Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > જો ભારત પર હુમલો થાય અને મોદી નેતા હશે તો અમેરિકા એ જંગમાં કૂદવા તૈયાર છે

જો ભારત પર હુમલો થાય અને મોદી નેતા હશે તો અમેરિકા એ જંગમાં કૂદવા તૈયાર છે

Published : 18 June, 2026 07:16 AM | Modified : 18 June, 2026 07:56 AM | IST | France
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

G7 સમિટ દરમ્યાન અમેરિકા અને ભારત વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠક પછી ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર નરેન્દ્ર મોદીની પ્રશંસાના પુલ બાંધ્યા; નરેન્દ્ર મોદીને ટોટલ કિલર અને એન્જલ ગણાવીને કહ્યું...

ફ્રાન્સના એવિયન શહેરમાં ગઈ કાલે દ્વિપક્ષીય બેઠક પછી મીડિયા સાથે વાતચીત દરમ્યાન નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પ.

ફ્રાન્સના એવિયન શહેરમાં ગઈ કાલે દ્વિપક્ષીય બેઠક પછી મીડિયા સાથે વાતચીત દરમ્યાન નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પ.


ગઈ કાલે ફ્રાન્સમાં G7 સમિટ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ. લગભગ ૧૬ મહિના પછી બન્ને નેતાઓએ બેઠકમાં ટ્રેડ, ડિફેન્સ સહયોગ, પશ્ચિમ એશિયાની તાણભરી સ્થિતિ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકોની સલામતી જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. દ્વિપક્ષીય બેઠક પછી બન્ને નેતાઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી. એમાં ભારતીય પત્રકારે ડોનલ્ડ ટ્રમ્પને સીધો સવાલ પૂછી લીધો હતો કે ‘તમે અવારનવાર કહેતા હો છો કે વાઇટ હાઉસમાં ભારત અને ભારતીયોનો એક બહુ સારો દોસ્ત મોજૂદ છે, પરંતુ તમારા કેટલાક નિર્ણયો ભારતને તકલીફ કરે એવા હોય છે. એવામાં તમે ભારતના લોકો અને નેતાઓને કઈ રીતે વિશ્વાસ અપાવશો?’

એના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું, ‘મને ખબર નથી પરેશાની ક્યાં થઈ રહી છે. હું ફરીથી કહેવા માગું છું કે હું અને અહીં મોજૂદ દરેક વ્યક્તિને ભારત માટે અને આ વ્યક્તિ (નરેન્દ્ર મોદી) માટે બહુ માન છે. અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ-ડીલ હવે અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. ઇન ફૅક્ટ, મિસ્ટર મોદી મારા બહુ જ નજીકના દોસ્ત છે. તેઓ કડક વાટાઘાટકાર છે. જ્યાં સુધી હું પ્રેસિડન્ટ છું, વાઇટ હાઉસમાં મોદીનો એક સારો દોસ્ત હાજર છે. જ્યાં સુધી મોદી લીડર છે, ઇન્ડિયા દરેક ક્ષેત્રમાં મોટી ભૂમિકા ભજવશે. મોદી શાંત, સ્માર્ટ અને ટોટલ કિલર લીડર છે. હું મોદી જેવો શાંત નથી. તેઓ જબરદસ્ત નેગોશિએટર છે. તેઓ ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે અને કોઈ એન્જલ જેવા દેખાય છે, પણ વાસ્તવમાં જેટલા સાલસ દેખાય છે એટલા જ સખત પણ છે. તેઓ તમને ચોંકાવી દેશે. લોકો તેમને બહુ સારા માણસ કહે છે, પણ હું તેમને એવા જબરદસ્ત અને મજબૂત વેપારી કહીશ જે ભારત અને ભારતીયોને ખૂબ પ્રેમ કરે છે.’



