જોકે ધુરંધર સ્ટારને આ ફિલ્મ બહુ ડાર્ક લાગતાં તેણે કામ કરવાની ના પાડી હતી
`કબીર સિંહ`માં શાહિદ કપૂર
હાલમાં રણવીર સિંહની ‘ધુરંધર’ જબરદસ્ત સફળતા મેળવી રહી છે. આ ફિલ્મમાં રણવીર પહેલી વખત અન્ડરકવર એજન્ટ તરીકે જોવા મળ્યો છે. ‘ધુરંધર’ના વધતા ક્રેઝ વચ્ચે હવે ફિલ્મમેકર સંદીપ રેડ્ડી વાંગાનો એક જૂનો ઇન્ટરવ્યુ ફરી ચર્ચામાં આવ્યો છે જેમાં તેણે રણવીર વિશે મોટો ખુલાસો કર્યો છે. સંદીપ રેડ્ડી વાંગાએ આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ૨૦૧૯માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘કબીર સિંહ’ માટે તેની પહેલી પસંદગી શાહિદ કપૂર નહીં, રણવીર સિંહ હતો પણ તેણે આ ફિલ્મ રિજેક્ટ કરી હતી.
થોડા સમય પહેલાં એક મીડિયા-ઇન્ટરવ્યુમાં સંદીપ રેડ્ડી વાંગાએ પોતાની પહેલી હિન્દી ફિલ્મ ‘કબીર સિંહ’ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘સૌપ્રથમ આ ફિલ્મ રણવીર સિંહને ઑફર કરવામાં આવી હતી. હું આ ફિલ્મ તેની સાથે બનાવવા માગતો હતો પરંતુ અંતે તેણે નક્કી કર્યું કે તે આ ફિલ્મ નહીં કરે, કારણ કે એ સમયની દૃષ્ટિએ આ ફિલ્મ તેને માટે બહુ વધારે ડાર્ક હતી. આ કારણથી જ રણવીરે ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો.’
ADVERTISEMENT
આ ફિલ્મમાં શાહિદની પસંદગીના સંજોગો વિશે વાત કરતાં સંદીપ રેડ્ડી વાંગાએ કહ્યું હતું કે ‘એ સમયે શાહિદનો ટ્રૅક-રેકૉર્ડ બહુ મજબૂત નહોતો. તેની કોઈ પણ સોલો ફિલ્મે ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર નહોતો કર્યો. તેની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ માત્ર ૬૫ કરોડ રૂપિયા સુધી પહોંચી શકી હતી. લોકો કહેતા કે ૫૫-૬૫ કરોડ રૂપિયા તો તેલુગુ ફિલ્મો પણ કમાઈ લે છે તો તમે આ છોકરા સાથે આ ફિલ્મ કેમ કરી રહ્યા છો? જો રણવીર હોત તો બૉક્સ-ઑફિસ કલેક્શન વધુ હોત પરંતુ મને હંમેશાં શાહિદ પર વિશ્વાસ હતો. તે એક શાનદાર ઍક્ટર છે.’


