Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૈલાસ-માનસરોવરની કઠિન યાત્રા કરીને આવ્યા આ મુંબઈગરા ભક્તિ, દૃઢ સંકલ્પ અને શ્વાસના નિયંત્રણથી

કૈલાસ-માનસરોવરની કઠિન યાત્રા કરીને આવ્યા આ મુંબઈગરા ભક્તિ, દૃઢ સંકલ્પ અને શ્વાસના નિયંત્રણથી

Published : 18 June, 2026 09:45 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

આ ગ્રુપમાં સામેલ ૭૧ વર્ષનાં બાએ પણ કૈલાસનાં દર્શન કર્યાં

કૈલાસ-માનસરોવરની યાત્રા પર ગયેલું ગ્રુપ. કોકિલા જોશી દીકરી ડૉ. અમીષા દુબે સાથે.

કૈલાસ-માનસરોવરની યાત્રા પર ગયેલું ગ્રુપ. કોકિલા જોશી દીકરી ડૉ. અમીષા દુબે સાથે.


સાગા દાવા ફેસ્ટિવલ અને હૉર્સ યરના શુભ સંયોગને લીધે આ વર્ષે કૈલાસ-માનસરોવરની યાત્રામાં અસાધારણ ભીડ જોવા મળી રહી છે. યાત્રાળુઓનો ધસારો અને બદલાતા હવામાનને જોતાં ચીને અનેક શ્રદ્ધાળુઓની પરમિટ રદ કરી હોવાના સમાચાર વચ્ચે મુંબઈથી ૧૮ જણનું ગ્રુપ સફળતાપૂર્વક યાત્રા પૂરી કરીને ભારત પાછું આવી ગયું છે. આ ગ્રુપમાં સામેલ ૭૧ વર્ષનાં બાએ પણ કૈલાસનાં દર્શન કર્યાં

સાગા દાવા ફેસ્ટિવલ અને હૉર્સ યરના શુભ સંયોગને કારણે આ વર્ષે કૈલાસ-માનસરોવરની યાત્રામાં અસાધારણ ભીડ જોવા મળી રહી છે. યાત્રાળુઓની સંખ્યા વધી જતાં અને હવામાનની અનિશ્ચિતતાને લીધે ચીને અનેક શ્રદ્ધાળુઓની પરમિટ રદ કરી હોવાના સમાચાર વચ્ચે બાવીસ શ્રદ્ધાળુઓના જૂથે ઇન્ડો-નેપાલના રસ્તે આ પવિત્ર યાત્રા શરૂ કરી હતી. એમાંથી ૧૮ સભ્યોએ સફળતાપૂર્વક યાત્રા પૂરી કરી હતી. યાત્રામાં સામેલ ૭૧ વર્ષનાં દાદીએ પણ સંકલ્પ અને આત્મવિશ્વાસ સાથે કૈલાસનાં દર્શન કર્યાં હતાં. મુંબઈનું આ ગ્રુપ ૩૧ મેએ નેપાલ જવા રવાના થયું હતું અને ૧૧ જૂને તેઓ પાછા આવ્યા હતા.




 નિખિલ વ્યાસ પત્ની અંકિતા સાથે.

