પોતાની સામેની પોલીસ-ફરિયાદ અને કેસ રદ કરવાની માગણી
જૅકલિન ફર્નાન્ડિસ
જૅકલિન ફર્નાન્ડિસે હાલમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પોતાની વિરુદ્ધ નોંધાયેલી પોલીસ-ફરિયાદ અને ચાલુ અપરાધિક કાર્યવાહી રદ કરવાની માગણી કરી છે. આ કેસ કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા ૨૧૫ કરોડ રૂપિયાના મની-લૉન્ડરિંગ કેસ સાથે સંબંધિત છે જેમાં જૅકલિનનું નામ લાંબા સમયથી ચર્ચામાં છે.
આ પહેલાં જૅકલિને દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ત્યાં તેની અપીલ નકારી કાઢવામાં આવી હતી. હાઈ કોર્ટના નિર્ણયથી નિરાશ થઈને જૅકલિન હવે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. જૅકલિનની તરફથી તેના વકીલે તર્ક આપ્યો કે તેને એ વાતની જાણકારી નહોતી કે સુકેશ પાસેથી મળેલી ભેટો છેતરપિંડીનાં નાણાંથી ખરીદવામાં આવી હતી. તેમણે કહ્યું કે જૅકલિનને આ કેસમાં ફસાવવામાં આવી છે. જૅકલિનની દલીલ છે કે તે આ કેસથી બહાર નીકળીને પોતાની ઇમેજને ક્લીન કરવા ઇચ્છે છે જેથી તેની કરીઅર પર કોઈ ખરાબ અસર ન પડે.


