Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્વજનની વિદાયને જીરવીને માનવતાને મહેકાવી

સ્વજનની વિદાયને જીરવીને માનવતાને મહેકાવી

Published : 10 February, 2026 07:06 AM | Modified : 10 February, 2026 12:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુલુંડના સચિન પુજારા બ્રેઇન-ડેડ થયા બાદ તેમનાં કિડની, લિવર, આંખ અને ત્વચાનું દાન

સચિન પુજારા

સચિન પુજારા


મુલુંડ-ઈસ્ટમાં રહેતા ૪૮ વર્ષના સચિન પુજારાને અચાનક બ્રેઇન-હૅમરેજ બાદ બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના પરિવારજનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં અંગદાનનો ગૌરવભર્યો નિર્ણય લીધો હતો. સચિનનાં મોટાં બહેન ભાવના શેઠે પરિવારની સંમતિ સાથે આ મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં આગેવાની લીધી હતી. બ્રેઇન-ડેડ જાહેર થયા બાદ સચિન પુજારાનાં કિડની, લિવર, આંખ અને ત્વચાનું દાન રવિવારે કરવામાં આવ્યું હતું. આ દાન દ્વારા અનેક ગંભીર દરદીઓને નવી જિંદગી મળવાની આશા જાગી છે. આંખનું દાન અને ત્વચાદાન સાથે મહત્ત્વપૂર્ણ અવયવના દાનને કારણે આ ઘટનાને ‘અંગદાન મહાદાન’ ગણાવવામાં આવી રહ્યું છે.

સચિનનાં બહેન ભાવના શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સચિનને થોડા દિવસ પહેલાં તાવ આવ્યો હતો અને બ્લડપ્રેશર વધતાં મુલુંડની હીરા-મોંઘી હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કર્યા હતા. ગુરુવારે સાંજે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાની તૈયારી જ હતી, પરંતુ એ રાતે તબિયત વધુ બગડી હતી. એ પછી રાતે સાડાત્રણ વાગ્યે તેમનાં સી.ટી. સ્કૅન અને MRI કરાવ્યાં હતાં. ત્યાર બાદ સતત ૨૪ કલાકથી વધુ સમય સુધી સારવાર ચાલી અને શુક્રવારે સચિનને બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવ્યા. એ પછી તાત્કાલિક ડૉક્ટર-સ્ટાફ અને અમારા નજીકનાં સંબંધી હેમા ગાંધીએ અંગદાનની માહિતી આપતાં અમે એ માટે તૈયારી દેખાડી હતી. આ સમગ્ર ઘટના મુલુંડની હીરા-મોંઘી નવનીત હૉસ્પિટલમાં બની હતી. અહીં હૉસ્પિટલના સિનિયર ડૉ. બલબીર સિંહ કોહલી, ડૉ. અનુપમ કર્માકર તથા સમગ્ર સ્ટાફના સહકારથી અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.’



ભાવના શેઠે વધુમાં કહ્યું હતું કે ‘સચિન ભૌતિક રીતે ભલે પરિવારથી દૂર થઈ ગયા હોય, પરંતુ તેનાં અંગો દ્વારા તેઓ અનેક લોકોના શરીરમાં જીવંત રહી શકે છે. ડૉક્ટરો દ્વારા બ્રેઇન-ડેડ જાહેર થયા બાદ કાયદેસર અને ડૉક્ટરના પ્રોટોકૉલ મુજબ અંગદાનની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જરૂરી મેડિકલ તપાસ અને સંકલન બાદ કિડની, લિવર, આંખ અને ત્વચાનું દાન કરવામાં આવ્યું હતું. અંગદાન પૂર્ણ થયા પછી ધાર્મિક વિધિ મુજબ પરિવારને દેહ સોંપી દેવામાં આવ્યો અને રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’


મુંબઈમાં ૨૪ કલાકમાં અંગદાનના ત્રણ કિસ્સા, આ વર્ષમાં દસ અંગદાન થયાં

મુલુંડની હીરા-મોંઘી હૉસ્પિટલમાં સચિન પૂજારાનું અંગદાન થયું એ દિવસે જ નવી મુંબઈની ફોર્ટિસ હૉસ્પિટલમાં ૭૦ વર્ષના વૃદ્ધનાં કિડની, લિવર, કૉર્નિયા અને ત્વચાનું પણ દાન કરવામાં આવ્યું હતું. માહિમની એસ. એલ. રાહેજા હૉસ્પિટલમાં બાવન વર્ષના પુરુષે કિડનીનું દાન કર્યું હતું. એટલે મુંબઈમાં ૨૪ કલાકના ગાળામાં એકસાથે ૩ લોકોએ અંગદાન કરીને અનેક લોકોનો જીવ બચાવ્યો છે. શહેરમાં આ વર્ષે ૧૦ અંગદાન નોંધાયાં છે. એક અંગ-દાતા ૮ જેટલા જીવ બચાવી શકે છે. ગયા વર્ષે ૫૩ અંગ-દાતા હતા.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK