આપણી પાસે કોઈ સિગ્મન્ડ ફ્રૉઇડ નથી, આપણા શ્રેષ્ઠ મનોવિશ્લેષક તો આપણા પ્રિયજનો જ છે
પ્રતીકાત્મક તસવીર
મનોવિશ્લેષક સિગ્મન્ડ ફ્રૉઇડે જ્યારે પોતાની સાઇકોઍનાલિટિક થેરપીની શરૂઆત કરેલી ત્યારે તેમણે એક અદ્ભુત વાત નોટિસ કરી. તેમણે નોંધ્યું કે કોઈ વ્યક્તિ તમારી સામે બેસીને, આંખોમાં આંખો નાખીને જે વાત કરે છે એના કરતાં એ જ વ્યક્તિ સપાટ સૂઈને છત તરફ નજર કરતી હોય ત્યારે તદ્દન અલગ વાતો કરે છે. એક ચિકિત્સક તરીકે સિગ્મન્ડ ફ્રૉઇડ ઇચ્છતા હતા કે દરદીઓ તેમની સામે કશું જ ન છુપાવે, કારણ કે ફ્રૉઇડના મતે સબ-કૉન્શિયસમાં રહેલી એ બાબતો કે આઘાતો જ આપણને બીમાર કરે છે જે આપણે અભિવ્યક્ત નથી કરતા. એટલે ફ્રૉઇડ ઇચ્છતા હતા કે મનોવ્યથા સંભળાવતી વખતે તેમના દરદીઓ સંપૂર્ણ પ્રામાણિક અને મોકળા મને આપવીતી સંભળાવે.
આમ કરવા માટે તેઓ દરદીને પોતાની સામે બેસાડવાને બદલે એક સોફા પર સુવડાવી દેતા. દરદીની નજર ફ્રૉઇડ સામે નહીં, પણ છત તરફ રહેતી અને આ રીતે ફ્રૉઇડ પોતાના દરદીઓની હિસ્ટરી લેતા. તેમની તકલીફો જાણતા. ફ્રૉઇડના અનુભવ પ્રમાણે ક્યારેક આપણી હાજરી જ સામેવાળી વ્યક્તિને અભિવ્યક્ત થતાં અટકાવે છે. આપણી આંખો, જજમેન્ટલ નજર, ચહેરાના હાવભાવ અને બૉડી-લૅન્ગ્વેજને કારણે સામેવાળી વ્યક્તિ મન ખોલીને રજૂ થતાં ડરે છે. આપણાં ડર, દુ:સ્વપ્નો, ચિંતાઓ, અસલામતીઓ, પસ્તાવા કે કબૂલાતની રજૂઆત વખતે સૌથી મોટો અવરોધ સામે રહેલી વ્યક્તિની આંખો હોય છે. આ જ કારણથી કદાચ ‘કન્ફેશન-બૉક્સ’માં પાદરીની સામે કબૂલાત કરતી વખતે એક પડદો રાખવામાં આવે છે. આપણી ભૂલો કે ગુના કબૂલ કરતી વખતે ન તો આપણે પાદરીને જોઈ શકીએ છીએ, ન તો તેઓ આપણને. ક્લાસરૂમમાં શિક્ષક સામે ગુનો કબૂલતી વખતે પણ આપણી નજર નીચી નમી જાય છે. ટૂંકમાં અમુક ચોક્કસ પ્રકારની અભિવ્યક્તિ કે કન્ફેશન માટેની આવશ્યકતા એવી છે કે વ્યક્તિ હાજર હોવી જોઈએ, પણ સામે નહીં.
ADVERTISEMENT
આ જ કારણથી એક નવો કન્સેપ્ટ અસ્તિત્વમાં આવ્યો છે ‘હૉરિઝોન્ટલ’ વાર્તાલાપ. આ એક એવો વાર્તાલાપ છે જેમાં બન્ને વ્યક્તિઓ જમીન કે બેડ પર સપાટ સૂતી હોય અને બન્નેની નજર ઉપર તરફ હોય. ટૂંકમાં એકબીજાની સામે જોઈને વાતો કરવાને બદલે સૂતાં-સૂતાં આકાશ, તારા કે છત તરફ નજર કરીને વાતો કરવાની. એનો શ્રેષ્ઠ ફાયદો છે પ્રામાણિકતા.
