એમાં સોનાની આશરે ૧૦૦૦ દુકાનો લાઇનસર જોવા મળશે
પ્રતીકાત્મક તસવીર
યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE)ના દુબઈએ એક નોંધપાત્ર અને અનોખા પ્રોજેક્ટની જાહેરાત કરી છે, જેમાં વિશ્વની પ્રથમ ગોલ્ડ સ્ટ્રીટનું નિર્માણ સામેલ છે. આ ગોલ્ડ સ્ટ્રીટનું નિર્માણ સોનાથી થવાનું છે એવા રિપોર્ટ્સ છે. આ પ્રોજેક્ટ દેરા દુબઈના નવા દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટનો એક ભાગ છે જેને ‘હોમ ઑફ ગોલ્ડ’ કહેવામાં આવી રહ્યું છે. એનો ઉદ્દેશ દુબઈને સોના અને દાગીનાના વેપાર માટે વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર બનાવવાનો છે.
દેરા દુબઈમાં સોનાના બજાર ગોલ્ડ સૂકની પાસે આ ગોલ્ડ સ્ટ્રીટ બનાવવામાં આવશે. એમાં સોનાની ઓછામાં ઓછી ૧૦૦૦ દુકાનો રહેશે જે પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓ માટે મુખ્ય આકર્ષણ બનશે. ગોલ્ડ ડિસ્ટ્રિક્ટ અને ગોલ્ડ સ્ટ્રીટ વૈશ્વિક ગોલ્ડ હબ તરીકે દુબઈની સ્થિતિને વધુ મજબૂત બનાવશે. આ વિસ્તારમાં છૂટક દુકાનો, જથ્થાબંધ વેપાર, બુલિયન, રોકાણ અને દાગીના સંબંધિત સર્વિસ એક જ છત હેઠળ હશે.
ADVERTISEMENT
આ પ્રોજેક્ટ ઇથ્રા દુબઈ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, જે દુબઈ ડિપાર્ટમેન્ટ ઑફ ઇકૉનૉમી ઍન્ડ ટૂરિઝમ (DET) અને દુબઈ ફેસ્ટિવલ્સ ઍન્ડ રીટેલ એસ્ટૅબ્લિશમેન્ટ (DFRE) હેઠળ કાર્યરત છે સ્ટ્રીટની ડિઝાઇન, ચોક્કસ સ્થાન અને ટાઇમલાઇનની સંપૂર્ણ વિગતો તબક્કાવાર જાહેર કરવામાં આવશે. પ્રોજેક્ટની શરૂઆતમાં જ દુબઈ સરકારે એનો પહેલો વિડિયો બહાર પાડ્યો છે. દુબઈ હંમેશાં વૈભવી અને નવીનતા માટે જાણીતું રહ્યું છે. બુર્જ ખલીફા, પામ આઇલૅન્ડ્સ અને હવે ગોલ્ડ સ્ટ્રીટ દુબઈનું ગૌરવ બનશે. આ નવો પ્રોજેક્ટ માત્ર વેપારને જ નહીં પરંતુ ટૂરિઝમને પણ વધારશે.


