અજિત પવારના બન્ને પુત્રો પાર્થ અને જય, પત્ની સુનેત્રા, કઝિન સુપ્રિયા સુળે અને અન્ય પરિવારજનો એ વખતે હાજર રહ્યાં હતાં
ગઈ કાલે બારામતીમાં અજિત પવારનાં અસ્થિનું વિસર્જન કરતા પરિવારજનો
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ તેમના વતન બારામતીમાં અંતિમ સંસ્કારના એક દિવસ પછી તેમનાં અસ્થિનું વિસર્જન થયું હતું. બારામતીમાં સોનગાવ ખાતે કર્હા અને નીરા નદીના સંગમસ્થાને જઈને પરિવારજનોએ અજિત પવારનાં અસ્થિનું વિસર્જન કર્યું હતું. અજિત પવારના બન્ને પુત્રો પાર્થ અને જય, પત્ની સુનેત્રા, કઝિન સુપ્રિયા સુળે અને અન્ય પરિવારજનો એ વખતે હાજર રહ્યાં હતાં.
NCP (SP)ના વિધાનસભ્ય અને અજિત પવારના ભત્રીજા રોહિત પવારે અસ્થિ-વિસર્જન બાદ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર ભાવનાત્મક પોસ્ટ લખી હતી, ‘આજે અસ્થિ એકઠાં કરતી વખતે એવું લાગ્યું કે તમે અચાનક ફીનિક્સ બર્ડની જેમ ઊભા થઈને અમને કહેશો કે હું મૉક ડ્રિલ કરી રહ્યો હતો કે તમે કટોકટીનો સામનો કરવા માટે કેટલા તૈયાર છો. હવે ઊઠો, કામ પર પાછા ફરો. મહારાષ્ટ્ર માટે, અહીંના સામાન્ય માણસ માટે આપણે ઘણું કરવાનું છે. ચાલો, મોડું ન કરો.’
ADVERTISEMENT
શરદ પવાર બારામતીમાં ફરી સક્રિય, નીરા નદીના પ્રદૂષણની વિગતો લીધી
અજિત પવારના આકસ્મિક મૃત્યુ પછી એવું લાગે છે કે શરદ પવારે પોતે બારામતીનું સંચાલન સંભાળવાનું નક્કી કર્યું છે. શરદ પવાર બારામતીમાંથી વહેતી નીરા નદીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમણે બારામતી નજીક નીરા વાઘજ ગામમાં નીરા નદીના પ્રદૂષણનું નિરીક્ષણ કર્યું હતું.
ઘણાં વર્ષો પહેલાં શરદ પવારે બારામતીનો વહીવટ અજિત પવારને સોંપ્યો હતો અને પોતે દેશના રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એક તરફ પવાર પરિવાર અજિત પવારના અસ્થિ-વિસર્જન માટે બારામતી નજીક સોનગાંવ પહોંચ્યો હતો અને એ સમયે શરદ પવાર પ્રદૂષિત નદીનું નિરીક્ષણ કરવા માટે નીરા વાઘજ ગામ પહોંચ્યા હતા. શરદ પવાર બારામતીમાં ફરી સક્રિય થઈ ગયા છે. એવી પણ ચર્ચા છે કે આ બારામતી અને શરદ પવાર વચ્ચેના જૂના સંબંધોને ફરી તાજા કરવાનો પ્રયાસ છે.


