હિંસાથી જેનું નામ દુભાય એ હિન્દુ આવી ઓળખ ગ્રંથોમાં પામનાર હિન્દુસ્તાનને સિંધુ સંસ્કૃતિના દેશરૂપે જોવાતો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ભાઈ! તમારું નામ બોલતાં કોઈને ન ફાવે તો નામને તો બદલી ન જ દેવાયને? પણ ભારતમાં એવું ઘણુંબધું બન્યું છે. ચટ્ટોપાધ્યાય અને બંદોપાધ્યાય જેવી બંગાળી સરનેમ અંગ્રેજોને બોલતાં ન ફાવી તેથી ‘ચૅટરજી’ અને ‘બૅનરજી’ થઈ ગયું. બંગાળી સરનેમ ‘બસુ’માંથી બોઝ થયું હતું એવી પણ એક વાત છે.
વ્યક્તિથી આગળ વધીને આ દેશના નામ વિશે પણ એવું જ કંઈક થયું છે. ‘હિન્દુસ્તાન’ શબ્દ ન ફાવ્યો કે ન રુચ્યો અને ભારતનું ‘ભારટ’ થઈ જતું હતું એટલે અંગ્રેજોએ આ દેશને નવું જ નામ આપ્યું ‘ઇન્ડિયા!’ આપણા બંધારણના આમુખમાં તો જબરું લખાયું, ‘ભારત ધૅટ ઇઝ ઇન્ડિયા...’
ADVERTISEMENT
એમ તો ઘણી જગ્યાએ આવા નામાંતરો થયા છે. ભારતના પાડોશી મ્યાનમાર, અગાઉ બર્મા તરીકે ઓળખાતું. ૧૯૮૯માં મ્યાનમારને બર્મા નામ અપાયું. અગાઉનું ઈસ્ટ પાકિસ્તાન પછીથી અલગ દેશની ઓળખ સાથે બંગલાદેશ કહેવાયું. એક વખતનું સિયોમ ૧૯૩૯માં થાઇલૅન્ડ બન્યું. ૧૯૪૬માં એ ફરી સિયોમ બન્યું અને ૧૯૪૮માં ફરી થાઇલૅન્ડ બન્યું. યુરોપમાં પણ હોલૅન્ડ હતું, એ નેધરલૅન્ડ્સ બન્યું. ૨૦૧૬માં ચેક રિપબ્લિક નામ બદલીને ચેકિયા કર્યું હતું. ૨૦૧૮માં આફ્રિકન દેશ સ્વાઝીલૅન્ડનું નામ બદલી ને ઈસ્વાતિનિ કરાયું. નામ બદલવાનાં દરેકનાં પોતાનાં કારણો છે.
હિંસાથી જેનું નામ દુભાય એ હિન્દુ આવી ઓળખ ગ્રંથોમાં પામનાર હિન્દુસ્તાનને સિંધુ સંસ્કૃતિના દેશરૂપે જોવાતો. અંગ્રેજો સિંધુ સંસ્કૃતિને ઇન્ડસ વૅલી સિવિલાઇઝેશન તરીકે ચીતરતા. આમ ઇન્ડસ પરથી તેમણે આ દેશને નવું નામ ઇન્ડિયા આપ્યું. દેશની આઝાદી બાદ તૈયાર થતા નવા બંધારણમાં ‘ભારત’ એવું એક જ નામ રાખવું એવું ઘણા સભ્યોએ સૂચવેલું. ૧૯૪૯ની ૧૮ નવેમ્બરે આ મુદ્દે બંધારણ સભામાં જોરદાર ચર્ચા પણ થઈ હતી. એમાં એચ. વી. કામથે હિન્દુસ્તાન, ભારતવર્ષ, હિન્દ એવું કોઈ એક નામ રાખવા ઑપ્શન પણ આપેલા. શેઠ ગોવિંદદાસે આ વાતને ટેકો આપેલો. ચીની પ્રવાસી હ્યુએન સંગે કરેલાં વર્ણનોનો ઉલ્લેખ કરીને તેમણે ‘ભારત’ નામ રાખવા પર જ ભાર મૂકેલો. સ્વાતંત્ર્યવીરોના ‘ભારત માતા કી જય’ના નારાઓનો ઉલ્લેખ કરી ને પણ કો’કે ભારત નામ રાખવા સૂચવેલું. કે. વી. રાવે તો વળી ટેક્નિકલ પૉઇન્ટ ઉપાડીને કીધેલું કે સિંધુ નદી જ્યારે પાકિસ્તાનમાં ચાલી ગઈ છે પછી એના આધારે આ દેશની ઓળખ ન જ હોઈ શકે! ઘણી દલીલો છતાં મતદાનમાં હાર થતાં ‘ભારત ધૅટ ઇઝ ઇન્ડિયા’ આર્ટિકલ ૧માં કાયમ રહ્યું.
વીતેલાં વર્ષોમાં પ્રાઇવેટ મેમ્બરોએ આ મુદ્દે બિલ રજૂ કર્યાં પણ એ પાસ ન થયાં. સર્વોચ અદાલતમાં આ વિશે અરજીઓ થઈ પણ ‘આ કામ સુપ્રીમનું નથી’ એમ કહીને એ અરજીઓ ૨૦૧૬ અને ૨૦૨૦માં ફગાવી દેવાઈ.
અંગ્રેજોએ શ્રીલંકાનું સિલોન કરી નાખેલું જે આઝાદી બાદ પોતાની સાંસ્કૃતિક ઓળખ સાથે સંલગ્ન માનીને ૧૯૭૩માં સિલોનનું ફરીને શ્રીલંકા નામ થયું. ‘ભારતમાતા’ બોલતાં જે જોમ ચડે એ ‘મધર ઇન્ડિયા’થી ન ચડે. હવે અંગ્રેજો નથી તો તેમણે આપેલી નામ ઓળખાણ પણ કેમ રાખવી? નામ સાથે સંસ્કાર, ઓળખ સંકળાયેલાં હોય છે. આશા રાખીએ કે વિદેશી ફઈબાએ આપેલા નવા નામમાંથી આ દેશને મુક્તિ મળે.
બાકી તો વંદે માતરમ્!