તારાના રૂપમાં દેવી-દેવતાનાં દર્શન


‘મિડ-ડે’ સાથે વાત કરતાં બોરીવલીનાં ૭૧ વર્ષનાં કોકિલા જોશીએ જણાવ્યું હતું કે ‘કૈલાસ-માનસરોવરની યાત્રા માત્ર પ્રવાસ નથી; શ્રદ્ધા, ધીરજ અને આત્મબળની કસોટી છે. શિવનાં દર્શન કરવાની મારી ઇચ્છા અઢી દાયકા પછી પૂરી થઈ છે. પચીસ વર્ષ અગાઉ માત્ર ભારત સરકારની દેખરેખ હેઠળ યાત્રા થતી. અમે બે વખત અપ્લાય કર્યું હતું. એક વાર લકી ડ્રૉમાં મારી એકલીનું નામ નીકળ્યું અને બીજી વાર મારા હસબન્ડનું નામ આવ્યું. અમારે સાથે જવું હતું એટલે કૅન્સલ કર્યું. ૨૦૧૯માં પતિનો સાથ ગુમાવી દીધો. દીકરી અમીષા અને તેના ડૉક્ટરમિત્રોના ગ્રુપે કૈલાસ-માનસરોવરની યાત્રા પ્લાન કરી હતી. અમીષાએ કહ્યું કે પપ્પા સપનામાં આવ્યા છે, તેઓ સદેહે નહીં પણ આત્માની સાક્ષીએ આપણી સાથે રહેશે. ત્યાર બાદ હું તેમની સાથે જોડાઈ ગઈ. આ આધ્યાત્મિક યાત્રા પતિ સાથે પૂરી કરી હોવાનો અહેસાસ થયો. છેલ્લાં ૪૫ વર્ષથી પ્રાણાયમ અને યોગ કરું છું એટલે યાત્રા દરમ્યાન કોઈ તકલીફ નહોતી થઈ. નાના-નાની પાર્ક, બ્રાહ્મણ સમાજના મહિલા મંડળ સહિત અનેક ગ્રુપમાં ઍક્ટિવ છું. નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઉં છું એટલે ફિટનેસને લઈને ચિંતા નહોતી. મારી ઇચ્છા પદયાત્રાની હતી, પરંતુ ઉંમરને લીધે દીકરીએ ના પાડતાં ઘોડો કર્યો હતો. કૈલાસ પર્વતનાં અદ્ભુત દર્શન થયાં. માનસરોવરમાં રાત્રિરોકાણ વખતે આકાશ એકદમ સ્વચ્છ હતું. તારા નીચે આવતા હોય અને પછી પાછા ઉપર જતા હોય એવું નજરે દેખાય. માન્યતા છે કે દેવી-દેવતાઓ તારાના રૂપમાં માનસરોવરમાં સ્નાન કરવા આવે છે. પવિત્ર અધિક માસમાં માનસરોવરના જળનો સ્પર્શ કરવા મળ્યો એનો સૌથી વધુ આનંદ થયો.’

ચાલીને યાત્રા કરી

કોકિલાબહેનનાં દીકરી ડૉ. અમીષા દુબેએ કહ્યું હતું કે ‘બાવીસ જણમાંથી ૮ મીરા રોડના ડૉક્ટર હતા. સાગા દાવા ફેસ્ટિવલને તિબેટિયનોનો મહાકુંભ કહી શકો. ભીડને લીધે પાંચ દિવસનો બૅકલૉગ હતો. એ દિવસોમાં બૌદ્ધ સાધુઓ અને ચીનના નાગરિકો સિવાય કોઈને જવા નહોતા દેતા. અમારા ઑપરેટરે ફ્લાઇટની ટિકિટ મોડી કઢાવી હતી છતાં એક દિવસનો બૅકલૉગ નડ્યો હતો. જે યાત્રાળુઓએ આ ધ્યાનમાં નહોતું રાખ્યું તેઓ હેરાન થયા. અમારી ૧૧ દિવસની યાત્રા નિર્વિઘ્ને પૂરી થઈ. હું અને મારી એક ડૉક્ટરમિત્રના પતિ અવિનાશ સિંહે ચાલીને યાત્રા કરી હતી. બાકીના મેમ્બરોએ ઘોડા કર્યા હતા. વાસ્તવમાં આ યાત્રા પગની નહીં, શ્વાસની છે. હાઈ ઍલ્ટિટ્યુડ અને હવામાન પરિવર્તનમાં પ્રાણાયમ સૌથી મોટો આધારસ્તંભ છે. આવી યાત્રામાં કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માનસિક રીતે સજ્જ હોવું જોઈએ. ઘોડા સાથે ચાલે એટલે મમ્મીની ચિંતા નહોતી, પણ ચાલીને યાત્રા કરવાવાળા બે જણ હતા એટલે તેમને મારી વધુ ચિંતા થતી. યાત્રાની શરૂઆત નેપાલના હિલસા અને તિબેટ બાજુ પુરંગથી થાય છે. નદી ક્રૉસ કરો એટલે ચીનના તાબામાં આવેલા તિબેટમાં પહોંચી જાઓ. માનસરોવર કૈલાસની તળેટીમાં છે. મોટા ભાગના શ્રદ્ધાળુઓ રાત રોકાય છે. યમદ્વારથી મુખ્ય પરિક્રમા શરૂ થાય. પ્રથમ દિવસે દ​િક્ષણ દિશા, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશામાંથી કૈલાસનાં દર્શન થાય. ૮૦ ટકા યાત્રા અહીં પૂરી થઈ જાય છે. ઘોડા પર ૩ કલાક અને ચાલતા ૬ કલાક થાય. બીજા દિવસની યાત્રા અઘરી છે. ૧૮,૦૦૦ ફુટની ઊંચાઈ અને માઇનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં ચાલવામાં મુશ્કેલી નડી. ઉત્તર-પૂર્વ દિશામાંથી કૈલાસનો વ્યુ ઓછો દેખાય છે. ઘણા લોકો પ્રથમ દિવસ પછી યાત્રા છોડી દે છે. ચીનના અધિકારીઓ ઑક્સિજન-લેવલ માપે છે. ઘણાને આગળ જવાની પરવાનગી નથી આપતા. આ રૂટ પર ઘોડા સ્લિપ થવાની ઘટનાઓ બને છે. ત્રીજા દિવસની પરિક્રમા સહેલી છે. આપણી અને ચીનની ગણતરીમાં ફરક છે. તેમના હિસાબે આખી યાત્રા ૫૪ કિલોમીટરની છે. થીજી જવાય એવી ઠંડી અને સુસવાટા મારતા પવન છતાં અમારી યાત્રા સુખદ રહી.’