અનેક વાર એવું બનતું હોય છે કે સામેવાળી વ્યક્તિનાં એક્સપ્રેશન્સ, નજર કે રિસ્પૉન્સ પરથી આપણી વાતો આપણે ‘એડિટ’ કરવા લાગીએ છીએ. જે આપણે કહેવું છે એ કહેવાને બદલે આપણે એવું કહી દઈએ છીએ જે તેમને સાંભળવું છે. આપણી ભીતર રહેલી અપરાધી, ડરપોક કે વલ્નરેબલ જાત બહુ શરમાળ હોય છે. એ આપણને સતત ડંખ્યા કરે છે, પણ અન્યની સામે આવતાં ડરે છે. આપણા દરેકમાં રહેલી એ અંધકારમય બાજુને પ્રિયજનની હાજરીના પ્રકાશમાં લાવવા માટે આ ‘હૉરિઝોન્ટલ’ વાર્તાલાપ મહત્ત્વનો છે.
મેક નો મિસ્ટેક! આ ‘હૉરિઝોન્ટલ’ વાર્તાલાપ ફક્ત બે પ્રેમીઓ વચ્ચે જ થાય એવું જરૂરી નથી, આ વાર્તાલાપ કુટુંબના દરેક સભ્ય વચ્ચે થઈ શકે છે. પતિ-પત્ની, પપ્પા-દીકરી, મમ્મી-દીકરા કે ઈવન ભાઈ-બહેન વચ્ચે. મનોવિજ્ઞાન કહે છે, આકાશ કે છતને તાકતી વખતે તમે જે કંઈ પણ વાત કરો છો એમાં પૂરી પ્રામાણિકતા રહેલી હોય છે અને માનવસંબંધોને પ્રામાણિકતાથી વધારે સારાં પોષક તત્ત્વો ક્યાંથી મળવાનાં!
રિજેક્ટ થવાના ડર વગર જે પ્રકાશનગૃહમાં આપણાં અપરાધભાવ, અસલામતી, ચિંતા કે અકળામણ પબ્લિશ થાય છે એ સ્થળ આપણું પ્રિયજન હોય છે. ક્યારેક સામેવાળાની નજર આપણને અપારદર્શક બનવા માટે મજબૂર કરી દેતી હોય છે. અને એટલે જ રાતના અંધકારમાં આપણી જાત વધુ પારદર્શક હોય છે. દિવસના અજવાળામાં આપણે જેને નથી ખોલી શકતા એવાં કેટલાંક રહસ્યો રાતના અંધારામાં સરળતાથી ખૂલી જતાં હોય છે. પ્રિયજનોની હાજરીમાં આપણી મૂળ જાત અનાવૃત કરવા માટે તેમની આંખોની ગેરહાજરી જરૂરી હોય છે. ગમતી વ્યક્તિ પાસે આપણી ભૂલો કે નબળાઈઓ રજૂ કરતી વખતે આપણને સૌથી વધારે ડર તેમની આંખોનો લાગતો હોય છે. આ જગતમાં રહેલી પીડાઓથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ એ પીડાઓ કોઈને ન કહી શકવાથી થાય છે. આપણી મનોવ્યથાના વિરેચન માટેનું શ્રેષ્ઠ અને નિકટતમ સ્થળ પ્રિયજનના કાન હોય છે. તો મમ્મી કે પપ્પાની બાજુમાં જઈને સૂઈ જાઓ અને મનમાં રહેલી તમામ પજવતી લાગણીઓ કે બાબતોની અભિવ્યક્તિ કરો. આપણામાં રહેલા સબ-કૉન્શિયસને ‘કૉન્શિયસ’ કરવું એ સારવારની શ્રેષ્ઠ પદ્ધતિ છે. આપણી અનેક માનસિક અને શારીરિક યાતનાઓનાં મૂળ આપણા સબ-કૉન્શિયસમાં રહેલાં છે. આપણી પાસે કોઈ સિગ્મન્ડ ફ્રૉઇડ નથી. આપણા શ્રેષ્ઠ મનોવિશ્લેષક તો આપણા પ્રિયજનો જ છે. ‘શું સતાવે છે?’, ‘શેનો ડર લાગે છે?’, ‘શેની શરમ આવે છે?’, ‘એકલતા શું કામ લાગે છે?’ જજ થવાના ડર વગર આ બધું નિખાલસતાથી કહી શકાય, એટલે ‘હૉરિઝોન્ટલ વાર્તાલાપ’નું મહત્ત્વ છે. આ કોઈ વિચિત્ર સૂચન કે પાગલપન નથી. સ્વજનોની સામે આપણી સંતાઈ ગયેલી જાતને ‘થપ્પો’ કહેવાની યુક્તિ છે. છત કે નભની સાક્ષીએ કહી દીધેલી વાતો આપણને હળવાશ બક્ષે છે. આ જગતના મોટા ભાગના મૂંઝારાની એકમાત્ર સારવાર પ્રામાણિકતા છે. બસ, ત્યાંથી જ આપણા સહુની માનસિક સારવાર શરૂ થાય છે.

