મુંબાદેવી અને બાબુલનાથ બાદ મુંબઈનું સૌથી જૂનું મંદિર કોઈ હોય તો એ છે ધાકલેશ્વર મહાદેવ મંદિર. જગપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર વિશે તો સૌકોઈ જાણે છે પણ અહીં આવેલું ૨૫૦ વર્ષ જૂનું આ મહાદેવ મંદિર રોચક ઇતિહાસ ધરાવે છે.
આ શિવરાત્રિએ ચાલો ધાકલેશ્વર મહાદેવના શરણે
મુંબાદેવી અને બાબુલનાથ બાદ મુંબઈનું સૌથી જૂનું મંદિર કોઈ હોય તો એ છે ધાકલેશ્વર મહાદેવ મંદિર. જગપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર વિશે તો સૌકોઈ જાણે છે પણ અહીં આવેલું ૨૫૦ વર્ષ જૂનું આ મહાદેવ મંદિર રોચક ઇતિહાસ ધરાવે છે. આવતી કાલે શિવરાત્રિ છે ત્યારે આ મંદિર વિશે જાણીએ
દેવાધિદેવ મહાદેવ અને જગતજનની માતા પાર્વતીના મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રિ. જ્યારે આખું બ્રહ્માંડ આ દિવ્ય દંપતીના લગ્નોત્સવને વધાવતું હોય ત્યારે શિવભક્તો માટે આ દિવસ વૅલેન્ટાઇન્સ ડે કરતાં પણ વધુ મહત્ત્વ ધરાવે છે. શિવ-પાર્વતીના સમર્પણની ગાથા આજે પણ જગતને પ્રેમની નવી પરિભાષા શીખવે છે. ૧૫ ફેબ્રુઆરીએ શિવરાત્રી છે ત્યારે મુંબઈના દરેક શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠશે. એવામાં મુંબઈના દરિયાકાંઠે એક એવું સ્થાન છે જેનો ઇતિહાસ જેટલો ભવ્ય છે એટલો જ રોચક પણ છે. મહાલક્ષ્મી મંદિરની લગોલગ આવેલું શ્રી ધાકલેશ્વર મહાદેવ મંદિર મુંબાદેવી અને બાબલુનાથ બાદ મુંબઈનું ત્રીજું સૌથી જૂનું મંદિર છે પણ શહેરની દોડધામમાં આ અમૂલ્ય વારસો ઘણા લોકો માટે હજી અજાણ્યો છે. ચાલો જાણીએ ૨૫૦ વર્ષ જૂની આ વિરાસત, એનું અદ્ભુત સ્થાપત્ય અને ત્યાં થતી મહાશિવરાત્રિની વિશેષ ઉજવણી વિશે.
મંદિરનો ઇતિહાસ
ધાકલેશ્વર મહાદેવ મંદિરના નિર્માણની કથા મુંબઈની સાંપ્રદાદિક સદ્ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. ૧૮મી સદીમાં દાદી નશેરવાનજી નામના એક ઉદાર મહાનુભાવે મહાલક્ષ્મી મંદિર પાસેની જમીન ધાર્મિક અને સખાવતી કાર્યો માટે અર્પણ કરી હતી. તેમના અવસાન બાદ તેમના પુત્ર અરદેશીર દાદી અને ત્યાર બાદ તેમના વંશજોએ આ મિલકતની જવાબદારી સંભાળી. ૧૮૪૫માં કરસેઠજી અરદેશીરે ધાકજી દાદાજીને આ સંપત્તિના મુખ્ય સંચાલક તરીકે નિયુક્ત કર્યા. ધાકજી દાદાજીએ ઈ. સ. ૧૮૩૦થી ૧૮૩૨ દરમિયાન આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું, જે આજે ધાકલેશ્વર મંદિર તરીકે ઓળખાય છે.