ડિવાઇન અનુભવ

બાવીસ જણના ગ્રુપમાં કાંદિવલીમાં રહેતા મુંબઈ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના સભ્ય નિખિલ વ્યાસ, તેમનાં પત્ની અંકિતા વ્યાસ અને અંધેરીમાં રહેતા તેમના ભાઈ હિતેષ સામવેદી પણ જોડાયાં હતાં. પોતાનો અનુભવ વર્ણવતાં નિખિલભાઈએ જણાવ્યું હતું કે ‘કૈલાસયાત્રામાં ૩ ધર્મનો સંગમ જોવા મળે છે. હિન્દુ સનાતનીઓ, બૌદ્ધિષ્ઠ અને જૈનોના તીર્થંકર ઋષભદેવનું કૈલાસ સાથે કનેક્શન છે. માઉન્ટ એવરેસ્ટ કૈલાસ કરતાં ઊંચો છે છતાં લોકો એવરેસ્ટ ચડી શકે છે પણ કૈલાસ પર્વતની ટોચ પર જઈ નથી શકતા. આ બતાવે છે કે સનાતન ધર્મ સામે વિજ્ઞાન પણ નાક રગડે છે. સમસ્ત બ્રહ્માંડમાં શિવનો નાદ ગુંજે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ​મહાદેવજી તમને રાતોરાત બોલાવતા નથી. સતત ઓમનો ઉચ્ચાર કરો, એનો અવાજ બ્રહ્માંડમાં ફરતો થાય ત્યારે બુલાવો આવે છે. હું બીજી વાર ગયો હતો. ૨૦૧૭માં પહેલી વાર એકલો ગયો હતો. ત્યારે મારું ધ્યાન યાત્રા પૂરી કરવા પર હતું. આ વખતે સંકલ્પ કર્યો હતો કે યાત્રા પૂરી થાય કે ન થાય, ધ્યાન મહાદેવજીમાં લગાવવાનું છે. કૈલાસ-માનસરોવર યાત્રામાં શારીરિક ક્ષમતા કરતાં શ્વાસ પરનું નિયંત્રણ અને માનસિક દૃઢતા વધુ મહત્ત્વનાં ગણાય. શ્વાસની ગતિને સંભાળવી અને શ્રદ્ધા જાળવી રાખવી એ જ સૌથી મોટી જીત છે. પ્રથમ દિવસે મારી સાથે અદ્ભુત ઘટના બની. ઝડપથી ચાલતો હતો ત્યાં એક અજાણ્યા દંપતીએ મને રોકીને માતા-પિતાની જેમ ખખડાવ્યો કે ધીમે ચાલ, શ્વાસ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખ. ત્યાર બાદ મને એ દંપતી ક્યાંય નજરે નહોતું ચડ્યું. કૈલાસની યાત્રાએ મને શીખવ્યું કે જીવનમાં લક્ષ્ય પર પહોંચવા કરતાં યાત્રાનો અનુભવ વધુ સુંદર હોય છે. માનસરોવરમાં હંસની જોડી જોઈ. અહીં આવ્યા પછી તમે શરીર અને મનથી ડીટૉક્સ થઈ જાઓ છો. અમને ડિવાઇન અનુભવો થયા છે. જીવનની ભાગદોડને ઘરે મૂકીને શૂન્ય થાઓ તો શિવને મળી શકો.’

