Mumbai: શુક્રવારે સાંજે જુહુ વેસ્ટમાં જેડબ્લ્યુ મેરિયટ હોટેલ પાસે જુહૂ ચોપાટીના દરિયામાં 16 વર્ષના છોકરો ડૂબી ગયો હતો. તેનું મોત નીપજ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai)ના જુહુ ચોપાટી ખાતેથી દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. શુક્રવારે સાંજે જુહુ વેસ્ટમાં જેડબ્લ્યુ મેરિયટ હોટેલ પાસે જુહૂ ચોપાટીના દરિયામાં 16 વર્ષના છોકરો ડૂબી ગયો હતો. તેનું મોત નીપજ્યું હતું. સાંતાક્રુઝ પોલીસના જણાવ્યા અનુસાર છોકરો તેના ત્રણ મિત્રો સાથે દરિયામાં તરવા ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનાની જાણ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી)ને સાંજે 7:31 વાગ્યે કરવામાં આવી હતી. માહિતી મળતાંની સાથે ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમો, લાઈફગાર્ડ્સ, સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને 108 એમ્બ્યુલન્સ સર્વિસ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર (Mumbai) મૃતકની ઓળખ સરફરાઝ ખાન તરીકે થઈ છે. તેના મિત્રો મોહમ્મદ કૈફ ખાન, તકલુફ ખાન અને જવાબુલ ખાન પણ તેની સાથે દરિયે ગયા હતા. ચાર છોકરાઓ મેરિયટ હોટલની પાછળ આવેલ જુહુના દરિયામાં નાહવા પડ્યા હતા.
ADVERTISEMENT
બીએમસી (Mumbai) ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને લાઈફગાર્ડ્સની મદદથી પાણીમાંથી તેને બહાર કઢાયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે કૂપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બાદ ડૉક્ટરોએ કિશોરને મૃત ઘોષિત કરાયો હતો. પરંતુ હજી સુધી એ જાણી શકાયું નથી કે કિશોર કયા કારણોસર ડૂબી ગયો. તેના ચોક્કસ સંજોગો હજુ સુધી જાણી શકાયા નથી. પોલીસે આ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે અને જરૂરી કાયદાકીય ઔપચારિકતાઓ હાથ ધરી રહી છે.
આ દુર્ઘટના (Mumbai)એ ફરી એકવાર દરિયામાં સાહસ કરવાના જોખમો અંગે સવાલ ઉઠાવ્યા છે. ખાસ કરીને ચોમાસાની મોસમ દરમિયાન જ્યારે ભરતીના મોજા ઉછળતા હોય છે એ દરમિયાન બીચ પર જનાર લોકો માટે જોખમ રહેતું હોય છે. સિવિક બોડીએ વારંવાર નાગરિકોને મુંબઈના દરિયાકિનારાની મુલાકાત લેતી વખતે સાવચેતી રાખવા અને સલામતી સલાહોનું પાલન કરવા વિનંતી કરી છે.
થાણેમાં તળાવમાં તરતી વખતે 10 વર્ષના બાળકનું ડૂબવાથી મોત
અગાઉ મે મહિનામાં મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક તળાવમાં તેના મિત્રો સાથે તરી રહેલા 10 વર્ષના છોકરાનું ડૂબી જવાથી મોત થયું હતું એમ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું. આ ઘટના મંગળવારે કાસરવડાવલી પાસે આવેલ મોગરપાડા વિસ્તારના એક તળાવમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર છોકરો તેના મિત્રો સાથે તળાવમાં નાહવા માટે ગયો હતો, જે દરમિયાન તે ડૂબી ગયો હતો.
ભંડારામાં બે બાળકોના ડૂબી જવાથી મોત
આવી જ એક અન્ય ઘટનાની વાત કરીએ તો એપ્રિલની શરૂઆતમાં મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક તળાવમાં બે બાળકો ડૂબી ગયા હતા. આ દુઃખદ ઘટના ભંડારાના તુમસર તાલુકામાં આવેલા રોંઘા ગામમાં બની હોવાનું પોલીસે જણાવ્યું હતું.
