Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રના રાજકારણમાં હવે લેડી પવારનો ઉદય

મહારાષ્ટ્રના રાજકારણમાં હવે લેડી પવારનો ઉદય

Published : 31 January, 2026 08:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુનેત્રા પવાર સંસદસભ્ય ન બની શક્યાં, પાછલે બારણેથી રાજ્યસભામાં પહોંચ્યાં અને હવે અચાનક NCPનાં રાષ્ટ્રીય અધ્યક્ષ તથા રાજ્યનાં પ્રથમ મહિલા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનશે

ઍક્સિડેન્ટલ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર - સુનેત્રા પવાર

ઍક્સિડેન્ટલ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર - સુનેત્રા પવાર


અજિત પવારના અવસાન પછી તેમનું સ્થાન લેવા માની ગયાં પત્ની સુનેત્રા પવાર, આજે સાંજે પાંચ વાગ્યે શપથવિધિ : દીકરો પાર્થ મમ્મીની જગ્યાએ રાજ્યસભામાં જશે: રાજ્યમાં અજિત પવાર જે ખાતાં સંભાળતા હતા એમાંથી ફાઇનૅન્સ દેવેન્દ્ર ફડણવીસ સંભાળશે, બાકીનાં સુનેત્રા પવારના ફાળે : સુનેત્રા પવાર NCPનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બનશે, એ પછી NCP (SP) સાથેના વિલીનીકરણનો મુદ્દો હાથ ધરાશે

રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારનું પ્લેન-ક્રૅશમાં મૃત્યુ થયા બાદ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરપદ પર કોની વરણી થશે એ ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે ગઈ કાલે સાંજે તેમનાં પત્ની સુનેત્રા પવારે લોકોની ભાવના અને પાર્ટીના વિધાનસભ્યોની વિનંતીને માન આપીને પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષનું અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનું પદ સ્વીકારવાની મંજૂરી દર્શાવી હતી. એથી આજે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની બેઠકમાં તેમની મંજૂરીને મહોર માર્યા બાદ સાંજે પાંચ વાગ્યે શપથવિધિ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું. અજિત પવારની જાહેરાતોનું કામ સંભાળતી ડિઝાઇન બૉક્સ કંપનીના પ્રમુખ નરેશ અરોરા અને NCPના સિનિયર નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એ પછી નરેશ અરોરા એ મેસેજ લઈને મુંબઈ આવવા નીકળી ગયા હતા. સુનેત્રા પવાર રાજ્યનાં પહેલાં મહિલા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનશે.    



અજિત પવારના અસ્થિ-વિસર્જન પછી વિડિયો-કૉન્ફરન્સથી સુનેત્રા પવાર અને પાર્ટીના પાંચ વરિષ્ઠ નેતાઓની મીટિંગ થઈ હતી જેમાં ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમના આ નિર્ણયની જાણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કરવામાં આવી હતી. એથી આજે જ તેમની ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકેની શપથવિધિ યોજાશે, જ્યારે તેમના પુત્ર પાર્થ પવારને રાજ્યસભામાં મોકલવામાં આવશે. એ સાથે જ એવી પણ ચર્ચા હતી કે ધનંજય મુંડેને ફરી પ્રધાનમંડળમાં લેવામાં આવશે.    


દેવેન્દ્ર ફડણવીસને NCPના આ નિર્ણયની જાણ કરવામાં આવી છે. તેમણે પણ એને માન્ય રાખ્યો છે. અજિત પવાર પાસે ફાઇનૅન્સ, ક્રીડા અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટનાં ખાતાં હતાં. એમાં પણ સૌથી મહત્ત્વનું ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટ ખાતું દેવેન્દ્ર ફડણવીસ પોતાની પાસે રાખવાના છે, જ્યારે ક્રીડા અને એક્સાઇઝ સુનેત્રા પવારના ફાળે જશે એવી જાહેરાત દેવેન્દ્ર ફડણવીસે કરી છે. સાથે જ તેમણે બજેટ-સેશન ચાલુ થવાનું હોવાથી એ માટેની તૈયારીઓ પણ ચાલુ કરી દઈશું એવું જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટ તેમની પાસે જ રહેશે અને હવે તેઓ બજેટ-સત્રની તૈયારીમાં લાગી જશે.


સુનેત્રા પવારના પિતા અને ભાઈ પણ રાજકારણમાં

  • ૧૯૬૩માં ઉસ્માનાબાદ (હવે ધારાશિવ)માં જન્મ.
  • પિતા બાજીરાવ પાટીલ સ્થાનિક રાજકારણી અને મોટા નેતા.
  • ભાઈ પદ્‍મસિંહ પાટીલ પણ ૧૯૮૦થી ઉસ્માનાબાદ જિલ્લાના વગદાર નેતા છે.
  • ૧૯૮૩માં એસ. બી. આર્ટ્‍સ કૉલેજમાં અભ્યાસ કરીને બૅચલરની ડિગ્રી મેળવી.
  • ૧૯૮૫માં ભાઈ પદ્‍મસિંહ પાટીલે તેમનાં અજિત પવાર સાથે લગ્ન ગોઠવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી.
  • લગ્ન બાદ ઍક્ટિવ રાજકારણથી દૂર રહ્યાં, પણ સામાજિક કાર્યો કર્યાં અને લોકો સાથે સંપર્ક બનાવી રાખ્યો.
  • બારામતીના તેમના મૂળ ગામ કાટેવાડીમાં તેમણે સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું અને લોકો ખુલ્લામાં હાજતે ન જાય એ માટે દરેક ઘરમાં ટૉઇલેટ બનાવવાનું અભિયાન ચલાવ્યું.
  • ગામના રહેવાસીઓનું કહેવું છે કે એ સ્વચ્છતા અભિયાનમાં તેમણે જાતે ભાગ લીધો હતો અને દરેકને ઘરમાં ટૉઇલેટ બનાવવા સમજાવ્યા હતા.
  • કાટેવાડી ગામ ત્યાર બાદ સ્વચ્છતાને પ્રાધાન્ય આપતું થઈ ગયું અને ૨૦૦૬માં એ ગામને કેન્દ્ર સરકારનો ‘નિર્મલ ગ્રામ’ પુરસ્કાર પણ મળ્યો.
  • એ પછી કાટેવાડીમાં સોલર સ્ટ્રીટલાઇટ, બાયોગૅસ પ્લાન્ટ, વેસ્ટ મૅનેજમેન્ટ સિસ્ટમ અને ઑર્ગેનિક ખેતીને પણ તેમણે પ્રોત્સાહન આપ્યું. ગામને એ પછી અનેક અવૉર્ડ મળ્યા.
  • ૨૦૦૮માં બારામતીમાં ૬૮ એકરમાં હાઈ-ટેક ટેક્સટાઇલ પાર્ક ઊભો કરવામાં તેમનું યોગદાન હતું. એ પ્રોજેક્ટને તેમણે લીડ કર્યો હતો જેને કારણે ૧૫,૦૦૦ લોકોને રોજગાર મળ્યો હતો. એમાં મોટા ભાગે મહિલાઓ હતી જે પ્રિન્ટિંગ અને વીવિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી.
  • અજિત પવારને સંડોવતા મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્કના કેસમાં સુનેત્રા પવારનું પણ નામ ઊછળ્યું હતું. તેઓ શુગર મિલનાં ટ્રાન્ઝૅક્શન્સ સાથે સંકળાયેલાં હતાં.
  • ૨૦૨૧માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે એ કેસની તપાસ અંતર્ગત અજિત પવાર અને સુનેત્રા પવારની કંપનીની મિલકતોને ટાંચ મારી હતી. જોકે ચાર્જશીટમાં તે બન્નેનાં નામ નહોતાં.
  • એ કેસની તપાસમાં ૨૦૨૪માં મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફિન્સિસ વિંગે તેમને ક્લીન ચિટ આપી હતી.  
  • ૨૦૨૪માં તેઓ ઍક્ટિવ પૉલિટિક્સમાં આવ્યાં. અજિત પવાર નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સમાં જોડાયા એ પછી તેમણે બારામતીમાં સુનેત્રા પવારને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભાં રાખ્યાં. એ વખતે તેમની સ્પર્ધા પવાર પરિવારનાં જ સુપ્રિયા સુળે સાથે હતી. જોકે એ ચૂંટણી તેઓ હારી ગયાં હતાં.
  • એ પછી બે મહિના બાદ તેમને રાજ્યસભાના મેમ્બર બનાવવામાં આવ્યાં હતાં.
  •  ૨૦૨૪માં રાજ્યસભાનાં મેમ્બર બન્યા પછી તેમની હાજરી સભામાં ૬૯ ટકા જેટલી રહી હતી.
  • રાજ્યસભામાં ૪ મહત્ત્વની ચર્ચામાં તેમણે ભાગ લીધો હતો. 
Whatsapp-channel Whatsapp-channel

31 January, 2026 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK