Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

કૉમેડી કે વિકૃતિ?

Published : 18 June, 2026 12:29 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

જાહેરમાં અભદ્ર વાત કરનારી વ્યક્તિ ગુનેગાર હોય તો એ સમયે તેને સાંભળીને વધાવનારા ઑડિયન્સનું શું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મેડિકલની વિદ્યાર્થિની સ્ટૅન્ડ-અપ કૉમેડી શોમાં શબના પ્રાઇવેટ પાર્ટ્‍સ પર અસંવેદનશીલ જોક્સ મારે તો બીજી બાજુ એક યુવક ૩૭૦ રૂપિયાની બિરયાની વસૂલ કરવા બદલ યુવતી પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરે અને એમાં કૉમેડિયન અને શોનો હોસ્ટ પાનો ચડાવે. આ ત્રણેયની સોશ્યલ મીડિયા પર બરાબરની ટીકા થઈ છે. તેમના માફી માગતા વિડિયો પણ આવી ગયા અને તેમની પર્સનલ લાઇફમાં પણ એની અસર થઈ, પરંતુ એ સમયે આ ત્રણેય જેટલી જ મજા માણી રહેલા ઑડિયન્સમાં બેસેલા અન્ય લોકોનું શું? ખડખડાટ હાસ્ય અને તાળીઓના ગડગડાટથી આ ત્રણેયને વધાવનારા ઑડિયન્સનું શું? આ કયા પ્રકારની માનસિકતા છે અને આનો ઇલાજ શું એ વિષય પર નિષ્ણાત સાથે વાત કરીએ...

પહેલાં ટૂંકમાં આખી વાત સમજીએ. બન્યું એવું કે એક સ્ટૅન્ડ-અપ કૉમેડી શોમાં ઑડિયન્સમાં બેસેલી મેડિકલની વિદ્યાર્થિની ડૉ. સેજલ પવારે સ્ટૅન્ડ-અપ કૉમેડી શોમાં શબના પ્રાઇવેટ પાર્ટ્‍સ પર અસંવેદનશીલ જોક્સ કર્યા. આ જ શોમાં હિમાંશુ જાંગડા નામના યુવાને પહેલી જ વાર ડેટ પર ગયા પછી છોકરીને ૩૭૦ રૂપિયાની બિરયાની ખવડાવ્યા પછી તેનો શારીરિક લાભ લઈને વસૂલ કરવાની અણછાજતી કમેન્ટ કરી. ત્રણ મહિના પહેલાં યોજાયેલા આ શોના આ બન્ને વિડિયો વાઇરલ થતાં સોશ્યલ મીડિયા પર ચકચાર મચી ગઈ. મહિલાઓના હક માટે લડતી સંસ્થાઓથી લઈને ડૉક્ટર્સ અસોસિએશન અને મુખ્ય પ્રધાન સુધ્ધાંએ આ વિષય પર પ્રતિક્રિયા આપી. લીગલ અૅક્શન પણ લેવાઈ. હિમાંશુ જાંગડાની નોકરી ગઈ. સેજલ પવારને સસ્પેન્ડ કરાઈ. શોના હોસ્ટ પ્રણિત મોરેનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ સસ્પેન્ડ થયું વગેરે વગેરે. જોકે આ થઈ રહ્યું હતું ત્યારે ઑડિયન્સ તરીકે બેસેલા લોકો સભાખંડમાં ખડખડાટ હસી રહ્યા હતા. તાળીઓના ગડગડાટ થકી આવી અભદ્ર વાતો કરનારા લોકોને ચાનક ચડાવી રહ્યા હતા. તો શું આ લોકો પણ સરખી માત્રામાં જવાબદાર નથી? આ આખી ઘટના સમાજની કઈ માનસિકતાનું પ્રતિબિંબ છે એ વિષય પર જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી સાથે વાત કરીએ.



શૉક, શેમ ઍન્ડ ગેટ ફેમ


થોડાક મહિનાઓ પહેલાં સેંકડો અગ્રણી લોકોના ઇન્ટરવ્યુ કરી ચૂકેલો ટૉપનો ઇન્ફ્લુઅન્સર રણવીર અલાહબાદિયા એક ઍડલ્ટ શોમાં કેટલીક વાહિયાત કમેન્ટ કરતો હોય એવો વિડિયો વાઇરલ થયો હતો, જે પણ નૅશનલ ન્યુઝ બની ગઈ હતી. એ વખતે પણ શોના અન્ય હોસ્ટથી લઈને અન્ય તમામ ઑડિયન્સ ખડખડાટ હસી જ રહ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા પછી લોકો નકારાત્મક પ્રતિક્રિયા આપે છે, પરંતુ જ્યારે કાર્યક્રમમાં આ વાત કહેવાઈ રહી છે ત્યારે કેમ કોઈને એની ગંભીરતા નથી સમજાતી? સ્ટૅન્ડ-અપ કૉમેડી કે ઍડલ્ટ કૉમેડીના નામે જે કંઈ ચાલી રહ્યું છે એ ખરેખર શું સૂચવે છે? જવાબમાં ડૉ. હરીશ કહે છે, ‘આવા અસંવેદનશીલ લોકોને એ નથી સમજાતું કે કાલ સવારે આપણી પોતાની ડેડ બૉડી પણ આ જ રીતે દુનિયા સામે આવવાની છે. બસ, જે કંઈ પણ અજુગતું કર્યું એને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવાનું ભૂત સવાર છે. હું તો કહીશ કે આ કોઈ અચાનક બોલાઈ ગયેલી વાત નથી, પરંતુ સસ્તી લોકપ્રિયતા મેળવવાનો એક સુનિયોજિત પ્લાન હતો. આજકાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થવા માટે શૉક, શેમ ઍન્ડ ફેમનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે. તમે પહેલાં લોકોને શૉક એટલે કે આઘાત આપો, શેમફુલ એટલે કે શરમજનક વ્યવહાર કરો અને ફેમ મેળવો. ન્યુઝ-ચૅનલો પણ ટીઆરપીની રેસમાં આવાં નકારાત્મક તત્ત્વોને વધુ પડતી પબ્લિસિટી આપીને આ વર્બલ ઍટમબૉમ્બને દર્શકો સુધી પહોંચાડે છે. બીજું, સોશ્યલ મીડિયા પર ટ્રોલ થયા પછી આ લોકોએ જે માફી માગી એમાં પણ કોઈ સચ્ચાઈ કે પ્રામાણિકતા નહોતી. આ પણ એક દેખાડો હતો. લોકોને બસ પોતાની ઓળખ બનાવવી છે. સસ્તી પબ્લિસિટી, નેગેટિવ પબ્લિસિટી વગેરેથી તેમને કોઈ લેવાદેવા નથી. તેમને માત્ર ફેમસ થવું છે.’

ટોળાનો નૈતિક અંધાપો


બોલનારા તો બોલી ગયા, પણ સાંભળનારાઓ પણ એવા ખોવાયેલા હતા કે તેઓ ખડખડાટ હસી શક્યા આવી અભદ્ર વાતો પર? જવાબમાં ડૉ. હરીશ કહે છે, ‘સાઇકોલૉજી આને ધ બાયસ્ટૅન્ડર ઇફેક્ટ તરીકે ઓળખે છે. ટોળાનો નૈતિક અંધાપો. મનોવૈજ્ઞાનિકોના મતે જ્યારે વ્યક્તિ એકલી હોય છે ત્યારે તે કાયદા અને નૈતિકતાથી ડરે છે, પરંતુ જ્યારે તે કોઈ ટોળાનો ભાગ બને છે ત્યારે તેની વ્યક્તિગત નૈતિકતા મરી જાય છે. તેને લાગે છે કે જો આખું ઑડિયન્સ હસે છે, તો હું કેમ ન હસું? હું વિરોધ કરીશ તો લોકો મને આઉટડેટેડ કે કૂલ નહીં સમજે.’

સામાજિક દૃષ્ટિએ જોઈએ તો બદલાઈ રહેલી સમાજવ્યવસ્થામાં લોકો એકલા પડતા જાય છે અને એટલે જ નાની બાબતોમાં પણ તેમને હસી લેવું છે. આ સાઇકોલૉજીની વાત કરતાં ડૉ. હરીશ કહે છે, ‘આજે સમાજની માનસિકતા એટલી વિકૃત થઈ ગઈ છે કે ક્યાંક રસ્તા પર મારામારી થાય તો લોકો બચાવવાને બદલે ઊભા રહીને વિડિયો બનાવે છે. જેમ સ્પેનમાં બુલફાઇટ થાય છે અને ત્યાં કોઈ માણસ મરી જાય તો પણ ઑડિયન્સ હસે છે, બિલકુલ એવું જ અત્યારે થઈ રહ્યું છે. લોકોના મનમાં એટલુ બધું સ્ટ્રેસ ભરેલું છે કે બસ, ગમે તે બહાને હસવાનું મન થાય છે. હસવા માટે ગમે તેવું સાહિત્ય કે ગંદકી મળે તો પણ લોકોને ચાલે છે. આ જ કારણ છે કે સમાજમાં હ્યુમર વેચનારાઓ અને ગૉડમૅન એટલે કે ઢોંગી બાબાઓની સંખ્યા અને નામ ખૂબ વધી ગયાં છે. સમાજ દિવસે-દિવસે અત્યંત ઇન્સેન્સિટિવ થઈ રહ્યો છે. લોકો વચ્ચેનો ઇમોશનલ કૉન્ટૅક્ટ સાવ ઘટી રહ્યો છે અને પરિવાર સાથેનો સંપર્ક પણ ઓછો થઈ ગયો છે. જેને અંગ્રેજીમાં આપણે એલિયનેશન કહીએ છીએ એવું એકલાપણું આજે ચારેય તરફ વ્યાપી ગયું છે. આ એકલતાને કારણે માણસની અંદર રહેલી સહાનુભૂતિ, કરુણા અને દયાભાવ સાવ મરી પરવાર્યાં છે.’

બંધ દરવાજે અને જાહેરમાં ફરક

સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો અત્યારે એવી રીલ વાઇરલ કરી રહ્યા છે કે બંધ દરવાજે મિત્રો આપસમાં તો આનાથી પણ અભદ્ર ભાષામાં વાત કરતા હોય છે, જેના વિશે ખબર પડે તો પરિવાર તેમને ફાંસીએ ચડાવી દે. આ મુદ્દા પર ડૉ. હરીશ કહે છે, ‘‍‍સમજવું જરૂરી છે કે ડાર્ક હ્યુમર અથવા ફ્રસ્ટ્રેશન બહાર કાઢવાનું કામ મિત્રોના ખાનગી વર્તુળ સુધી સીમિત હોવું જોઈએ. જ્યારે તમે એને પબ્લિક પ્લૅટફૉર્મ પર લાવો છો ત્યારે એ હ્યુમર મટીને ડિસરિસ્પેક્ટ અને વિકૃતિ બની જાય છે. જે લોકો દાનમાં મળેલા મૃતદેહોનો આદર નથી કરી શકતા તેઓ ક્યારેય જીવતા દરદીઓ પ્રત્યે સંવેદનશીલ હોઈ શકતા નથી. યાદ રાખો, હેલ્ધી લાફ્ટર એ છે જેમાં કોઈ ગંદકી નથી હોતી. હેલ્ધી લાફ્ટર એને કહેવાય જેમાં માણસ પોતાની જાત પર, પોતાના દોષો પર હસી શકે; પરંતુ આજે પોતાના પર હસવાનું તો સાવ બંધ થઈ ગયું છે અને બીજા પર હસવાની કુટેવ વધી ગઈ છે.’

આ સમસ્યાનું સમાધાન શું?

જેમ અન્ય ક્ષેત્રો માટે નિયમો છે તેમ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન્સ માટે પણ એક ચોક્કસ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર અને આચારસંહિતા હોવી જોઈએ. આજે જેમ ઉત્તર પ્રદેશમાં જિમ ટ્રેઇનર માટે ગાઇડલાઇન્સ છે એમ દરેક માટે હોવી જોઈએ.

ડૉ. સેજલ પવાર જેવી વિદ્યાર્થિની ખરેખર ડૉક્ટર બનવા માટે માનસિક અને નૈતિક રીતે ફિટ છે કે નહીં એની તપાસ થવી જોઈએ.

માત્ર કલાકારોનો જ નહીં, આવી વિકૃતિને પ્રોત્સાહન આપતી ક્લબો અને શોનો પણ સમાજે ખુલ્લેઆમ બહિષ્કાર કરવો જોઈએ.

કાયદાએ આવાં તત્ત્વોને ભારે દંડ અને સજા ફટકારીને એક દાખલો બેસાડવો જોઈએ, જેથી ભવિષ્યમાં કૉમેડીના નામે કોઈ પણ નૈતિકતાની હદ પાર ન કરે.

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 12:29 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK