મેટલ ઇન્ડેક્સ ૨૦૯૬ પૉઇન્ટ પીગળ્યો, હિન્દુસ્તાન ઝિન્ક-હિન્દુસ્તાન કૉપર, વેદાન્તા, નાલ્કોમાં ડબલ ડિજિટની ખરાબી : નેસ્લે બહેતર પરિણામમાં ૧૬ મહિનાની ટોચે જઈ નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર : રેમન્ડ ગ્રુપના શૅર ડિમાન્ડમાં, સ્ટેટ બૅન્ક તથા ઍક્સિસ બૅન્ક નવા ઊંચા શિખર
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- MCX સવાછ ટકા બગડ્યો, ૬૩ મૂન્સ વૉલ્યુમ સાથે મજબૂત
- પરિણામની અસરમાં GE શિપિંગ સવા વર્ષની ઊંચી સપાટીએ, કોલગેટ નવું બૉટમ બનાવી સુધરી
- શાયોના એન્જિનિયરિંગનું સુસ્ત લિસ્ટિંગ
માથે બજેટ વચ્ચે સુધારાની હૅટ-ટ્રિક બાદ શૅરબજાર શુક્રવારે નરમાઈમાં જોવા મળ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૬૧૯ પૉઇન્ટ નરમ, ૮૧,૯૪૭ ખૂલી છેવટે ૨૯૬ પૉઇન્ટ ઘટી ૮૨,૨૭૦ તથા નિફ્ટી ૯૮ પૉઇન્ટની પીછેહઠમાં ૨૫,૩૨૧ બંધ થયો છે. નબળા ઓપનિંગ બાદ શૅરઆંક નીચામાં ૮૧,૯૪૧ થયો હતો. ત્યાંથી ક્રમશઃ સુધરીને ઉપરમાં ૮૨,૪૩૧ દેખાયો હતો. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ હતી. NSEમાં વધેલા ૧૮૨૯ શૅર સામે ૧૩૨૫ કાઉન્ટર નરમ હતા. માર્કેટકૅપ ૨૦૦૦ કરોડ ઘટીને ૪૯૫.૯૫ લાખ કરોડ રહ્યું છે. ગઈ કાલની ખાસ ઘટના મેટલમાં પ્રૉફિટ બુકિંગની હતી. છેલ્લા કેટલાક દિવસથી ઑલટાઇમ હાઈનો સિલસિસો દાખવતો મેટલ બેન્ચમાર્ક ગઈ કાલે નીચામાં ૩૮૬૯૬ થઈ ૫.૧ ટકા કે ૨૦૯૬ પૉઇન્ટ પીગળીને ૩૮,૮૪૫ થયો છે. એની ૧૩માંથી ૧૧ જાતો બગડી છે.
વિશ્વબજારમાં ચાંદી ૧૨૦ ડૉલર ઉપર ગયા બાદ તગડા ઝટકામાં ૧૦૫ ડૉલર થઈ જતાં હિન્દુસ્તાન ઝિન્ક બમણા વૉલ્યુમે ૧૨.૧ ટકા તૂટી ૮૨૯ રહી છે. નાલ્કો ૧૦.૩ ટકા, હિન્દાલ્કો ૬.૧ ટકા, વેદાન્તા ૧૦.૯ ટકા, તાતા સ્ટીલ ૪.૬ ટકા, NMDC ૪.૨ ટકા, સેઇલ ચાર ટકા, લૉઇડ્સ મેટલ ૨.૯ ટકા, જિન્દલ સ્ટીલ બે ટકા, JSW સ્ટીલ બે ટકા સાફ થઈ છે. હિન્દુસ્તાન કૉપર ૧૧.૨ ટકાની ખુવારીમાં ૬૭૪ રહી છે. ઇન્ડસ્ટ્રિયલ મિનરલ્સ ઉદ્યોગના ૧૪માંથી ૧૩ શૅર બગડ્યા હતા. GMDC સાડાછ ટકા, આશાપુરા માઇન સાડાછ ટકા, MOIL ૩.૫ ટકા, કચ્છ મિનરલ્સ પાંચ ટકા, ઓડિશા મિનરલ્સ ૩.૯ ટકા, નાઇલ લિમિટેડ ૩.૬ ટકા ગગડી છે. કોલ ઇન્ડિયા ૩.૪ ટકા ખરડાઈને ૪૪૦ હતી. એનાં પરિણામ ૧૨ ફેબ્રુઆરીએ આવશે.
ADVERTISEMENT
ઑઇલ-ગૅસ તથા એનર્જી ઇન્ડેક્સ એકાદ ટકો ડાઉન હતો. આઇટી ઇન્ડેક્સ ૦.૮ ટકા ઘટ્યો છે. એના ૭૭માંથી ૪૬ શૅર પ્લસ હતા, પણ હેવીવેઇટ ઇન્ફોસિસ ૧.૧ ટકા, HCL ટેક્નો દોઢ ટકો, વિપ્રો ૧.૩ ટકા, ટેક મહિન્દ્ર સવા ટકો, TCS ૦.૭ ટકા માઇનસ થઈ છે. ઇન્ફોબીન્સ ટેક્નો સર્વાધિક ૫.૨ ટકા બગડી છે. ૬૩ મૂન્સ ચાર ગણા કામકાજે ઉપરમાં ૭૦૧ બતાવી ૫.૨ ટકા ઊંચકાઈ ૬૪૭ થઈ છે. રેટ ગેઇન ૭.૬ ટકા, જેનેસીસ ૫.૫ ટકા અને રામકો સિસ્ટમ્સ ૫.૧ ટકા મજબૂત બની છે.
આઇટીસી, નેસ્લે, તાતા કન્ઝ્યુમર, હિન્દુસ્તાન યુનિલીવર, બ્રિટાનિયા જેવા અગ્રણી શૅર સહિત કુલ ૯૩માંથી ૭૫ શૅરના સથવારે FMCG ઇન્ડેક્સ દોઢ ટકો વધ્યો છે. રિલાયન્સની સહ-પ્રમોટર તરીકે ૫૧ ટકા માલિકીની લોટસ ચૉકલેટ ઉપરમાં ૮૪૦ થઈ સવાઆઠ ટકા વધીને ૮૨૭ રહી છે. જિલેટ ઇન્ડિયા ૫.૮ ટકા કે ૪૮૪ રૂપિયાના ઉછાળે ૮૭૯૭ થઈ છે. શુગર ઉદ્યોગના ૩૫માંથી ૨૫ શૅર મીઠા બન્યા છે.
વોડાફોન ૧૧.૧ ટકા, MTNL ૧૦.૩ ટકા, તાતા ટેલિ ૭.૭ ટકા, સ્ટરલાઇટ ટેક્નો ૬.૪ ટકા, તેજસનેટ ૪.૫ ટકા, HFCL ૪.૧ ટકા, રેલટેલ ૩.૨ ટકા, તાતા કમ્યુનિકેશન ત્રણ ટકા વધવાના પગલે ટેલિકૉમ ઇન્ડેક્સ ૨.૨ ટકા રણક્યો છે. ભારતી ઍરટેલ નીચામાં ૧૯૧૪ થઈ નજીવા ઘટાડે ૧૯૬૭ રહી છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૪માંથી ૨૬ શૅરની આગેકૂચમાં એક ટકા વધ્યો હતો. કિર્લોસ્કર ઑઇલ એન્જિન ૪.૬ ટકાની મજબૂતીમાં ૧૧૭૦ થઈ છે. ડેટા પૅટર્ન્સ ૪.૩ ટકા, કોચીન શિપયાર્ડ ૩.૧ ટકા, માઝગાવ ડૉક ૨.૩ ટકા અપ હતી.
