શરૂઆતમાં ઘરની બારીમાંથી વેચાતાં કલ્યાણનાં આ વડાં એની ક્વૉલિટીને પગલે ખિડકી વડા તરીકે દાયકાઓ પછીયે સુપરહિટ છે...
ઘરની એક એવી ખિડકી જ્યાંથી બની વડાંની સ્પેશ્યલ બ્રૅન્ડ
ખિડકી વડા, આ નામની જાણ કેટલાને હશે એની જાણ નથી પરંતુ જેઓ કલ્યાણ અને થાણે તરફ રહેતા હશે અથવા તો ત્યાં જતા હશે તેઓ માટે આ નામ નવું નથી. કલ્યાણના સૌથી ઓલ્ડેસ્ટ અને બિગેસ્ટ વડા તરીકે અહીંનાં વડાંની ગણતરી થાય છે. તો ચાલો જાણીએ આખરે એવી તે શું ખાસિયત છે અહીંનાં વડાંની.
ખિડકી વડાના ઓનર શૈલેશ વાઝે કહે છે, ‘હું અને મારો ભાઈ નીલેશ અત્યારે અમારા પપ્પાની ખિડકી વડાની ધરોહર સંભાળી રહ્યા છીએ. અમારા પપ્પાએ ૧૯૬૮ની સાલમાં ખિડકી વડાનો પાયો નાખ્યો હતો. એ સમયે અમારા ઘરની ખિડકી એટલે કે બારી રસ્તા ઉપર પડતી હતી જ્યાંથી મારા પપ્પા ૧૦ પૈસામાં વડાં વેચતા હતા. તેઓ આ વડાંને ખિડકીમાંથી વેચતા હતા એટલે એ ખિડકી નામથી જાણીતાં બન્યાં. આજે અમારાં વડાંની પ્રસિદ્ધિ એટલીબધી વધી ગઈ છે કે અમારી ફ્રૅન્ચાઇઝી પણ અલગ-અલગ જગ્યાએ શરૂ કરી છે. આજે પણ અમારી પાસે એ ગ્રાહકો આવે છે જેઓ બટાટાવડાં જ્યારે ૧૦ પૈસામાં મળતાં હતાં ત્યારથી ખાતા આવ્યા છે. અમારાં બટાટાવડાંની લોકપ્રિયતાનો રાઝ એનો એકસરખો ટેસ્ટ તો છે જ સાથે અમારી સ્પેશ્યલ લસણની ચટણી અને મરચાંના ઠેચાને લીધે લોકોને અમારાં વડાં ખૂબ ભાવી રહ્યાં છે.’
બટાટાવડાં સિવાય અહીં સમોસા, કોથંબીર વડી, આલૂવડી, બ્રેડ કટલેટ અને કોકમ શરબત પણ મળે છે. અહીં ખિડકી વડાની પેસ્ટ પણ મળી રહી છે જેને બટાટાવડાંના સાંજામાં ઉમેરીને લોકો ઘરે પણ ખિડકી વડાનો આનંદ લઈ શકે છે. અહીંના મસાલા વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે.
ક્યાં મળશે? : મેઇન શૉપ : ખિડકી વડા, તિલક ચોક, કલ્યાણ (વેસ્ટ)
ફ્રૅન્ચાઇઝી 1 : ખિડકી વડા, તીન પેટ્રોલ પમ્પ, થાણે
ફ્રૅન્ચાઇઝી 2 : ખિડકી વડા, રામબાગ
લેન-નંબર 4, કલ્યાણ (વેસ્ટ)


