ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિન્દુ પરિષદે પણ પૂનમની પબ્લિક ઇમેજને કારણે તેને બદલવાની માગણી કરી છે; કારણ કે મંદોદરીનું ચરિત્ર ગુણ, મર્યાદા અને પત્નીના આદર્શનું પ્રતીક છે
પૂનમ પાંડે
આ વર્ષે દિલ્હીના લાલ કિલ્લા ગ્રાઉન્ડમાં યોજાનાર લવ-કુશ રામલીલામાં રાવણની પત્ની મંદોદરીના રોલ માટે ઍક્ટ્રેસ પૂનમ પાંડેની પસંદગી કરવામાં આવતાં આ પસંદગી વિવાદનો મુદ્દો બની છે. રામલીલામાં પૂનમ પાંડે જેવી બોલ્ડ ઇમેજ ધરાવતી ઍક્ટ્રેસની મંદોદરીની ભૂમિકા માટે પસંદગી કરવાના નિર્ણય સામે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ આ બાબતે પ્રશ્નો ઊભા કર્યા છે. તેમનું કહેવું છે કે કમિટીએ આ નિર્ણય વિશે ફરી વિચાર કરવો જોઈએ. અનેક સાધુ-સંતોનું કહેવું છે કે જે વ્યક્તિ જેવી છે તેને એ જ રોલ આપો, એટલે કે પૂનમને મંદોદરી નહીં પણ શૂર્પણખાનું ચરિત્ર આપો.
ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિન્દુ પરિષદે પણ પૂનમની પબ્લિક ઇમેજને કારણે તેને બદલવાની માગણી કરી છે; કારણ કે મંદોદરીનું ચરિત્ર ગુણ, મર્યાદા અને પત્નીના આદર્શનું પ્રતીક છે.
ADVERTISEMENT
જોકે આ વિવાદ વચ્ચે રામલીલા કમિટીએ સ્પષ્ટ કર્યું છે કે પૂનમ પાંડે જ રામલીલામાં ભૂમિકા ભજવશે. લવ-કુશ રામલીલા કમિટીના અધ્યક્ષ અર્જુન કુમારે આ મુદ્દે મીડિયા સાથે વાત કરતાં કમિટીના વિચારો જણાવ્યા છે.
રામલીલા કમિટીના અધ્યક્ષ અર્જુન કુમારે મીડિયા સાથેની વાતચીતમાં આ મુદ્દે ખુલ્લેઆમ વાત કરી છે અને કહ્યું છે કે ‘દેશમાં એવા ડાકુઓ રહ્યા છે જેમણે પહેલાં જંગલોમાં વસીને લૂંટફાટ કરી અને પછી ચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યા. એવા જૂના ફિલ્મસ્ટાર્સ પણ છે જે આજે મહામંડલેશ્વર બની ગયા છે. બદલાવ આવવો જોઈએ અને સમય સાથે બદલાવ આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં એવો તબક્કો આવે છે જ્યાં તેના જીવનમાં બદલાવ આવે. જો આપણે સમાજને સુધારવા માગીએ તો આપણે પોતાનો દૃષ્ટિકોણ પણ સુધારવો પડશે.’
આ મામલે અર્જુન કુમારે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આ વિવાદ પછી મેં પૂનમ પાંડે સાથે વાત કરી છે. તે રામલીલામાં ભૂમિકા ભજવશે. પૂનમ પાંડેનો ભૂતકાળ જે પણ હોય, રામલીલામાં ચરિત્ર ભજવવાથી અમને આશા છે કે તેનું મન બદલાશે. અમે ઇચ્છીએ છીએ કે પૂનમ પાંડે રામલીલામાં ભૂમિકા ભજવીને પોતાને બદલે.’