ગ્લોબલ આર્કિટેક્ચર
સમુદ્ર કિનારે બનાવવામાં આવેલું આ મંદિર ૧૮૩૨માં તૈયાર થયું હતું જેનો ખર્ચ અંદાજે એ સમયે ૮૦,૦૦૦ રૂપિયા જેટલો થયો હતો. એની ઊંચાઈ અને ભવ્યતા એટલી છે કે સમુદ્રમાં ૨૫ માઇલ દૂરથી પણ એને જોઈ શકાય છે. મુંબઈ હંમેશાંથી વિવિધ સંસ્કૃતિઓનું મિશ્રણ રહ્યું છે અને આ મંદિરનું સ્થાપત્ય પણ કંઈક એવું જ છે. કોકણ વિસ્તારના મંદિરોમાં પ્રવેશદ્વાર પાસે દીપમાળા જોવી સામાન્ય છે. ધાકલેશ્વર મંદિરની બહાર આવેલી આવી બે દીપમાળાઓ એને મહારાષ્ટ્રના પરંપરાગત મંદિરનો દેખાવ આપે છે. મંદિરનું શિખર નાગરી શૈલીમાં બનેલું છે જે ઉત્તર અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતનાં પ્રાચીન મંદિરોમાં જોવા મળે છે. એની ઉપરની કોતરણી અને આકાર ગુજરાતના સોમનાથ કે મોઢેરા જેવાં મંદિરો જેવી છે. જ્યારે આ મંદિર બન્યું ત્યારે મુંબઈ પર બ્રિટિશ શાસન હતું અને વિદેશી આર્કિટેક્ચર શૈલીઓ લોકપ્રિય હતું તેથી મંદિરની રચના પણ એ જ રીતે કરવામાં આવી છે. મંદિરના પિલર્સ પ્રાચીન ગ્રીસના સ્થાપત્ય જેવા છે. એમાં ખાસ પ્રકારની ઊભી લાઇન્સ પણ છે. હિન્દુ મંદિરમાં ગ્રીક શૈલીના આવા સ્તંભ હોવા એ સમયના ઇનોવેટિવ પ્રયોગ હોવાનું કહેવાય છે. મંદિરના દરવાજા કે બારીઓ પર અર્ધગોળાકાર કમાન જોવા મળે છે એ ઇસ્લામિક સથાપત્યથી પ્રેરિત છે. આ સાબિત કરે છે કે મંદિરના નિર્માણ વખતે કોઈ એક જ ધર્મની શૈલીને વળગી રહેવાને બદલે સુંદરતાને પ્રાધાન્ય અપાયું હતું. મંદિરનું ગર્ભગૃહ ૬૦ ફીટ લાંબું અને ૩૦ ફીટ પહોળું છે અને સાથે પ્રદક્ષિણા પથ ૧૬૦ ફીટનો છે. ભક્તો ખૂબ જ શાંતિથી અને ખુલ્લી જગ્યામાં મંદિરની આસપાસ ફરી શકે છે, જે એને કિલ્લા જેવો દેખાવ આપે છે. ધાકલેશ્વર મંદિર શ્રદ્ધાળુ પિતા અને પતિની પોતાના પરિવાર પ્રત્યેની લાગણીઓનું પ્રતિબિંબ છે.
નામ પાછળ છે ઇન્ટરેસ્ટિંગ કથા
ધાકજી દાદાજીએ આ મંદિરનાં પાંચ ગર્ભગૃહને એવી રીતે કંડાર્યાં છે કે જાણે આખો દેવ-પરિવાર અહીં સાક્ષાત બિરાજમાન હોય. મંદિરના મધ્ય ખંડમાં અઢી ફીટનું કાળા આરસનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે અને એની સામે પાર્વતી માતાની પ્રતિમા છે. તેમનો નિત્ય શણગાર થાય છે. આ શિવલિંગ પાછળ એવી કથા છે કે આ શિવલિંગ મળી આવ્યું હતું અને ધાકજી દાદાજીએ મંદિર બનાવીને એની પ્રાણપ્રતિષ્ઠા કરી એટલે એ મહાદેવ ધાકલેશ્વરના નામે ઓળખાયા. હજી એક માન્યતા એવી છે કે અહીં કોળી સંપ્રદાયના લોકોની અતૂટ આસ્થા છે. દરિયાકાંઠે વસેલા આ મંદિરમાં બિરાજમાન મહાદેવને કોળી બંધુઓ પોતાના રક્ષક માને છે. દરિયો ખેડવા જતી વખતે કે કોઈ મોટી આફત સમયે ધાકલેશ્વર મહાદેવની માનતા રાખવાની પરંપરા પેઢીઓથી ચાલી આવે છે. જ્યારે ધાકજી દાદાજીએ આ મંદિર બનાવ્યું ત્યારે સ્થાનિક શ્રમજીવીઓ અને માછીમાર સમુદાયે એને સહર્ષ વધાવ્યું હતું. ધાકલેશ્વર મંદિરમાં પાંચ અલગ-અલગ ખંડ આવેલા છે જે ધાકજી દાદાજીએ તેમના પરિવારના સભ્યોની સ્મૃતિમાં બનાવ્યા હતાં. એમાં ધાકલેશ્વર મહાદેવની ડાબી બાજુના ખંડમાં બિરાજમાન ગણપતિ બાપ્પાનું નામ મયૂરેશ્વર રખાયું છે. આ નામ ધાકજીના પુત્ર મોરેશ્વરના નામ પરથી રાખવામાં આવ્યું છે. ગણપતિ બાપ્પાની બાજુમાં રામેશ્વરી દેવીનો ખંડ છે એ ધાકજીનાં પત્ની રમાબાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. મહાદેવની જમણી બાજુએ હરિનારાયણનું ધામ બનાવાયું છે. એમાં વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની સાથ ગરુડ ભગવાન પણ બિરાજમાન છે. આ નામ તેમણે પોતાના પુત્ર નારાયણના નામથી પાડ્યું છે. બાજુમાં સૂર્યનારાયણની દુર્લભ પ્રતિમા છે. એવું માનવામાં આવે છે કે ઓડિશા અને ગુજરાત પછી સૂર્યદેવની આવી મૂર્તિ માત્ર આ જ મંદિરમાં જોવા મળે છે. ગર્ભગૃહમાં રહેલા આરસનાં આભૂષણો અને કીમતી શીશમ લાકડાના કોતરણીવાળા મખર મંદિરની શોભા વધારે છે.