બૅન્ક નિફ્ટી અડધો ટકો કે ૩૪૭ પૉઇન્ટ ઘટ્યો છે. PSU બૅન્ક નિફ્ટી નજીવો પ્લસ હતો. બૅન્કિંગના ૪૧માંથી ૧૫ શૅર ઘટ્યા છે. CEO અને મૅનેજિંગ ડિરેક્ટરના સ્વૈચ્છિક રાજીનામાં પાછળ સાઉથ ઇન્ડિયા બૅન્ક ૧૫ ટકા તૂટી ૩૭ થઈ છે. ઉજ્જીવન સ્મૉલ બૅન્ક ૪.૮ ટકા, સિટી યુનિયન બૅન્ક ૩.૬ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૨.૨ ટકા વધી છે. કૅનેરા બૅન્ક અને કર્ણાટકા બૅન્ક બે-બે ટકા નરમ હતી.
DH ઇન્ડિયા એક્સ-રાઇટ થતાં સવાઆઠ ટકા ગગડી
વડોદરાની સાયોના એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૧૪૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં છેલ્લે શરૂ થયેલા ૪ના પ્રીમિયમ સામે ગઈ કાલે BSEમાં ૧૪૪ ખૂલી ૧૫૧ બંધ થતાં પાંચ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મદુરાઈની હન્નાહ જોસેફ હૉસ્પિટલનું લિસ્ટિંગ રવિવારે થવાનું છે, પ્રીમિયમ નથી. લિસ્ટિંગ પછી સતત બે દિવસ ખરડાઈ્ને આગલા દિવસે સવાઆઠ ટકા તૂટી ૧૦૧ નજીક બંધ થયેલી શૅડોફૅક્સ ટેક્નો ગઈ કાલે ૫.૫ ટકા વધીને ૧૦૬ રહી છે. ડીજીલૉજિક ૪.૨ ટકા વધી ૮૦ હતી. KRM આર્યુવેદા દોઢ ટકો ઘટીને ૧૭૮ હતી.
દરમ્યાન વરલીની CKK રીટેલનો ૧૦ના શૅરદીઠ ૧૬૩ની અપરબૅન્ડ સાથે ૮૮ કરોડ પ્લસનો NSE SME IPO પ્રથમ દિવસે રીટેલમાં ૧૭ ટકા સહિત કુલ ૫૦ ટકા ભરાયો છે. પ્રીમિયમ બોલાતું નથી. નવી દિલ્હીની એમસેફ ઇક્વિપમેન્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૩ના ભાવનો ૬૬૪૨ લાખનો BSE SME ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૧૩૩ ગણા સહિત કુલ ૧૬૭ ગણો ભરાઈને પૂરો થયો છે. હાલમાં પ્રીમિયમ ૨૬નું ચાલે છે. કનિષ્ક ઍલ્યુમિનિયમનો ૧૦ના શૅરદીઠ ૭૩ના ભાવનો ૨૯૨૦ લાખનો BSE SME ઇશ્યુ આખરી દિવસે રીટેલમાં ૧.૯ ગણા અને કુલ ૧.૧ ગણા પ્રતિસાદમાં તથા અમદાવાદી એક્રીશન ન્યુટ્રાવેદાનો ૧૦ના શૅરદીઠ ૧૨૯ના ભાવનો ૨૪૭૭ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૨.૨ ગણા સહિત કુલ ૧.૯ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે.
ગઈ કાલે ૪ કંપની એક્સ-રાઇટ થઇ છે. DH ઇન્ડિયા ચાર શૅરદીઠ એકના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ભાવે એક્સ-રાઇટમાં ૮.૩ ટકા તૂટી ૧૫૮, અરૂનીસ એબૉડ ૧૦૦ શૅરદીઠ ૧૩૯ શૅરના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૧૭ના ભાવે રાઇટ બાદ થતાં પાંચ ટકા વધીને ૮૫, કૅપ્રિકોર્ન સિસ્ટમ્સ એક શૅરદીઠ ૬ શૅરના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૧૦ના ભાવે એક્સ-રાઇટ થતાં ૨૭ જાન્યુઆરીના ભાવે ૨૦.૬૪ બંધ હતી. તો નાશિકની ગૅલૅક્ટિકો કૉર્પોરેટ સર્વિસિસ ૧૦૦ શૅરદીઠ ૨૩ શૅરના પ્રમાણમાં એકના શૅરદીઠ પોણાબે રૂપિયાના ભાવે એક્સ-રાઇટમાં દોઢ ટકો વધી ૧.૯૭ રહી છે. આ કંપની સપ્ટેમ્બર ૨૦૧૯ની આખરમાં ૧૦ના શૅરદીઠ ૨૩ના ભાવે ૩ કરોડની OFS સહિત કુલ ૪ કરોડનો BSE SME IPO લાવી હતી. કંપનીએ ઑગસ્ટ ૨૦૨૧માં શૅરદીઠ એક તથા મે ૨૦૨૨માં ૧૦ શૅરદીઠ ૩નું બોનસ આપ્યું છે. જૂન ૨૦૨૨માં ૧૦ના શૅરનું એકમાં વિભાજન કર્યું હતું. ૨૦૨૨ની ૨૫ જુલાઈએ શૅર ૮૮.૧૫ના સર્વોચ્ચ શિખરે ગયો હતો. તાજેતરમાં ૨૧મીએ એમાં ૧.૫૭નું વર્સ્ટ બૉટમ બન્યું છે.
પરિણામ પાછળ MTAR ટેક્નૉલૉજીઝ ઑલટાઇમ હાઈ થઈ ૧૯૨ રૂપિયા વધ્યો
Paytm તરફથી ૨૦ ટકા વધારામાં ૨૧૯૪ કરોડની આવક પર ૨૦૮ કરોડની નેટલૉસ સામે આ વખતે ૨૨૫ કરોડ નેટ નફો બતાવાયો છે. કંપની સતત ત્રીજા ક્વૉર્ટરમાં નેટ પ્રૉફિટમાં રહી છે. શૅર સરેરાશથી સારા કામકાજમાં ગઈ કાલે ઉપરમાં ૧૧૭૦ બતાવી ૨.૭ ટકા ઘટી ૧૧૩૭ બંધ થયો છે. સ્વિગીએ આવકમાં ૫૪ ટકાના વધારા સાથે ૩૩ ટકાના વધારામાં ૧૦૬૫ કરોડની ચોખ્ખી ખોટ કરી છે. ભાવ સવા ગણા વૉલ્યુમે નીચામાં ૩૦૨ થઈ પાંચ ટકા ગગડીને ૩૧૧ હતો. કોલગેટ દ્વારા ૧.૭ ટકાના વધારામાં ૧૪૮૬ કરોડની આવક પર ૦.૩ ટકાના પરચૂરણ સુધારામાં ૩૨૪ કરોડ નેટ પ્રૉફિટ બતાવાયો છે. શૅર નીચામાં ૨૦૩૧ના તળિયે જઈ ૦.૪ ટકા સુધરી ૨૧૨૦ થયો છે. ડાબર ઇન્ડિયાએ ૬ ટકા વધારામાં ૩૫૫૯ કરોડ આવક પર સવાસાત ટકા વધારામાં ૫૫૩ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર અડધો ટકો ઘટી ૫૦૬ હતો.
