ડોનલ્ડ ટ્રમ્પ ક્યુબાની સામ્યવાદી સરકારને બદલવા માગે છે
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકી પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં ક્યુબાને તેલ પૂરું પાડતા દેશોના માલ પર ટૅરિફ લાદવાની ચેતવણી આપવામાં આવી હતી. આ આદેશ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરે છે અને અમેરિકાના રાજ્ય અને વાણિજ્ય-સચિવો માટે એક પ્રક્રિયા સ્થાપિત કરે છે જેથી તેઓ એવા દેશો સામે ટૅરિફનું મૂલ્યાંકન કરી શકે જે ક્યુબાને તેલ વેચે છે અથવા અન્યથા પૂરું પાડે છે.
ડોનલ્ડ ટ્રમ્પ ક્યુબાની સામ્યવાદી સરકારને બદલવા માગે છે. આ માટે ટ્રમ્પે આ મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે આદેશમાં લખ્યું છે કે ‘ક્યુબા સરકારે અસાધારણ પગલાં લીધાં છે જે અમેરિકાને નુકસાન પહોંચાડે છે અને ખતરો ઊભો કરે છે. ક્યુબા સરકાર અસંખ્ય દુશ્મન દેશો, આંતરરાષ્ટ્રીય આતંકવાદી જૂથો અને અમેરિકા સામે હિંસાનાં કૃત્યો કરનારાઓ સાથે સાઠગાંઠમાં છે અને એનું સમર્થન કરે છે.’
ADVERTISEMENT
ટ્રમ્પના આદેશથી મેક્સિકો પર પણ અમેરિકાનું નવું દબાણ આવશે. તાજેતરનાં વર્ષોમાં એ ક્યુબાનું તેલનું મુખ્ય વિદેશી સપ્લાયર બની ગયું છે, કારણ કે સાઉથ અમેરિકન દેશના આર્થિક સંકટ વચ્ચે વેનેઝુએલાથી શિપમેન્ટ ઘટ્યું છે. આ મહિનાની શરૂઆતમાં મેક્સિકો પણ કૅરિબિયન ટાપુ પર ક્રૂડ ઑઇલ શિપમેન્ટ મોકલવાની યોજનાથી પાછળ હટી ગયું છે. અમેરિકાનો ખતરો સીધો મેક્સિકો પર છે જે એનો સૌથી મોટો તેલ-સપ્લાયર છે. ટ્રમ્પના આદેશનો મેક્સિકન વિદેશ-મંત્રાલય તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.
હું ઈરાન સાથે વાત કરવાની યોજના બનાવી રહ્યો છું : ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે ‘ઈરાન સાથે વધતા તનાવ વચ્ચે તેઓ એની સાથે વાત કરવાની યોજના બનાવી રહ્યા છે. અત્યારે આપણાં ઘણાંબધાં ખૂબ જ શક્તિશાળી જહાજો ઈરાન જઈ રહ્યાં છે અને જો આપણે એનો ઉપયોગ ન કરવો પડે તો એ ખૂબ સારું રહેશે. હું ઈરાન સાથે વાત કરવાની યોજના બનાવી રહ્યો છું.’ ડોનલ્ડ ટ્રમ્પે અગાઉ ઈરાનને ટેબલ પર આવવા અને પરમાણુકરાર કરવા કહ્યું હતું.