ભારતની છેલ્લી મુલાકાત યાદ કરતાં ટ્રમ્પે કહ્યું હતું, ‘મારી ભારતની મુલાકાત બહુ શાનદાર હતી. અમે એક નવા સ્ટેડિયમનું ઉદ‍્ઘાટન કરેલું. મને લાગે છે કે જ્યાં સુધી મોદી નેતા છે, વિશ્વના દરેક ક્ષેત્રમાં ભારત બહુ મોટી ભૂમિકા ભજવશે. ભારત અને અમેરિકાના સંબંધો ઔપચારિક કરારો સુધી સીમિત નથી, પરંતુ બન્ને દેશો વચ્ચે ઊંડો વિશ્વાસ અને ભાગીદારી છે. જ્યાં સુધી મોદી વડા પ્રધાન છે, ભારત પર કોઈ અટૅક કરશે તો અમેરિકા ભારત માટે જંગમાં કૂદવા તૈયાર છે. ભલે આ બાબતમાં કોઈ લેખિત કરાર ન હોય. કોઈ બીજા નેતા હશે તો હું કંઈ કહી શકું એમ નથી.’
બેઠક દરમ્યાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં ડોનલ્ડ ટ્રમ્પના પ્રયાસોની સરાહના કરી હતી.


G7 આઉટરીચ સમિટમાં IMPACT પહેલનો પ્રસ્તાવ મૂકીને નરેન્દ્ર મોદીએ કહ્યું... વૈશ્વિક નાણાસંસ્થાઓએ વિકાસશીલ દેશોને વૈશ્વિક આંચકાઓનો સામનો કરવામાં મદદ કરવી જોઈએ 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G7 આઉટરીચ સમિટમાં ઇન્ટરનૅશનલ મૉબિલાઇઝેશન પાર્ટનરશિપ ફૉર એક્સેલરેટિંગ કનેક્ટિવિટી ઍન્ડ ટ્રેડ (IMPACT) પહેલનો પ્રસ્તાવ મૂક્યો હતો જેનાથી વિકાસશીલ દેશોને વૈશ્વિક વિક્ષેપોમાંથી આંચકાઓનો સામનો કરવામાં મદદ મળે. તેમણે કહ્યું હતું કે ‘વૈશ્વિક નાણાકીય સંસ્થાઓએ વિકાસશીલ દેશોને આ આંચકાઓનો સામનો કરવામાં મદદ કરવી જોઈએ. મોટા ભાગના સંવેદનશીલ દેશોને કટોકટીનો બોજ એકલા સહન કરવા માટે ન છોડી દેવા જોઈએ.’ ફ્રાન્સમાં G7 સમિટમાં નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ એવી સહાયક મેકૅનિઝમ્સ વિકસાવવી જોઈએ જે વિકાસશીલ દેશોને આ આંચકા શોષવામાં અને આર્થિક સ્થિતિસ્થાપકતા જાળવવામાં મદદ કરે.
યજમાન રાષ્ટ્ર દ્વારા આ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવા બદલ પ્રશંસા વ્યક્ત કરતાં વડા પ્રધાને ઉમેર્યું હતું કે ફ્રેન્ચ G7 પ્રેસિડન્સીએ આ વિષયને મહત્ત્વ આપ્યું છે એ સારું છે. ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ અને એને પરિણામે ઉદ્ભવેલાં વૈશ્વિક ઊર્જા અને આર્થિક સંકટોએ G7 સમિટ પર પ્રભુત્વ જમાવ્યું છે. ઊર્જા-સ્વનિર્ભરતાને કારણે અમેરિકા યુદ્ધની સૌથી ખરાબ અસરોથી પ્રમાણમાં સુરક્ષિત રહ્યું છે ત્યારે ઊર્જા-જરૂરિયાતો માટે પશ્ચિમ એશિયા પર આધાર રાખતા વિકાસશીલ વિશ્વને સૌથી વધુ નુકસાન થયું છે. એશિયા સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશ છે કારણ કે પશ્ચિમ એશિયાનો મોટા ભાગનો ભાગ એશિયન દેશો માટે તેલ અને ગૅસનો મુખ્ય સ્રોત હતો. પશ્ચિમ એશિયાઈ પુરવઠો લગભગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હોવાથી દેશો વૈકલ્પિક પુરવઠો મેળવવા માટે ઝઝૂમી રહ્યા છે.


ફ્રાન્સમાં નરેન્દ્ર મોદીના કાફલાને રોકવાનું ખાલીસ્તાનીઓનું કાવતરું નિષ્ફળ
G7 સમિટના વેન્યુ પાસે જ ભારતીય વડા પ્રધાનના કૉન્વોયને ઘેરવા ટાંપીને બેઠેલા સિખ ફૉર જસ્ટિસના સમર્થકોની ફ્રાન્સ પોલીસે અરેસ્ટ કરી

ફ્રાન્સમાં ચાલી રહેલા G7 શિખર સંમેલનના સ્થળની નજીકથી ફ્રાન્સની પોલીસે સિખ ફૉર જસ્ટિસ (SFJ) નામના પ્રતિબંધિત સંગઠનના સમર્થકોની ધરપકડ કરી હતી. ફ્રાન્સની ખુફિયા એજન્સીને જાણકારી મળી હતી કે આ ખાલિસ્તાનીઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવાનું કાવતરું ઘડીને બેઠા હતા. ફ્રાન્સની પોલીસના કહેવા અનુસાર નરેન્દ્ર મોદી અને કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની વચ્ચે બેઠક થઈ એ પછી ખાલિસ્તાનસમર્થકો વિરોધ–પ્રદર્શન કરવાના હતા અને નરેન્દ્ર મોદીને ઘેરવાના હતા. ફ્રાન્સની એજન્સીઓએ આ માહિતીના આધારે ખાલીસ્તાનીઓના જૂથને પકડી લીધું હતું. અધિકારીઓએ કેટલા લોકોને પકડ્યા છે એની જાહેરાત કરી નહોતી. જોકે આ કાર્યવાહીને ફ્રાન્સ અને ભારતના મજબૂત સંબંધોનું ઉદાહરણ માનવામાં આવે છે. સિખ ફૉર જસ્ટિસ (SFJ) એ અલગ ખાલિસ્તાનની માગણી કરતું સંગઠન છે. ૨૦૦૭માં એની સ્થાપના થઈ હતી અને આતંકવાદી જાહેર થયેલો ગુરપતવંત સિંહ પન્નુ SFJના સંસ્થાપકોમાંનો એક છે. 

ડોનલ્ડ ટ્રમ્પની ઈરાનને ફરી ચેતવણી : કરાર પસંદ નહીં આવે તો અમે બૉમ્બમારો કરીશું

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા તાજેતરના કરાર પર દુનિયાની નજર છે ત્યારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ઈરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે બન્ને દેશો વચ્ચેનો કરાર હજી અંતિમ નથી અને જો ઈરાન સંમત શરતોનું પાલન નહીં કરે તો અમેરિકા ફરી લશ્કરી કાર્યવાહી કરવામાં અચકાશે નહીં. ટ્રમ્પનું આ નિવેદન સૂચવે છે કે બન્ને દેશો વચ્ચેનો તનાવ સંપૂર્ણપણે ઓછો થયો નથી. ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ કરાર અંતિમ છે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે ના, એ અંતિમ નથી. તેમણે કહ્યું હતું કે ‘એ હાલમાં એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ છે. જો મને એ ગમશે નહીં તો અમે ફરીથી તેમના પર ગોળીબાર શરૂ કરીશું. અમે ફરીથી તેમના પર બૉમ્બ ફેંકીશું. જો ઈરાન કરારની શરતોનું પાલન નહીં કરે તો અમેરિકા ફરી લશ્કરી કાર્યવાહી કરી શકે છે.’ ટ્રમ્પના આ નિવેદનને ઈરાન માટે સીધી ચેતવણી માનવામાં આવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 07:56 AM IST | France | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK