એક ઇન્ટરવ્યુમાં તેણે આ ચર્ચાતા પ્રશ્નનો ખુલાસો કર્યો છે
વાણી કપૂર
વાણી કપૂર ૨૦૧૯માં આવેલી યશરાજ ફિલ્મ્સની ‘વૉર’નો ભાગ હતી. સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં હૃતિક રોશન અને ટાઇગર શ્રોફ પણ હતા. હવે આ ફિલ્મની સીક્વલ ‘વૉર 2’ ૧૪ ઑગસ્ટે રિલીઝ થવાની છે, પણ એમાં વાણી કપૂર નથી. અયાન મુખરજી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘વૉર 2’માં હૃતિક રોશન, એનટીઆર જુનિયર અને કિઆરા અડવાણી જોવા મળશે. ‘વૉર 2’ની રિલીઝની ચર્ચા ચાલી રહી છે ત્યારે આ ફિલ્મમાં વાણીને બદલે કિઆરાને સાઇન કરી હોવાનો મુદ્દો ચર્ચામાં છે. આ ચર્ચા વચ્ચે હાલમાં એક ઇન્ટરવ્યુમાં વાણીએ આ વાતનો ખુલાસો કર્યો છે.
વાણીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘હું ‘વૉર 2’માં નથી કારણ કે એની વાર્તામાં મારું સ્થાન નથી. આ સીક્વલમાં મારા સિવાય ટાઇગર અને સિદ્ધાર્થ પણ નથી. ‘વૉર’માં હું અને ટાઇગર બન્ને મરી ગયાં હતાં એટલે જો ટાઇગર હોત તો જ હું હોત. હું ‘વૉર 2’ની ટીમને શુભેચ્છાઓ પાઠવું છું. હું ખૂબ આભારી છું કે મને ‘વૉર’ જેવી ફિલ્મનો ભાગ બનવાનો મોકો મળ્યો. ‘વૉર 2’ ખૂબસૂરત લાગે છે. આ એક લાર્જર ધૅન લાઇફ ફિલ્મ છે. સમગ્ર ટીમને અભિનંદન.’
‘વૉર’ ૨૦૧૯ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંથી એક હતી. ફિલ્મના જબરદસ્ત ઍક્શન-સીન્સની ખૂબ પ્રશંસા થઈ હતી. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મે દેશભરમાં અંદાજે ૩૧૮.૦૧ કરોડ અને વિશ્વભરમાં ૪૭૧ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.