કૈલાસ-માનસરોવરની યાત્રા માટે કુલ બાવીસ જણનું ગ્રુપ ગયું હતું જેમાંથી મોટા ભાગના મીરા રોડના હતા. ૧૨ વર્ષનું બાળક અને તેની મમ્મી માનસરોવર સુધીની યાત્રા કરી પાછાં ફરી ગયાં હતાં. એક મેમ્બરને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ થતાં અને એક મેમ્બર પડી જવાથી ગાઇડે તેમને બીજા દિવસની પરિક્રમા વખતે પાછા જવાની સલાહ આપી હતી. ૭૧ વર્ષનાં કોકિલાબહેને બધાનો ઉત્સાહ વધાર્યો હતો.

સાગા દાવા ફેસ્ટિવલ શું છે?

સાગા દાવા બૌદ્ધ ધર્મનો પવિત્ર તહેવાર છે જે તિબેટિયન કૅલેન્ડરના ચોથા મહિનાની પૂનમે ઊજવાય છે. અંગ્રેજી કૅલેન્ડર અનુસાર એ સામાન્ય રીતે જૂનમાં આવે છે. આ તહેવાર ભગવાન ગૌતમ બુદ્ધના જન્મ, બોધિવૃક્ષ નીચે જ્ઞાનપ્રાપ્તિ અને મોક્ષ સાથે સંબંધિત છે. તિબેટના તારપોચેમાં બૌદ્ધ શ્રદ્ધાળુઓ (લામા) પહેલાં બૌદ્ધ ઘડિયાળની દિશામાં ધ્વજસ્તંભની પૂજા કરે છે. ત્યાર બાદ ૫૪ કિલોમીટર લાંબી કૈલાસ-માનસરોવર કોરા (પરિક્રમા) કરે છે. ભારતમાં સિક્કિમની રાજધાની ગૅન્ગટૉકમાં પણ વિશાળ જુલૂસ કાઢવામાં આવે છે જેમાં પરંપરાગત વાજિંત્રો સાથે નૃત્ય થાય છે. માન્યતા છે કે આ સમય દરમ્યાન કરેલાં સારાં કાર્યોનું પુણ્ય અનેકગણું વધે છે. તેથી વિશ્વભરમાંથી હજારો યાત્રાળુઓ કૈલાસ-માનસરોવર પહોંચે છે. આ વર્ષે સાગા દાવા અને હૉર્સ યરના શુભ સંયોગને કારણે યાત્રાળુઓની સંખ્યા વધુ રહી. ચીન અને તિબેટમાં ૨૦૨૬ની ૧૭ ફેબ્રુઆરીથી ૨૦૨૭ની પાંચમી ફેબ્રુઆરી સુધી હૉર્સ યર છે. માન્યતા અનુસાર આ સમયગાળો ઊર્જા, ઝડપી પ્રગતિ, નેતૃત્વ અને પરિવર્તનશીલતાનો છે. કૈલાસ-માનસરોવરમાં અદ્ભુત ઊર્જા છે. દર ૧૨ વર્ષે આવતા હૉર્સ યરમાં એક કોરા કરવી એ ૧૩ કોરા કર્યા બરાબર મનાય છે.

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 09:45 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK