીટ થયેલું મૉઇશ્ચરાઇઝર ત્વચા પર લગાવવામાં આવે તો સ્કિનબર્ન થશે અને એની અલગ ટ્રીટમેન્ટ કરવી પડશે. કૅન્ડલ મૉઇશ્ચરાઇઝરનું આ એક નકારાત્મક પાસું છે. આ ઉપરાંત ઘણા લોકોને કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સથી ઍલર્જી હોય અથવા ત્વચાને સૂટ ન થાય તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. જોકે એમ છતાં આ પ્રકારના મૉઇશ્ચરાઇઝરને વાપરવાની ઇચ્છા થાય તો મહિનામાં એકાદ વાર એનો ઉપયોગ કરી શકાય. આ મૉઇશ્ચરાઇઝર અન્ય કરતાં વધુ ખર્ચાળ હોવાથી મધ્યમવર્ગીય મહિલાઓને પરવડે એવો નથી.’
સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરતાં બ્યુટી કન્સેપ્ટને અનુસરવાની ઘેલછા કામચલાઉ હોય છે એમ જણાવીને ડૉ. મમતા ઉમેરે છે, ‘કૅન્ડલ મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ પણ થોડી વાર માટે સારો લાગશે, પણ દરરોજ અને લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવાની સલાહ કોઈ ડૉક્ટર આપતા નથી. આ પ્રકારના મૉઇશ્ચરાઇઝરને સત્તાવાર રીતે બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં સ્થાન મળ્યું નથી એથી એને બનાવવાની પ્રક્રિયા અને સામગ્રી કેટલી સેફ હશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. માર્કેટમાં ઘણા પ્રકારનાં અને બજેટ-ફ્રેન્ડ્લીની સાથે સ્કિન ટાઇપના હિસાબે મૉઇશ્ચરાઇઝર્સ સરળતાથી મળી રહે છે. જો આપણને કોઈ ચીજ સરળતાથી મળતી હોય તો જટિલ રસ્તે જઈને ગૂંચવાવું ન જોઈએ. એથી હું વ્યક્તિગત રીતે કૅન્ડલ મૉઇશ્ચરાઇઝરને વાપરવાની ભલામણ કરતી નથી. સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને આ પ્રકારની પ્રોડક્ટથી અંતર રાખવું જોઈએ. ડ્રાય સ્કિન અને ઑઇલી સ્કિન હોય એવા લોકો આ ટ્રેન્ડનું અનુસરણ કરી શકે છે. કૅન્ડલ મૉઇશ્ચરાઇઝરની પસંદગી કરતાં પહેલાં ત્વચા પર પૅચ ટેસ્ટ કરી લેવો, જેથી ઍલર્જી છે કે નહીં અથવા સ્કિનને સૂટ થાય છે કે નહીં એની ખબર પડે. જો ન ખબર પડે તો એક્સપર્ટની સલાહ કે મદદ લઈ લેવી.’
ટ્રાય કરો કેટલાંક હોમમેડ મૉઇશ્ચરાઇઝર
ત્વચાને હાઇડ્રેટેડ રાખવા, ત્વચાને બહારના રજકણોથી પ્રોટેક્ટેડ રાખવા, ચહેરાને કરચલીઓથી દૂર રાખવા, સ્કિન પર થતા ડૅમેજનું રિપેરિંગ કરવા જેવા અનેક લાભ સાથે આપણા રૂટીનમાં મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરતા રહેવું જરૂરી છે. બહાર માર્કેટમાં મળતાં મૉઇશ્ચરાઇઝરના ભરોસે ન રહેવું હોય તો કેટલાંક હોમમેડ નૅચરલ મૉઇશ્ચરાઇઝરના પ્રકાર વિશે જાણી લો.
અલોવેરા અને બદામના તેલને સરખા પ્રમાણમાં બરાબર મિક્સ કરો અને એને કાચની બૉટલમાં સાચવી રાખો. તમારી સ્કિન ઑઇલી હોય તો તમારા માટે આ બેસ્ટ હોમમેડ મૉઇશ્ચરાઇઝર બની શકે છે. ઑઇલી સ્કિન ધરાવતા લોકો અલોવેરા સાથે સરખા પ્રમાણમાં ગ્લિસરિન અને ગુલાબજળ મિક્સ કરીને પણ મૉઇશ્ચરાઇઝર બનાવી શકે છે. તમારા ચહેરા પર ખીલ થતા હોય તો આ બેસ્ટ ઇલાજ હશે.
તમારી સ્કિન સેન્સિટિવ હોય તો આયુર્વેદમાં શત ધૌતા ઘ્રીત એટલે કે ૧૦૦ વાર વૉશ કરેલા ઘીને તમે મૉઇશ્ચરાઇઝર તરીકે ઉપયોગમાં લઈ શકો છો. કોઈ પણ જાતના આર્ટિફિશ્યલ ફ્લેવર કે ફ્રૅગ્રન્સ વિનાની આ પ્રોડક્ટ આયુર્વેદની દુકાનમાં સરળતાથી મળશે અથવા તો તમે એ ઘરે પણ બનાવી શકો છો. એક તાંબાના વાટકામાં એક કપ ગાયના ઘીને ફિલ્ટર પાણીમાં ઉમેરો અને એને બરાબર મિક્સ કરો. વધારાનું પાણી કાઢી નાખો. આ પ્રોસેસને પચીસ વાર રિપીટ કરો. છેલ્લે તમને ફેંટેલું ક્રીમી ટેક્સચર જેવું ઘી મળશે. ચાર અઠવાડિયાં સુધી તમે એને ફ્રિજમાં કાચની બૉલીમાં સ્ટોર કરીને વાપરી શકો છો.
ગ્રીન ટી, મધ અને ગ્લિસરિન તથા લીંબુના જૂસને મિક્સ કરીને પણ તમે સ્કિન ક્લેન્ઝિંગ અને નરિંશિંગનું કામ કરતા અફલાતૂન મૉઇશ્ચરાઇઝર બનાવી શકો છો. બે ચમચી ગરમ ગ્રીન ટીનું પાણી, એમાં બે ચમચી ગ્લિસરિન, એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરીને એને બરાબર મિક્સ કરો અને તૈયાર થયેલા મિશ્રણથી ચહેરા પર મસાજ કરો. આ મિશ્રણ પણ મૉઇશ્ચરાઇઝરનું અદ્ભુત કામ કરશે.