ઉડાન માટેની યોગ્યતાના પ્રમાણપત્ર વિના ઍરલાઇને આઠ રૂટ પર પ્લેન ઉડાડ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
ભારતની બીજા નંબરની સૌથી મોટી ઍરલાઇન ઍર ઇન્ડિયા પર ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ એક કરોડ રૂપિયાનો દંડ ઠોક્યો છે. આરોપ છે કે ઍરલાઇને એક ઍરબસ વિમાનને જરૂરી ઍરવર્ધીનેસ પરમિટ વિના જ ૮ વાર અલગ-અલગ રૂટ પર ઉડાડ્યું હતું.
DGCAએ આ કાર્યવાહી એક ગોપનીય માહિતીના આધાર પર કરી હતી. નિયામકનું કહેવું છે કે આ પ્રકારની લાપરવાહીથી ઍરલાઇન પરથી જનતાનો ભરોસો ઓછો થઈ રહ્યો છે.
ADVERTISEMENT
૨૦૨૫ના નવેમ્બર મહિનામાં ૨૪થી ૨૬ નવેમ્બર દરમ્યાન આ બેદરકારી થઈ હતી. ઍરબસ A-320 નિયો વિમાનને જરૂરી પ્રમાણપત્ર ખતમ થયા પછી પણ ઍરલાઇને ૮ વાર ઉડાડ્યું હતું.
ઍરલાઇન મૅનેજમેન્ટે DGCAનો આદેશ મળ્યો હોવાની વાતનો સ્વીકાર કરીને કહ્યું હતું કે ‘કંપનીએ પોતે જ DGCAને આ બાબતનો રિપોર્ટ આપ્યો હતો. હવે કંપનીએ તમામ કમી પૂરી કરી લીધી છે અને એનો રિપોર્ટ DGCAને આપી દેવામાં આવ્યો છે.’
ઍરવર્ધીનેસ પ્રમાણપત્ર શું છે?
નિયમ અનુસાર દરેક વિમાનની દર વર્ષે તપાસ થાય છે અને એ ઊડવા માટે કેટલું યોગ્ય છે એનું પ્રમાણપત્ર મળે છે. આ પ્રમાણપત્રમાં ગ્રીન સિગ્નલ મળ્યું હોય તો જ ઍરલાઇન એ ઍરક્રાફ્ટ વાપરી શકે છે.


