Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: ઘરના ગૅસ-સિલિન્ડરમાં રેગ્યુલેટર બરાબર નહોતું લાગ્યું એટલે બ્લાસ્ટ થયો, ત્રણ જણનાં મોત થયાં

ન્યૂઝ શોર્ટમાં: ઘરના ગૅસ-સિલિન્ડરમાં રેગ્યુલેટર બરાબર નહોતું લાગ્યું એટલે બ્લાસ્ટ થયો, ત્રણ જણનાં મોત થયાં

Published : 06 June, 2026 08:17 AM | Modified : 06 June, 2026 08:41 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુણેના વાઘોલીમાં એક ઘરમાં ગઈ કાલે સવારે ૯.૧૫ વાગ્યે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પુણેના વાઘોલીમાં એક ઘરમાં ગઈ કાલે સવારે ૯.૧૫ વાગ્યે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા. ફાયર-બ્રિગેડના ઑફિસરે કહ્યું હતું કે પ્રાથમિક માહિતી મળ્યા મુજબ ઘરમાંનું પહેલું ગૅસ-સિલિન્ડર ખાલી થઈ જતાં બીજું ગૅસ-સિલિન્ડર લગાડવામાં આવ્યું હતું પણ એનું રેગ્યુલેટર બરોબર બેસાડાયું ન હોવાથી ઘરમાં ગૅસ ફેલાઈ ગયો હતો. એ પછી બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ આગમાં ઘરનું ફર્નિચર, વાયરિંગ, ટીવી, બાથરૂમ-ફિટિંગ્સ, ગીઝર, કિચનની ઘરવખરી બધું બળીને ખાખ થઈ ગયું હતું.  કિચનમાંનાં રેફ્રિજરેટર અને ફર્નિચરને પણ નુકસાન થયું હતું. 

કાંદિવલીના ગણેશ મંદિરની દાનપેટી તોડીને ચોરી કરનારો ટીનેજર પકડાયો



કાંદિવલી-વેસ્ટના ગણેશ મંદિરમાંથી ૧૪ મેએ રાતે દાનપેટી તોડીને એમાંથી ૬૦,૦૦૦ રૂપિયા ચોરાઈ ગયા હતા. એ પછી મંદિરના પદાધિકારીઓએ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.   કાંદિવલી પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને તપાસ કરીને આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં જાણવા મળ્યું હતું કે ચોરીમાં બે યુવકો સંડોવાયેલા હતા અને તેઓ નાયગાવથી ટ્રેનમાં કાંદિવલી આવ્યા હતા. સંપૂર્ણ તપાસ બાદ ૧૯ વર્ષના મુખ્ય આરોપી અરમાન શેખને એકતાનગર ખાડી વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તે માલવણીના રાઠોડી ગામમાં રહે છે. અરમાન શેખ સામે અગાઉ ચાર ગુના નોંધાયા છે જેમાં અન્ય મંદિરોમાં ચોરી, મોટરસાઇકલની ચોરી અને ચાઇલ્ડ અબ્યુઝનો સમાવેશ છે. અરમાનની ધરપકડને લીધે અંધેરીમાં એક વાઇના-શૉપમાં અને બોરીવલીમાં એક મંદિરમાં ચોરીના ગુના પણ ઉકેલાઈ ગયા છે. 


મુંબ્રામાં સગી જનેતાએ એક વર્ષના દીકરાનું ગળું ટૂંપી દીધું

મુંબ્રામાં જીવનબાગમાં રહેતી ૨૬ વર્ષની યુવતીએ ગુરુવારે કોઈ કારણસર ગુસ્સામાં આવીને તેના એક વર્ષના દીકરાનું ગળું ઘરમાં પડેલા કપડાથી ઘોંટી નાખતાં તે બાળકનું મોત થયું હતું. આ ઘટનાની જાણ મહિલાના પતિએ જ પોલીસને કરતાં પોલીસ દોડી આવી હતી. દીકરાની હત્યા કર્યા પછી પણ તે મહિલા ઘરમાં જ બેસી રહી હતી. પોલીસે આવીને બાળકના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યો હતો અને આરોપી માતાની ધરપકડ કરી હતી. તેણે આવું શા માટે કર્યું એની શોધ મુંબ્રા પોલીસ ચલાવી રહી છે. 


બસને ઓવરટેક કરવામાં રિક્ષા ડિવાઇડર સાથે અથડાઇ, ડ્રાઇવરે જીવ ગુમાવ્યો

દહિસર-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગુરુવારે રાતે થયેલા અકસ્માતમાં ૩૪ વર્ષના રિક્ષા-ડ્રાઇવરે જીવ ગુમાવ્યો હતો. દહિસર પોલીસે કહ્યું હતું કે ‘અમે આ અકસ્માતની તપાસ અંતર્ગત CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં જેમાં જણાયું હતું કે દહિસર મેટ્રો સ્ટેશન પાસે ગુરુવારે રાતે ૮.૧૦ વાગ્યે ૩૪ વર્ષના રિક્ષા-ડ્રાઇવર એસ. એસ. ખાડેએ બસને ઓવરટેક કરીને આગળ નીકળવાના પ્રયાસમાં એની બાજુમાંથી રિક્ષા સ્પીડમાં દોડાવી હતી અને કન્ટ્રોલ ગુમાવતાં એ ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ ટક્કરમાં રિક્ષા-ડ્રાઇવરને ગંભીર ઈજા થઈ હતી. તેને હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.’

કલ્યાણ-ડોમ્બિવલીમાં દોડશે પૉડ ટૅક્સીઃ ટૂંક સમયમાં શરૂ થશે ફીઝિબિલિટી સર્વે

મુંબઈ અને થાણે બાદ હવે કલ્યાણ-ડોમ્બિવલીના નાગરિકોને પણ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે પ્રશાસન દ્વારા અત્યાધુનિક પૉડ ટૅક્સી સર્વિસ શરૂ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. કલ્યાણના સંસદસભ્ય ડૉ. શ્રીકાંત શિંદેએ આ પ્રોજેક્ટની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટેનો ફીઝિબિલિટી સર્વે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ શરૂ થતાં કલ્યાણ-ડોમ્બિવલીના નાગરિકોની મુસાફરી અત્યંત સરળ બનશે. સ્થાનિક રહેવાસીઓ લોકલ ટ્રેન અથવા બસમાંથી ઊતર્યા પછી સીધા જ પૉડ ટૅક્સી પકડીને ટ્રાફિક વિના પોતાના ઘર સુધી પહોંચી શકશે. આ સર્વિસ પબ્લિક ટ્રાન્સપોર્ટને લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી પૂરી પાડવામાં મદદરૂપ સાબિત થશે.

ભારત અને અમેરિકા વચ્ચે જુલાઈના મધ્ય સુધીમાં ઐતિહાસિક દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર થશે: પીયૂષ ગોયલ

ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે વિશાખાપટ્ટનમ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા જુલાઈ મહિનાના મધ્ય સુધીમાં દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર કરે એવી પ્રબળ સંભાવના છે. આ કરારથી વૈશ્વિક બજારમાં ભારતના સ્પર્ધક દેશોની સરખામણીએ ભારતીય ઉત્પાદનોને અમેરિકામાં પ્રાધાન્ય મળશે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પણ વાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ભારત સાથે વેપારકરાર ફાઇનલ થવાના સંકેત આપ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે ‘અમે ટૂંક સમયમાં જ એક સારી ડીલ પર પહોંચીશું. ભારતના વડા પ્રધાન મારા સારા મિત્ર છે અને અમારી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે.’

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 08:41 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK