અહીં વડીલોની ભાવનાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રેમ અને સામાજિક સપોર્ટ મળે એવા વાતાવરણનું સર્જન કરવામાં આવશે.
સોનુ સૂદ
સોનુ સૂદે બુધવારે પોતાની બાવનમી વર્ષગાંઠની ઉજવણી કરી. આ અવસરે તેણે ૫૦૦ વરિષ્ઠ નાગરિકોને આશ્રય અને કાળજી આપે એવું એક નવો વૃદ્ધાશ્રમ શરૂ કરવાની ઘોષણા કરી. આ વૃદ્ધાશ્રમનો હેતુ એવા વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષિત, આદરપૂર્ણ અને પ્રેમાળ વાતાવરણ ઊભું કરવાનો છે જેમની સંભાળ લેવા માટે કોઈ નથી. આ વૃદ્ધાશ્રમમાં ૫૦૦ વરિષ્ઠ નાગરિકો માટે આરામદાયક રહેવાની વ્યવસ્થા તો હશે જ, સાથે-સાથે નિયમિત આરોગ્ય-તપાસ અને જરૂરી તબીબી સહાય તેમ જ વૃદ્ધોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પૌષ્ટિક ખોરાકની સુવિધા પણ આપવામાં આવશે. અહીં વડીલોની ભાવનાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રેમ અને સામાજિક સપોર્ટ મળે એવા વાતાવરણનું સર્જન કરવામાં આવશે.
ફૅન્સ સાથે બર્થ-ડે સેલિબ્રેશન
સોનુ સૂદે પોતાનો જન્મદિવસ ફૅન્સ અને ફોટોગ્રાફરોની હાજરીમાં ઊજવ્યો. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં તે કૅઝ્યુઅલ બ્લૅક શર્ટ અને ડાર્ક બ્લુ જીન્સમાં જોવા મળ્યો. તેણે હસતાં-હસતાં કેક કાપી, જ્યારે ચાહકોએ તેનાં પર ફૂલોની પાંખડીઓ વરસાવી. સોનુ આ પ્રેમથી બહુ ખુશ થઈ ગયો હોય એમ લાગતું હતું.
ADVERTISEMENT
સોનુએ આ પહેલાં પણ મમ્મીના નામે શરૂ કર્યો હતો વિશેષ વૃદ્ધાશ્રમ
સોનુ સૂદે આ પહેલાં પણ મમ્મી સરોજ સૂદના નામે સરોજ સેરેનિટી નામનો એક વિશેષ વૃદ્ધાશ્રમ શરૂ કર્યો છે. આ પહેલ ૨૦૨૪ની ૨૪ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી હતી. આ વૃદ્ધાશ્રમનો ઉદ્દેશ એવા વરિષ્ઠ નાગરિકોને આશ્રય અને કાળજી પૂરી પાડવાનો છે જેઓ વિવિધ કારણોસર તેમનાં સંતાનો સાથે રહી શકતા નથી. આ સુવિધા વૃદ્ધોને આદર, પ્રેમ અને આરામદાયક વાતાવરણમાં વૃદ્ધાવસ્થા જીવવાની તક આપે છે.


