સુપ્રીમ કોર્ટે ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જૅકલિન ફર્નાન્ડીઝની અરજી ફગાવી દીધી; દિલ્હી હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો કર્યો ઈનકાર
જૅકલિન ફર્નાન્ડિસ
બોલિવૂડ અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court) ૨૦૦ કરોડ રુપિયાના મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case)માં દાખલ કરાયેલ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (Enforcement Case Information Report - ECIR)ને રદ કરવાની માંગ કરતી તેમની અરજી પર વિચાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સાથે જ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)ના નિર્ણયમાં દખલ કરવાનો ઈનકાર કર્યો છે. આ કેસમાં કથિત છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar)ની સંડોવણી છે અને તે પહેલેથી જ જેલમાં છે.
અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડીઝ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીની દલીલો સાંભળ્યા પછી, ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી બેન્ચે કહ્યું, અમે આ તબક્કે દખલ કરીશું નહીં. સાથે જ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, દિલ્હી હાઈકોર્ટનો ૩ જુલાઈનો આદેશ, જેમાં ECIR રદ કરવાની જૅકલિનની અરજીને ફગાવી દેવામાં આવી હતી, તે અમલમાં રહેશે.
ADVERTISEMENT
શું છે મામલો?
આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે દિલ્હી પોલીસે સુકેશ ચંદ્રશેખર સામે કેસ દાખલ કર્યો. તેના પર ફાર્માસ્યુટિકલ કંપની રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટરો શિવિન્દર સિંહ અને માલવિન્દર સિંહની પત્નીઓ સાથે ૨૦૦ કરોડ રુપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. તેના આધારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate - ED)એ મની લોન્ડરિંગ તપાસ શરૂ કરી અને ECIR દાખલ કરી.
તપાસ દરમિયાન જૅકલિન ફર્નાન્ડીઝનું નામ પણ સામે આવ્યું. EDનો આરોપ છે કે સુકેશે જૅકલિનને મોંઘી ભેટો આપી હતી અને તેની સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. આ જ કારણ છે કે અભિનેત્રીને આ કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું હતું. જૅકલિન ઘણી વખત પૂછપરછ માટે ED ઓફિસમાં હાજર થઈ ચૂકી છે.
અરજી કેમ દાખલ કરવામાં આવી?
અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડીઝની અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે, ED દ્વારા દાખલ કરાયેલ ECIR કાયદેસર રીતે ટકાઉ નથી અને તેને બિનજરૂરી રીતે તેમાં ફસાવવામાં આવી છે. તેણીએ દલીલ કરી હતી ક। તેની સામેનો કેસ નબળો છે અને તેને ફગાવી દેવો જોઈએ. જોકે, દિલ્હી હાઈકોર્ટે જુલાઈમાં તેની અરજી ફગાવી દીધી હતી. આ પછી, તેણીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.
આગળનો રસ્તો શું છે?
સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત ન મળતાં, બોલિવૂડ અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. હવે તેણીને ટ્રાયલનો સામનો કરવો પડશે અને ED દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જોકે, કાનૂની નિષ્ણાતો કહે છે કે જૅકલિન ફર્નાન્ડીઝ પાસે હજુ પણ અપીલ અને જામીન જેવા વિકલ્પો છે.