તાતા મોટર્સ કમર્શિયલ કે તાતા મોટર્સે ૧૬ ટકાના વધારામાં ૨૧,૮૪૭ કરોડની આવક પર ૪૮ ટકાના ઘટાડામાં ૭૦૫ કરોડ નેટ નફો બતાવ્યો છે, નવા લેબર કોડ પેટે ૬૦૨ કરોડ સહિત કુલ ૧૬૪૩ કરોડની કંપનીએ વન ટાઇમ પ્રોવિઝન કરી છે એમાં નફો ઘટ્યો છે. શૅર ગઈ કાલે ૪૮૫ની નવી ટૉપ બતાવી અઢી ટકા ઘટીને ૪૫૮ બંધ થયો છે. વૉલ્ટાસની આવક એક ટકો ઘટી છે, પણ નફો ૩૫.૭ ટકા ગગડીને ૮૫ કરોડ રહ્યો છે. ભાવ નીચામાં ૧૨૮૦ થઈ સવા ટકો ઘટી ૧૩૫૦ હતો. વેદાન્તાની આવક ૭૭ ટકા વધી ૨૩,૩૬૯ કરોડ તથા નેટ પ્રૉફિટ ૬૧ ટકા વધી ૫૭૧૦ કરોડ થયો છે. શૅર નીચે ૬૭૫ થઈને ૧૦.૯ ટકા તૂટી ૬૮૩ બંધ થતાં માર્કેટકૅપ ૨.૬૭ લાખ કરોડ થયું છે. ડિક્શન ટેક્નૉલૉજીઝની આવક બે ટકા વધી ૧૦,૬૭૧ કરોડ થઈ છે, પણ અન્ય આવક સાડાછ કરોડથી વધીને ૧૩૧ કરોડ રહેતાં નેટ નફો ૬૮ ટકા જેવા વધારામાં ૨૮૭ કરોડ આવ્યો છે. શૅર ૯૮,૨૮ના તળિયે જઈ એક ટકો સુધરીને ૧૦,૪૪૫ હતો.
સ્પર્મા SGS ટેક્નૉલૉજીઝે ૪૫ ટકાના વધારામાં ૧૨૬૪ કરોડની આવક ઉપર ૧૧૧ ટકા જેવા વૃદ્ધિદરથી ૧૦૭ કરોડ પ્લસ નેટ પ્રૉફિટ મેળવ્યો છે. શૅર ૮૦૧ બતાવી પાંચ ટકા વધી ૭૬૧ થયો છે. MTAR ટેક્નૉલૉજીઝે ૫૯ ટકા વધારામાં ૨૭૮ કરોડની આવક પર ૧૧૭ ટકાના વધારામાં ૩૪૭૦ લાખ ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. ભાવ ૩૦૭૫ની વિક્રમી સપાટી બતાવી ૭ ટકા ઊછળીને ૨૯૩૩ હતો. નિવા બુપા હેલ્થ ઇન્શ્યૉરન્સની નેટ પ્રીમિયમની આવક ૨૮ ટકા વધી ૧૪૫૩ કરોડ વટાવી ગઈ છે, પણ કંપની સવાતેર કરોડના નફામાંથી ૮૭ કરોડ કરતાં વધુની નેટ લૉસમાં સરી પડી છે. શૅર પોણો ટકો સુધરી ૭૯ થયો છે. અદાણી ગ્રુપની અંબુજા સિમેન્ટ્સની ૭૨.૭ ટકા માલિકીની ઓરિયેન્ટ સિમેન્ટ્સની આવક એક ટકો ઘટીને ૬૩૬ કરોડ રહી છે, પરંતુ ચોખ્ખો નફો ૧૭૪ ટકા ઊછળી ૨૭૮૦ લાખ થયો છે. શૅર નીચામાં ૧૫૭ થઈ ૪.૪ ટકા ગગડી ૧૫૮ બંધ આવ્યો છે. ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ કે GE શિપિંગ દ્વારા સાડાસત્તર ટકા વધારામાં ૧૪૫૪ કરોડની આવક તથા ૩૭ ટકા વધારામાં ૮૧૨ કરોડ પ્લસનો ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર ૧૨૬૫ની સવા વર્ષની ટૉપ બતાવી ૧.૪ ટકા વધી ૧૨૦૨ રહ્યા છે.
ITC ૪૧ મહિનાના તળિયે જઈ સુધારામાં બંધ થઈ
ITC લિમિટેડે પોણાસાત ટકા વધારામાં ૨૧,૭૦૬ કરોડની આવક પર નવા લેબર કાંડને પગલે ૩૫૪ કરોડની વન-ટાઇમ પ્રોવિઝનને લઈ ત્રણેક કરોડ રૂપિયાના ઘટાડે ૪૯૩૧ કરોડ નેટ નફો દર્શાવ્યો છે. બજારની એકંદર અપેક્ષા ૫૨૩૨ કરોડના ચોખ્ખા નફાની હતી. શૅર ગઈ કાલે ૩૧૬ની ૪૧ મહિનાની બૉટમ બતાવી ૧.૧ ટકા વધી ૩૨૨ રહ્યો છે. સ્ટેટ બૅન્ક ૧૦૮૨ના બેસ્ટ લેવલે જઈ સવા ટકો વધીને ૧૦૭૮ થઈ છે. સામે ICICI બૅન્ક ૨.૧ ટકા ગગડીને ૧૩૫૫ બંધ થતાં એનું માર્કેટકૅપ ફરી એક વાર સ્ટેટ બૅન્કથી નીચે આવી ગયું છે. તાજેતરની નબળાઈ બાદ મહિન્દ્ર ૧.૩ ટકા વધીને ૩૪૩૦ બંધ થઈ છે. મારુતિ સુઝુકી અડધો ટકો સુધરીને ૧૪,૫૮૦ હતી. ઍક્સિસ બૅન્ક ૧૩૭૯ નજીક નવી ટૉપ હાંસલ કરી સાધારણ વધીને ૧૩૭૦ રહી છે.
નેસ્લે ઇન્ડિયાએ ૪૫ ટકાના જમ્પમાં ૯૯૮ કરોડ નેટ પ્રૉફિટ કરી શૅરદીઠ ૭ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કરતાં શૅર ૧૩૩૯ની ૧૬ મહિનાની ટૉપ બનાવી ૩.૫ ટકાના ઉછાળે ૧૩૩૨ બંધમાં નિફ્ટીમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. તાતા કન્ઝ્યુમર અઢી ટકા, અપોલો હૉસ્પિટલ્સ ૨.૪ ટકા, ટાઇટન પોણો ટકો, હિન્દુસ્તાન યુનિલીવર ૦.૬ ટકા પ્લસ હતી. હિન્દાલ્કો ૬ ટકા તૂટી ૯૬૨ બંધમાં નિફ્ટી ખાતે તો તાતા સ્ટીલ ૪.૬ ટકા ગગડી ૧૯૩ બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બની છે. કોલ ઇન્ડિયા સાડાત્રણ ટકા, ONGC ૨.૩ ટકા, JSW સ્ટીલ બે ટકા નરમ હતી. બજાજ ઑટો પરિણામ પૂર્વે નીચામાં ૯૩૯૦ થયા બાદ ૯૬૧૩ બનાવી પોણો ટકો સુધરી ૯૫૮૩ હતી.
ભારત બિજલી ૩૦૨ રૂપિયા કે ૧૨ ટકા પ્લસની તેજીમાં ૨૮૦૦ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. રેમન્ડ લાઇફ સ્ટાઇલ પોણાબાર ટકા કે ૧૦૯ની મજબૂતીમાં ૧૦૩૧ તથા વનસોસ સ્પેશ્યલ ફાર્મા સાડાનવ ટકા વધી ૧૨૧૭ થઈ છે. રિલાયન્સ સવાચાર રૂપિયાના ચિલ્લર સુધારામાં ૧૩૯૬ હતી. ભારત પેરન્ટલ્સ સાડાચૌદ ટકા કે ૧૫૮ રૂપિયા લથડી ૯૩૮ની અંદર ગઈ છે. ૩૧ જુલાઈએ શૅરનો ભાવ ૧૬૬૭ની ટોચે હતો. રેમન્ડ રિયલ્ટી પોણાસત્તર ટકા ઊછળી ૫૦૧ તથા રેમન્ડ ત્રણ ટકા વધીને ૩૮૫ બંધ આવી છે. MCX ૬.૨ ટકા તૂટીને ૨૫૨૫ રહી છે.


