કાલા ઘોડા બ્યુટિફિકેશન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂરો થયો: શનિ-રવિમાં વાહનોના પ્રવેશ પર હશે પ્રતિબંધ
ફાઇલ તસવીર
મુંબઈના કાલા ઘોડા વિસ્તારને નવો ઓપ આપવા માટે હાથ ધરાયેલા કાલા ઘોડા બ્યુટિફિકેશન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂરો થઈ ગયો છે, જ્યારે બીજા તબક્કાની કામગીરી હવે અંતિમ ચરણમાં છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના કૉર્પોરેટર મકરંદ નાર્વેકર સાથે પ્રોજેક્ટ-સાઇટની મુલાકાત લીધા બાદ મુંબઈ BJPના અધ્યક્ષ અમીત સાટમે જણાવ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી આ વિસ્તાર મુંબઈના સૌપ્રથમ સત્તાવાર પેડેસ્ટ્રિયન ઝોન તરીકે ઓળખાશે. મુલાકાતીઓ માટે એન્ટ્રી પૉઇન્ટ્સ પર ખાસ બોલાર્ડ્સ (લોખંડ કે પથ્થરના થાંભલા) લગાવવામાં આવશે. દર શનિવાર અને રવિવારે અહીં વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ હશે. વીક-એન્ડ દરમ્યાન આ વિસ્તારમાં આર્ટ્સ, ક્રાફ્ટ અને સંગીતને લગતી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.’
