બંદરોથી પ્રેરાઈને આ ભાઈએ અનાજનો ત્યાગ કરી દીધો હતો. તેમનો દાવો છે કે આવા આહારથી કદી બીમારી નથી આવતી
બુદાન ખાન
કર્ણાટકના બેલગામમાં ૩૪ વર્ષનો બુદાન ખાન છેલ્લાં ૧૦ વર્ષથી માત્ર જંગલનાં પાંદડાં ખાઈને જીવે છે. બંદરોથી પ્રેરાઈને આ ભાઈએ અનાજનો ત્યાગ કરી દીધો હતો. તેમનો દાવો છે કે આવા આહારથી કદી બીમારી નથી આવતી. તેમની જીવનશૈલી ચિકિત્સા-વિશેષજ્ઞો માટે રહસ્ય બની ગઈ છે.
ઘેટાં અને બકરાં પાંદડાં ખાઈને જીવે છે એ બહુ સામાન્ય છે, પણ શું કોઈ માણસ વર્ષો સુધી માત્ર પાંદડાં અને જડીબુટ્ટીઓ પર નિર્ભર રહીને સ્વસ્થ રહી શકે છે? કર્ણાટકના બેલગાવી જિલ્લામાં ઉગાગોલ્લા ગામમાં બુદાન ખાન હોસમાનીનું જીવન આ દાવાને સાચું સાબિત કરે છે. પહાડી પર રહેતા ૩૪ વર્ષના બુદાન ખાને છેલ્લાં ૧૦ વર્ષથી પરંપરાગત ભોજન ત્યાગી દીધું છે. વાંદરાઓને પાંદડાં ચાવતા જોઈને પહેલાં એમની નકલ કરવા માટે તેમણે પાંદડાં ચાખવાનું શરૂ કર્યું. જોકે ધીમે-ધીમે તેમની રુચિ વધતી ગઈ અને તેમણે રોટલી, ભાત અને અન્ય અનાજ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું. હવે તેઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર છે. બુદાન ખાનનું કહેવું છે કે તેઓ જ્યાં રહે છે ત્યાં લગભગ ૨૦૦ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. તે દિવસમાં લગભગ છ વાર પાંદડાનું સેવન કરે છે. પાંદડાં ખાધા પછી ભૂખનો અહેસાસ પણ નથી થતો. હા, જ્યારે તેઓ ગામમાં જાય છે ત્યારે બહુ ઓછી માત્રામાં ચા કે સૂપ જેવું પીણું લે છે, પરંતુ તેમનો મુખ્ય આહાર તો પાંદડાં જ છે. તેમનું કહેવું છે કે જ્યારથી તેમણે પાંદડાંનો આહાર શરૂ કર્યો છે એ પછીથી એક પણ વાર બીમાર નથી પડ્યા અને કદી દવા લેવાની જરૂર નથી પડી. ડૉક્ટરોનું કહેવું છે કે માનવશરીરને એનર્જી માટે સામાન્ય રીતે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફૅટની જરૂર હોય છે જે અનાજ અને અન્ય ચીજોમાંથી મળે છે. આ પારંપરિક આહાર વિના તેમના શરીરને પોષણ કઈ રીતે મળે છે એ વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય છે.


