Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સાયનનું ગોકુલઃ જ્યાં નજર ફેરવો ત્યાં કૃષ્ણ જ કૃષ્ણ

સાયનનું ગોકુલઃ જ્યાં નજર ફેરવો ત્યાં કૃષ્ણ જ કૃષ્ણ

Published : 06 June, 2026 12:02 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

મુંબઈનાં યુનિક મંદિરોની યાદીમાં સાયનમાં આવેલા શ્રી ગોપાલકૃષ્ણ મંદિરનો સમાવેશ અચૂક થાય છે. પ્રવેશતાંની સાથે જ જ્યાં નજર ફેરવો ત્યાં ભગવાન કૃષ્ણની લીલાઓ અને વિષ્ણુના દશાવતાર જોવા મળે છે

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી પસાર થતા હો ત્યારે સાયન-ઈસ્ટના ગોકુલ રોડ પર આવેલું આ મંદિર વિઝિટ કરવા જેવું છે.

યુનિક-આઇકૉનિક

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી પસાર થતા હો ત્યારે સાયન-ઈસ્ટના ગોકુલ રોડ પર આવેલું આ મંદિર વિઝિટ કરવા જેવું છે.


મુંબઈમાં સિદ્ધિવિનાયક અને મુંબાદેવી જેવાં મંદિરોની ખ્યાતિ દેશ-વિદેશમાં છે જ, પણ આ વ્યસ્ત અને દોડતા શહેરમાં એક એવું સ્થાન પણ છે જે તમને સીધા દક્ષિણ ભારતના ઉડિપીનાં પવિત્ર કૃષ્ણમંદિરોની ભવ્ય સફર કરાવે છે. સાયન-ઈસ્ટના ગોકુલ રોડ પર ટ્રિનિટી ઇન્ટરનૅશનલ સ્કૂલની લગોલગ આવેલું શ્રી ગોપાલકૃષ્ણ મંદિર મુંબઈના કોલાહલ વચ્ચે અસીમ શાંતિ અને અદ્ભુત કલા-સંસ્કૃતિનો જીવંત નમૂનો છે. આ મંદિરમાં પગ મૂકતાં જ ગોપુરમથી લઈને ગર્ભગૃહ સુધી પહોંચશો ત્યાં બધે જ કૃષ્ણ અને વિષ્ણુનાં દર્શન થશે. આ પવિત્ર અધિક માસમાં આ અદ્ભુત મંદિરની મુલાકાત ચૂકવા જેવી નથી.

કયા સંજોગોમાં થયું નિર્માણ?



આ મંદિરની કહાની અને એના નિર્માણના સંજોગો વિશે માહિતી આપતાં મંદિરના સેક્રેટરી અનંત પોત્તી કહે છે, ‘આ ઇતિહાસને સમજવા માટે પહેલાં BSKBA વિશે જાણવું જરૂરી છે. BSKBA એટલે બૉમ્બે સાઉથ કનારા બ્રાહ્મણ અસોસિએશન. દાયકાઓ પહેલાં આજના કોસ્ટલ કર્ણાટક પ્રદેશમાંથી રોજગારી અને સ્થિરતાની શોધમાં મુંબઈ આવેલા તુલુ સમુદાયના વૈષ્ણવ બ્રાહ્મણોએ ૧૯૨૫માં આ સંસ્થાની સ્થાપના કરી હતી. મુંબઈની ફાસ્ટ લાઇફમાં પોતાના પરિવાર સાથે પરંપરાગત પૂજાપદ્ધતિ, ભજનો અને ધાર્મિક ઉત્સવો ઊજવવા માટે આ સમુદાય પાસે કોઈ ચોક્કસ સ્થાન નહોતું જ્યાં આખો સમાજ એકત્રિત થઈ શકે. આ જ આધ્યાત્મિક જરૂરિયાત અને અખંડ ભક્તિભાવમાંથી સાયનના આ પરિસરમાં શ્રી ગોપાલકૃષ્ણ પબ્લિક ટ્રસ્ટ અંતર્ગત શ્રી ગોપાલકૃષ્ણ મંદિરના નિર્માણનો પાયો ૧૯૬૨માં નખાયો. એ સમયે ઉડિપીના તીર્થસ્વામીએ ખાસ મુંબઈ આવીને મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. એ સમયે મંદિર ખૂબ નાનું હતું અને સાથે એક નાનો હૉલ હતો જેમાં સમાજના સામાજિક-ધાર્મિક કાર્યક્રમો પાર પડતા હતા.’


રીડેવલપમેન્ટ

સમય જતાં સંસ્થાના પ્રેસિડન્ટ ડૉ. સુરેશ રાવને લાગ્યું કે મંદિરનું કદ વ્યવસ્થિત અને મોટું હોવું જોઈએ. તેમના આ દૂરંદેશી વિઝનને લીધે મંદિરના રીડેવલપમેન્ટનો પાયો ૨૦૧૭માં નખાયો અને ૨૦૧૮ની ૧૩ જૂને એનું ભૂમિપૂજન થયું. રીડેવલપમેન્ટના આ સમયગાળા દરમ્યાન કૃષ્ણ ભગવાનની મૂળ મૂર્તિને સંસ્થા દ્વારા નવી મુંબઈના નેરુળ ખાતે ચાલતા વરિષ્ઠ નાગરિકો માટેના હોમ આશ્રયમાં રખાઈ હતી. ત્યાર બાદ ૨૦૨૨માં મંદિરનું કામ પૂરું થતાં ફરીથી પૂરા વિધિવિધાન સાથે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરીને વિગ્રહની સ્થાપના કરવામાં આવી.


સાયનમાં ‘ગોકુલ’નો ઉદય

આખા મુખ્ય ભવન અને વિશાળ પરિસરને ગોકુલ નામ આપવામાં આવ્યું છે. જેમ દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણનું ગોકુલ ભક્તિ, આનંદ, ગૌમાતાની સેવા અને દિવ્યતાથી છલકાતું હતું બરાબર એવી જ રીતે મુંબઈનો આ ગોકુલ પરિસર પણ ભક્તો માટે પવિત્ર આશ્રયસ્થાન છે. રીડેવલપમેન્ટ બાદ આ પરિસરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને એના પર ૭ માળનું આખું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. એમાં કમ્યુનિટીના લોકોને રહેવાની ઉત્તમ વ્યવસ્થા અને સામાજિક કાર્યક્રમો માટે સુંદર હૉલની વ્યવસ્થા રાખવામાં આવી છે.

અદ્ભુત સ્થાપત્યકળા

આ નવનિર્મિત મંદિરને એવી અદ્ભુત અને કલાત્મક સાઉથ ઇન્ડિયન શૈલીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ભક્ત અંદર પ્રવેશે એટલે તેની આંખો અંજાઈ જાય. મંદિરના ભવ્ય સ્તંભો, નકશીદાર દીવાલો અને છત પર ભગવાન કૃષ્ણની મનમોહક બાળલીલાઓ, માખણચોરીના પ્રસંગો, કાલિયામર્દન, ભવ્ય રાસલીલા અને ભગવાન વિષ્ણુના અવતારોને અત્યંત સુંદર કોતરણી દ્વારા કંડારવામાં આવ્યા છે. આ વિશેષ નકશીકામ ખાસ કર્ણાટકના કુશળ કલાકારો પાસેથી કરાવવામાં આવ્યું છે. મંદિરની છત અને મુખ્ય દરવાજા અસલ સાગનાં લાકડાનાં છે જેમાં કોતરણી કરીને કૃષ્ણજીવનના વિવિધ પ્રસંગો જીવંત કરવામાં આવ્યા છે. ગર્ભગૃહની સામે નાનો તીર્થમંડપ બનાવવામાં આવ્યો છે. નામ પ્રમાણે જ તીર્થમંડપ એ મુખ્ય સ્થાન છે જ્યાં ગર્ભગૃહમાં ભગવાનના કળશ અભિષેક અને પૂજા બાદ ભક્તોને પ્રસાદ વહેંચવામાં આવે છે. ઉડિપીની વૈષ્ણવ પરંપરામાં ભગવાનનું તીર્થ ગ્રહણ કરવાનું વિશેષ મહત્ત્વ છે અને આ મંડપ એ વિધિનું કેન્દ્ર બને છે. અહીં બેસીને ભક્તો શાંતિથી વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે છે, ભજન-કીર્તન કરે છે કે ધ્યાન ધરે છે.

ગર્ભગૃહના વિગ્રહનું છે ગુજરાતી કનેક્શન

કર્ણાટકના ઉડિપીમાં કોઈ કૃષ્ણ મંદિરની વિઝિટ કરશો તો તેમના એક હાથમાં વલોણું અને કમરમાં રસ્સી વીંટાળેલી હોય એવા બાળસ્વરૂપનાં દર્શન થશે, પણ સાયનના મંદિરમાં વાંસળી વગાડતા કિશોરવયના કૃષ્ણ તેમની કામધેનુ ગાય સાથે દેખાય છે. આ વિશે વાત કરતાં મંદિરના ટ્રસ્ટી સહાના પોત્તી કહે છે, ‘મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન, હસતા મુખે વાંસળી વગાડતી અને પાછળ ગૌમાતાની સંગાથે રહેલી શ્રીકૃષ્ણની આ મનમોહક મૂર્તિ સંગેમરમરમાંથી બનેલી છે. આ મૂર્તિ એક ગુજરાતી ભક્તે મંદિરને ડોનેટ કરી હતી, જે ઉત્તર ભારતના વિસ્તારમાં ખાસ બનાવડાવવામાં આવી હતી. સામાન્ય રીતે દક્ષિણ ભારતનાં મંદિરોમાં કૃષ્ણની આવી સફેદ આરસની મૂર્તિ જોવા મળતી નથી, જે આ મંદિરને સૌથી યુનિક બનાવે છે. રીડેવલપમેન્ટ વખતે મૂર્તિ મોટી રાખવાનો વિચાર હતો, પરંતુ કોઈ કારણોસર એ શક્ય ન બનતાં જૂના પવિત્ર વિગ્રહની જ પૂજાઅર્ચના અગાઉની જેમ ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત ગર્ભગૃહની બહારની બાજુએ ફરતે કાળા પથ્થરમાંથી કોતરેલી વિષ્ણુ ભગવાનના અવતારોની આશરે ૨૪ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જે ખાસ ઉડિપીથી બનીને આવી છે. મંદિરના મંડપમમાં વિષ્ણુ ભગવાનની ચાંદીથી બનેલી અને ગોલ્ડપ્લેટેડ મૂર્તિઓ રાખવામાં આવી છે, જે ભક્તોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરમાં શુદ્ધતા અને નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે. ગર્ભગૃહની અંદર માત્ર પૂજા કરતા પૂજારીને જ જવાની પરવાનગી છે. પૂજાના નિયમ અનુસાર મહારાજે પણ જ્યારે ગર્ભગૃહમાં પ્રવેશ કરવો હોય ત્યારે ઠંડા પાણીથી સ્નાન કરીને જ જવું પડે છે. રોજ સવારે કળશ અભિષેક, પવિત્ર સૂક્તોના પઠન અને ષોડશોપચાર પૂજા સાથે ભગવાનના દિવસની શરૂઆત થાય છે. ત્યાર બાદ વિષ્ણુ સહસ્રનામ અર્ચના, ધૂપ, પંચારતી એટલે પાંચ જ્યોતથી થતી આરતી અને કપૂર આરતી બાદ થતી મહા મંગલારતીનો લહાવો લેવા જેવો હોય છે. મંદિરની લગોલગ એક રૂમમાં ગૌરી નામની ગાયમાતાને રાખવામાં આવી છે. દરરોજ સવારે કૃષ્ણ ભગવાનને એનું તાજું દૂધ ચડે છે. તેમને દરરોજ ચડતા ફૂલોના હાર પણ અમે અહીં જ બનાવીએ છીએ. ’

તહેવારોમાં જોવા મળે ઉડિપીની ઝલક

તહેવારોની માહિતી આપતાં સહાના પોત્તી કહે છે, ‘ગોકુળાષ્ટમી આ મંદિરનો સૌથી મોટો પાટોત્સવ છે. આ પ્રસંગે ભગવાનના શણગાર માટે અને આખા મંદિરને સજાવવા માટે ખાસ પરંપરાગત સુગંધિત ફૂલો મગાવવામાં આવે છે. મધરાતે થતી ભવ્ય જન્માષ્ટમી પૂજા, અર્ઘ્ય પ્રદાન અને ત્યાર બાદ અપાતા પવિત્ર તીર્થપ્રસાદ માટે હજારો ભક્તોની લાંબી લાઇન લાગે છે. જન્માષ્ટમીના બીજા દિવસે ઊજવાતો આ ઉત્સવ એટલે મુંબઈની પ્રખ્યાત દહીહંડી. કોસ્ટલ કર્ણાટકમાં એને વિટ્લાપિંડી કે મોસરુ કુડિકે પણ કહેવામાં આવે છે. ઉડિપીની પરંપરાગત શૈલીમાં રમાતી આ અનોખી દહીહંડી જોવા માટે દૂર-દૂરથી લોકો સાયન આવે છે. આ ઉપરાંત મંદિરમાં મહાશિવરાત્રિ, શ્રી રામનવમી, નવરાત્રિ, શ્રી નૃસિંહ જયંતી અને દિવાળી દરમ્યાન રોજ થતી વિશિષ્ટ તુલસીપૂજા તેમ જ તુલસી વિવાહની ભવ્ય ઉજવણી થાય છે. મકરસંક્રાન્તિના પવિત્ર દિવસે અહીં સામૂહિક સત્યનારાયણની પૂજા જેવાં ધાર્મિક કાર્યોનું પણ સુંદર આયોજન થાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 12:02 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK